Abtak Media Google News

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪ તાલુકાઓમાં મેઘમહેર: સૌરાષ્ટ્ર- કચ્છમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથમાં ભારે વરસાદ

રવિવારે પડેલા ભારે વરસાદથી અનેક નદી, નાળા, તળાવો ઓવરફ્લો: ડેમોમાં નવા નીરની આવક

મેઘરાજાએ છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજ્યભરમાં સટાસટી બોલાવી છે. રાજ્યના ૬૪ તાલુકાઓમાં મેઘમહેર થતા અનેક નદી, નાળા, તળાવો ઓવરફ્લો થયા છે. સાથે ડેમની સપાટીઓમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

રાજ્યના ૬૪ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં નોંધાયો છે આ તાલુકામાં ૭ ઇંચ વરસાદ ખાબક્યો છે. જો કે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં દ્વારકામાં ૩ ઇંચ, ખંભાળિયામાં ૩ ઇંચ, ભાણવડમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં ૬ ઇંચ, મુન્દ્રામાં ૨ ઇંચ, નખત્રાણામાં ૨ ઇંચ અને ભુજમાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરમાં ૫ ઇંચ, કેશોદ અને રાણાવાવમાં અઢી ઇંચ, કુતિયાણા અને જૂનાગઢમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

અનેક શહેરોમાં ચોમાસામાં મેઘરાજાએ અનરાધાર વરસવાનું શરૂ કરતા જ તંત્ર સામે ફરિયાદોનો ધોધ વહેવાનો શરૂ થયો છે. જેમાં પોરબંદરના સુભાશનગર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે જૂનાગઢમાં પણ ભારે વરસાદના કારણે મજેવડી દરવાજા નજીકનો અન્ડરબ્રિજ ભરાઈ ગયો હતો. આ ઉપરાંત દિપાંજલી પાછળના નવાપરા, માંગલ ધામ-૧, કલેકટર કચેરી નજીકની સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદી મહોલના કારણે માંગરોળના દરિયાકાંઠે પણ અસર જોવા મળી હતી. દરિયામાં કરંટ આવતા ગત રાત્રિથી ૮ ફૂટ ઊંચા મોજા ઉછળયા હતા. જેના કારણે જેટી ઉપર દરિયાઈ પાણી ફરી વળ્યાં હતા.

આ ઉપરાંત જૂનાગઢમાં ગિરનાર ઉપર પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ગિરનારના પગથિયાં ઉપર ધોધની માફક પાણી વહ્યા હતા. જેથી આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ  ઉપલેટામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે દિવસભર વરસાદ રહ્યો હતો. કાથરોટા, પાટણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લીધે લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

જામજોધપુર પંથકમાં પણ સારો એવો વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. ગત શનિવાર મધરાતથી લઈને રવિવાર સુધી વરસાદ પડયો હતો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. માણાવદર તાલુકામાં પણ શનિવાર રાતથી લઈને રવિવાર રાત સુધી ધીમીધારે અવિરત વરસાદ નોંધાયો હતો. કોડવાવ, પાજોદ, લીંબુડા સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ખેડુતો ગેલમાં આવ્યા હતા. ઘણાખરા ખેડુતોને વાવણી બાકી હતી તેઓએ હવે વાવણીની તૈયારીઓ શ‚ કરી દીધી છે. કોડવાવમાં ભારે વરસાદનાં પગલે ચેકડેમ ઓવરફલો થયો હતો. ઉપરાંત ખેતરોમાં પાણી પણ ભરાય ગયા હતા.

આમ રાજયનાં ૬૪ જેટલા તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં સારો વરસાદ નોંધાયો છે. ઘણી જગ્યાએ મેઘરાજાએ મન મુકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ વરસાદનાં કારણે અનેકવિધ ડેમોમાં પાણીની સપાટી વધી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, અસહ્ય બફારા વચ્ચે છેલ્લા ૨૪ કલાકનાં આ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે.

માંડવીમાં જળ બંબાકાર: વહેલી સવારે માત્ર ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ

કચ્છના માંડવીમા આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા જળ બંબાકાર સર્જાયો હતો. સવારે ૬ થી ૮ દરમીયાન માત્ર બે જ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની આ તોફાની ઇનિંગથી લોકો ગેલમાં આવી ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. નદી, નાળા અને તળાવો છલકાઈ ગયા હતા. આ સાથે કેશોદમાં પણ સવારે ૨ કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છના અબડાસામાં પણ સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.

સાયકલોનીક સર્ક્યુલેશનની અસર તળે સૌરાષ્ટ્રમાં ૪૮ કલાક વરસાદની આગાહી

ગુજરાતમાં ત્રણ ચાર દિવસથી ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે જો કે, ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.શનિવાર રાતથી લઇને સોમવારે સવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.અમદાવાદ, સુરત અને નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમ જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને કરછમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અપર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાયુ છે જેના કારણે આગામી બે દિવસોમાં આણંદ, અમદાવાદ, ખેડા, ડાંગ, નવસારી, સુરત, પાટણ, તાપી, વલસાડ, દમણ, દદરાનગર હવેલી અને દીવમાં ૪૦ કિમિ પ્રતીકલાકની ઝડપે પવન ફૂંકવાની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કરછમાં ભારે વરસાદ પડી શકે છે.

પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા

પોરબંદરમાં ભારે વરસાદને પગલે સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યાં હતા. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આ કારણે અનેક ઘરોમાંપાણી ઘુસ્યા હતા. ત્યારે લોકો ઘર વખરી બચાવવા માટે અને વરસાદી પાણીને બહાર કાઢવાના કામે લાગી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.