સંગ્રહખોરી સામે તંત્ર એક્શન મોડમાં: એક સાથે ૨૩ એજન્સીઓ ઉપર દરોડા

નાના વેપારીઓની ફરિયાદના આધારે કલેકટરે આપ્યા કાર્યવાહીના આદેશ: નાયબ રાજ્યવેરા કમિશનરની આગેવાનીમાં ૧૯ નાયબ મામલતદાર સહિતની ટિમો એજન્સીઓ ઉપર ત્રાટકી

લોકડાઉન-૪માં છૂટછાટ મળ્યાને ૧૧ દિવસ થવા છતાં પણ પાન, બીડી, તમાકુની અછત અને કાળાબજાર સહિતના પ્રશ્ર્નો નિવારવા અંતે તંત્રે મેગા ડ્રાઇવ યોજી

પાન, બીડી, તમાકુ સહિતની ચીજ વસ્તુઓની સંગ્રહખોરી સામે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેકટરના આદેશથી નાયબ રાજ્યવેરા કમિશનરની આગેવાનીમાં ૧૯ નાયબ મામલતદાર સહિતની ટિમોએ એજન્સીઓ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા દિવસોથી પાન, બીડી, તમાકુની અછત, કાળાબજાર સહિતના પ્રશ્નો સર્જાયા હતા. જેને નિવારવા માટે અંતે આજે તંત્રએ મેગા ડ્રાઇવ યોજી છે.

લોકડાઉન-૪ને ૧૧ દિવસ વીત્યા છતાં પાન-બીડી- તમાકુ સહિતની વસ્તુઓના કાળાબજાર અને સંગ્રહખોરી યથાવત રહી છે. જેના કારણે નાના દુકાનદારો અને વ્યસનીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે નાના દુકાનદારોએ તાજેતરમાં જિલ્લા ક્લેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેથી કલેકટરે જરૂરી આદેશો આપતા આજે નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ-૨૩, રાજકોટની આગેવાનીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના ૨૩ જેટલા પાન-બીડી- તમાકુના મોટા હોલસેલ વેપારીઓને ત્યાં ટિમો ત્રાટકી હતી. હાલ ટિમો દ્વારા આ તમામ એજન્સીઓમાં તપાસ ચાલુ કરવામાં આવી છે. જે એજન્સીઓ બંધ હતી તેને ખોલાવીને તેમાં તપાસ ચલાવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સંગ્રહખોરીનો પ્રશ્ન જોવા મળી રહ્યો હતો. નાના દુકાનદારોએ એવી રાવ પણ કરી હતી કે હોલસેલરો માલ આપતા નથી. જેના પગલે આ દરોડાની કાર્યવાહી ચલાવવામાં આવી છે. તેમાં જો કોઈ વેપારીઓ સંગ્રહખોરી કરતા હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ કામગીરી માટે ૧૯ નાયબ મામલતદારોને નાયબ રાજ્યવેરા કમિશનરના હવાલે મુકવામાં આવ્યા છે. આમ કલેકટર તંત્રના ૧૯ નાયબ મામલતદારો પણ આ દરોડાની કાર્યવાહી જોડાયા છે.આ નાયબ મામલતદારોનું સુકાન દક્ષિણ મામલતદાર દંગીને સોંપવામાં આવ્યું છે.  આજે સાંજ સુધી આ દરોડાની કાર્યવાહી ચાલવાની છે. તંત્ર દ્વારા ટિમો બનાવીને એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ મેગા ડ્રાઇવનું પરિણામ સાંજે ખબર પડશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પાન-બીડી- તમાકુના કાળાબજારની બુમરાળ ઉઠી હતી. જેના પગલે તંત્રએ અંતે લાલ આંખ કરી છે. આ દરોડા બાદ હવે સરળતાથી માલ મળતો થઈ જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Loading...