Abtak Media Google News

દક્ષિણ ગુજરાતમાં સાયકલોનીક સરકયુલેશનની અસરતળે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર,

જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં અમુક સ્થળે અતિભારે વરસાદ પણ વરસી શકે છે: સવારે બે કલાકમાં કોડીનારમાં વધુ બે ઈંચ ખાબકયો

દક્ષિણ ગુજરાત પર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાનનાં ગંગાનગર પરથી મોનસુન ટ્રફ પસાર થાય છે અને ઉતર મહારાષ્ટ્રથી લઈ કર્ણાટક સુધી ઓકસોર ટ્રફ છે જેની અસરતળે આજથી ચાર દિવસ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે બપોર બાદ રાજયભરમાં વરસાદ વરસવાનું શરૂ થશે. આવતીકાલે વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જુનાગઢમાં અમુક વિસ્તારોમાં ૫ ઈંચ સુધી ભારે વરસાદ પણ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૮૯ તાલુકાઓમાં વરસાદ પડયો છે. કોડીનારમાં ગઈકાલે ૪ કલાકમાં ૬ ઈંચ વરસાદ વરસી ગયા બાદ આજે વહેલી સવારે ૨ કલાકમાં અનરાધાર ૨ ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. સોમવાર સુધી સતત વરસાદ ચાલુ રહે તેવી હૈયે ટાઢક આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Screenshot 20200703 1956182

હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર હાલ દક્ષિણ ગુજરાત પર ૩.૧ કિલોમીટરની ઉંચાઈ પર  એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જયારે રાજસ્થાનનાં ગંગાનગરની લઈ કોલકતા સુધી એક મોનસુન ટ્રફ પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉતર મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી ઓકસોર ટ્રફ છવાયેલો હોવાનાં કારણે આજથી આગામી ૪ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. આજે બપોર બાદ સૌરાષ્ટ્રનાં ૬૦ થી ૭૦ ટકા વિસ્તારોમાં વરસાદ વરસે તેવું અનુમાન છે. ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં અમુક સ્થળે ૪ થી ૫ ઈંચ સુધી ભારે વરસાદ પણ વરસી શકે છે. ૭મી જુલાઈએ રાજયમાં વરસાદનું જોર વધશે અને સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શકયતા પણ હાલ વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ પાડોશી રાજય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અતિભારે વરસાદની સંભાવના છે. બપોરે દરિયામાં હાઈટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે.

Img 20200703 Wa0083 1

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા અનુસાર રાજયમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૭ જિલ્લાનાં ૮૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે હળવા ઝાપટાથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ પડયો હતો. લખતરમાં ૮૦ મીમી, દસાડામાં ૪૦ મીમી, વઢવાણમાં ૩૫ મીમી, ધ્રાંગધ્રામાં ૨૦ મીમી, થાનમાં ૧૮ મીમી વરસાદ પડયો હતો. મોરબી જિલ્લાનાં વાંકાનેરમાં ૪૭ મીમી અને ટંકારામાં ૧૭ મીમી અને દેવભૂમિ દ્વારકાનાં ખંભાળીયામાં ૨૬ મીમી, પોરબંદરનાં કુતિયાણામાં ૧૦ મીમી, જુનાગઢનાં માણાવદરમાં ૧૪ મીમી, ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં ૧૪૪ મીમી, તાલાલામાં ૫૬ મીમી, અમરેલીનાં જાફરાબાદમાં ૮૪ મીમી, વડિયામાં ૬૭ મીમી, બાબરામાં ૬૧ મીમી, ખાંભામાં ૪૨ મીમી, રાજુલામાં ૨૨ મીમી, ધારીમાં ૧૯ મીમી, બગસરામાં ૧૨ મીમી વરસાદ પડયો હતો જયારે બોટાદનાં ગઢડામાં ૧૫ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજયમાં આજ સવાર સુધીમાં મોસમનો કુલ ૧૬.૭૪ ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારથી રાજયનાં ૫ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. કોડીનારમાં ગઈકાલે સુપડાધારે ૪ કલાકમાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ આજે સવારે ૨ કલાકમાં વધુ ૨ ઈંચ વરસાદ પડયો હતો. જયારે સુત્રાપાડામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ઉના, ઉંઝા અને વેરાવળમાં જોરદાર ઝાપટા વરસી ગયા હતા. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આજે બપોર બાદ સૌરાષ્ટ્રનાં ૭૦ ટકા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે. સોમવાર સુધી સતત વરસાદ ચાલુ રહેશે.

ભાદર સહિત ૬ જળાશયોમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અવિરત વરસાદનાં કારણે જળાશયોમાં નવા નીરની આવક સતત થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર સહિત ૬ ડેમમાં પાણીની આવક થવા પામી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૨૦ ફુટ પાણી આવ્યું હતું. જયારે આજી-૨ ડેમમાં ૦.૦૭ ફુટ, સુરવોમાં ૧.૯૭ ફુટ, ન્યારી-૨માં ૦.૪૯ ફુટ, વઢવાણ ભોગાવો-૨માં ૦.૩૨ ફુટ અને સાકરોડી ડેમમાં ૦.૬૨ ફુટ નવા પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.