જૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત

જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલમાં અધ્યતન કોરોના હોસ્પિટલ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી અને અગ્ર સચિવને પત્ર પાઠવી જૂનાગઢના મેયર એ રજૂઆત કરી છે.

જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહિલે આ પત્રમાં જણાવ્યું છે કે, જૂનાગઢ શહેરની સરકારી સિવિલ હોસ્પિટલમાં પાંચ જિલ્લાના દર્દીઓ આવે છે, જેના કારણે પૂરતી સગવડતા દર્દીઓને મળતી નથી અને કયારેક બેડ પણ ખાલી હોતા નથી.

બીજી બાજુ રાજકોટ શહેરમાં ૧૨ હોસ્પિટલ ને મંજૂરી અપાઈ છે જ્યારે જૂનાગઢ શહેરમાં સરકાર દ્વારા માત્ર બે જ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે, જેની સામે દર્દીઓનું પ્રમાણ વધુ રહે છે, ત્યારે જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલ હાલ સારી કન્ડિશનમાં હોય ત્યાં કોવીડ સેન્ટરની મંજૂરી આપવામાં આવે તેવી પત્રમાં માંગ કરી છે.

આ પત્રમાં એમ પણ જણાવાયું છે કે, જૂનાગઢ શહેરની અનેક એનજીઓ તથા તબીબોની ટીમો શહેરમાં કોવીડ સેન્ટર શરૂ કરવા માંગે છે, ત્યારે તેનો સીધો લાભ જૂનાગઢ જિલ્લા સહિતના આસપાસના જિલ્લાના કોરોના નાા દર્દીઓને મળશે. ત્યારે આ બાબતે અગ્રતા આપી, યોગ્ય કરવા પત્રમાં ભલામણ કરવામાં આવી છે.

Loading...