સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા : લાલપુરમાં સવા ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ વરસાદ

મોરબી- જૂનાગઢ- ઉપલેટામાં બે ઇંચ : ટંકારામાં પોણા બે ઇંચ : મેંદરડા- અમરેલી-જામનગર-ખંભાળીયા-ભુજ-માળિયા મિયાણા- વાંકાનેર-વિસાવદરમાં એક ઇંચ વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૧ તાલુકાઓમાં વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બેથી ત્રણ દિવસથી વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ કર્યો હોય સૌરાષ્ટ્ર તરબોળ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના તાલુકાઓ છે. સૌથી વધુ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ફરી મુકામ  કર્યો છે. જેને કારણે અગાઉથી જ તરબોળ થયેલું સૌરાષ્ટ્ર ફરી તરબોળ થયુ છે. આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે. અનેક ડેમો ફરી ઓવરફ્લો થવા પામ્યા છે. અને ડેમોના દરવાજાઓ ખોલવામાં આવતા અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેની વિગતો જોઈએ તો સૌથી વધુ જામનગરના લાલપુરમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં પણ ત્રણ ઇંચ, મોરબીમાં બે ઇંચ, જૂનાગઢમાં બે ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, ટંકારામાં પોણા બે ઇંચ, મેંદરડામાં એક ઇંચ, અમરેલીમાં એક ઇંચ, જામનગરમાં એક ઇંચ, ખંભાળિયામાં એક ઇંચ, ભુજમાં એક ઇંચ, માળિયા મિયાણામાં એક ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ, વિસાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે અનેક તાલુકાઓમાં ઝાપટાથી લઈને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૭૨ ટકા વરસાદ : ૩૪૪ ટકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો મોખરે

સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૭૨ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમી દ્વારકા જિલ્લામાં પડ્યો છે. જ્યાં સિઝનનો કુલ વરસાદ ૩૪૪ ટકા નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગરમાં સિઝનનો કુલ ૧૪૨ ટકા, રાજકોટમાં ૧૭૧ ટકા, મોરબીમાં ૧૯૬ ટકા, જામનગરમાં ૨૧૯ ટકા, પોરબંદરમાં ૨૧૬ ટકા, જૂનાગઢમાં ૧૭૧ ટકા, ગીર સોમનાથમાં ૧૫૫ ટકા, અમરેલીમાં ૧૬૪ ટકા, ભાવનગરમાં ૧૦૯ ટકા અને બોટાદમાં ૧૭૨ ટકા વરસાદ નોંધાયો છે.

Loading...