Abtak Media Google News

પ્રથમ વરસાદમાં મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં પાણી ભરાતા મેયર બીનાબેન આચાર્ય રૂબરૂ દોડી ગયા: પીજીવીસીએલને વધારાનો પાવર સપ્લાય કરવા પણ તાકીદ

શહેરમાં પ્રથમ વરસાદે મહાપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે. સવા ત્રણ ઈંચ વરસાદમાં શહેરના તમામ બ્રીજ અને રેલવે નાલા બંધ થઈ ગયા હતા. મહિલા કોલેજ અંડરબ્રીજમાં પાણી ભરાયા હોવાનું માલુમ પડતા મેયર બીનાબેન આચાર્ય ચાલુ વરસાદે સ્થળ પર દોડી ગયા હતા અને ભવિષ્યમાં ભારે વરસાદમાં અહીં પાણીનો ઝડપી નિકાલ માટે વધારાના બે પંપ મુકવા પણ આદેશ આપી દીધો છે. આજ સાંજ સુધીમાં બે પંપ મુકવાની કામગીરી પૂર્ણ થઈ જશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ગઈકાલે મહિલા કોલેજ અંડરબ્રીજમાં પાણી ભરાયા હોવાની જાણ થતા હું રૂબરૂ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણી નિકાલની કામગીરી ઝડપી બનાવી હતી. ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં મહિલા કોલેજ અંડરબ્રીજમાં પાણી ન ભરાય અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે ૧૨.૫ હોર્સ પાવરના વધુ બે પંપ મુકવા આદેશ આપી દેવામાં આવ્યો છે.

આ પંપ વીજ પુરવઠો ઉપલબ્ધ નહીં હોય ત્યારે પણ જનરેટર સેટની મદદથી ચાલી શકશે. હાલ અહીં બ્રીજ ખાતે ૨૦ હોર્સ પાવરના ૪ પંપ કાર્યરત છે. અહીં વધારાનો વીજ પુરવઠો ફાળવવા માટે પીજીવીસીએલને પણ તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.