Abtak Media Google News

જૂનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદીની પ્રક્રિયા નિહાળ્યા બાદ એમડી મનિષ ભારદ્વાજ આજે રાજકોટ યાર્ડની મુલાકાત

પુરવઠા નિગમના એમડી આજે સાંજે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ચાલી રહેલી મગફળી ખરીદીની પ્રક્રિયાનું ચેકિંગ હાથ ધરશે. ગઈકાલે જૂનાગઢ તેમજ આજે સવારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદીની પ્રક્રિયા નિહાળ્યા બાદ એમડી સાંજે રાજકોટ આવી પહોંચીને રાજકોટ માર્કેટ યાર્ડની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરશે.

રાજકોટ સહિત રાજયભરના ૧૨૨ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. શરૂઆતના દિવસોમાં ખેડૂતોમાં અનેક મુદ્દે અસંતોષ વ્યાપ્યો હતો પરંતુ સ્થાનિક આગેવાનોની મધ્યસ્થી તેમજ સરકારની સુધારાવાળી નીતિના કારણે મામલો થાળે પડયો હતો ત્યાં થોડા દિવસો બાદ રાજયભરના મહેસુલી કર્મચારીએ કામથી અળગા રહેવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટરોએ તાબડતોડ અન્ય કચેરીમાંથી સ્ટાફના હુકમો કર્યા હતો. આમ અનેક મુશ્કેલીઓ વચ્ચે રાજયભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે.

અનેક જગ્યાએ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પ્રશ્ર્નો ઉદ્ભવ્યા છે. આ વખતે મગફળી ખરીદીની પ્રક્રિયાની જવાબદારી સરકારે પુરવઠા નિગમને સોંપી છે ત્યારે પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટર મનીષ ભારદ્વાજ મેદાને ઉતરીને જાતે જ ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યાં છે. પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટર મનીષ ભારદ્વાજ ગઈકાલે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મનીષ ભારદ્વાજે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે ચાલી રહેલી મગફળી ખરીદી પ્રક્રિયા નિહાળી અને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. મળતી માહિતી મુજબ આજરોજ બપોર બાદ પુરવઠા નિગમના એમડી મનીષ ભારદ્વાજ રાજકોટ આવી પહોંચશે. તેઓ રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદીની જે પ્રક્રિયા ચાલી રહી છે તે નિહાળી અધિકારીઓને જરૂરી સુચનાઓ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.