ઝાલાવાડમાં ખનીજચોરી સામે મેગાઓપરેશન: ૩.૪૦ કરોડનો મુદામાલ કબજે

ચોટીલાના સિમાડે થતી રેતી ચોરી ઉપર એલસીબી, આરટીઓ અને મામલતદાર સહિતના તંત્રની દાખલા‚પ કાર્યવાહી: ૧૬ જેટલા વાહનો જપ્ત કરાયા, મોટાભાગના વાહનો નંબર પ્લેટ વગરના: રીઢા ખનીજમાફીયાઓમાં ફફડાટ

ઝાલાવાડ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ખનીજચોરીને ડામવા માટે તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એલસીબી, આરટીઓ અને મામલતદાર સહિતના તંત્રએ ગઈકાલે દરોડાની કાર્યવાહી શરૂ કરીને કરોડો રૂપિયાનો મુદામાલ કબજે લીધો છે. આ સાથે ૧૬ જેટલા નંબર પ્લેટના વગરના ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. તંત્રની આ કાર્યવાહીના પગલે રીઢા ખનન માફીયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ચોટીલા અને સાયલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ મળ્યા બાદ ઉપરી કક્ષાએથી આદેશ મળતા તંત્ર દ્વારા ગઈકાલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબી, આરટીઓ અને મામલતદાર સહિતના તંત્ર દ્વારા રૂ.૩.૪૦ કરોડનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. ૫૦થી વધુ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ મેગા ઓપરેશનને પગલે ખનીજમાફીયાઓમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. ચોટીલા અને સાયલા પંથક ખનીજચોરી બાબતે ભારે કુખ્યાત હોય ગઈકાલે તંત્રએ લાલ આંખ કરતા ખનીજમાફીયાઓમાં દોડધામ મચી જવા પામી છે. વધુમાં આ કાર્યવાહીમાં પાંચ ડમ્પરો નાસી છુટવામાં સફળ રહ્યા હોવાની વિગતો પણ મળી રહી છે. ઉપરાંત ૧૬ જેટલા વાહનો જે પકડાયા છે તેમાં મોટાભાગના નંબર પ્લેટ વગરનાં હોય તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

Loading...