Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોની ચૂંટણી પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ જવા પામી છે. ૬૮ બેઠકો જીતી ભાજપ ૨/૩થી પણ વધુ બહુમતિ સાથે ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. આગામી સોમવારે નવનિયુક્ત નગરસેવકોના નામ સરકારી ગેજેટમાં પ્રસિધ્ધ થાય તેવી શકયતા જણાય રહી છે. મેયર અને ડે.મેયરની ચૂંટણી ૮મી માર્ચે યોજાય તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. ટૂંકમાં આવતું સપ્તાહ પણ મહાપાલિકા શાસકો વિનાનું કાઢશે.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સ્થાનિક ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિના નામ રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવતા હોય છે. ચૂંટણીપંચ દ્વારા ચૂંટાયેલા નગરસેવકોના નામ સરકારી ગેજેટમાં પ્રસિધ્ધ કરાયા બાદ તેની જાણકારી મ્યુનિ.કમિશનરને કરતા હોય છે. ત્યારબાદ કમિશનર મેયર અને ડે.મેયરની ચૂંટણી કરવા તથા સ્ટે.કમીટીના ૧૨ સભ્યોની નિમણૂંક કરવા પ્રથમ બોર્ડ બોલાવતા હોય છે.

આગામી સોમવારે નગરસેવકોના નામ ગેજેટમાં પ્રસિધ્ધ કરાયા બાદ સોમવારે સાંજે અથવા મંગળવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ૧૨ સભ્યોની નિમણુંક માટે પ્રથમ બોર્ડ બોલાવવામાં આવશે.

આવતીકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા તમામ છ મહાપાલિકાઓમાં પદાધિકારીઓની નિમણૂંક કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક બોલાવવામાં આવશે જેમાં જે તે મહાનગરની સ્થાનિક સંકલન સમીતી પાસેથી અલગ અલગ મુખ્ય ત્રણ સહિત પાંચ હોદ્દાઓ માટે ત્રણ-ત્રણ અથવા ચાર-ચાર નામોની પેનલ મંગાવવામાં આવશે અને તેના આધારે મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે.

હાલ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડે.મેયરની ચૂંટણી આગામી ૮મી માર્ચે સવારે ૧૧ કલાકે યોજાય તેવી સંભાવના જણાય રહી છે.

જેમાં મેયર, ડે.મેયર ઉપરાંત સ્ટે. કમીટીના ૧૨ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. પદાધિકારીઓની નિમણૂંક થયા બાદ પ્રથમ કામ આગામી નાણાકીય વર્ષના બજેટને મંજૂર કરવાનું અને ત્યારબાદ અલગ અલગ ખાસ ૧૫ સમીતીની વરણી કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.