Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૪૧ દરખાસ્તોને બહાલી, ૭.૯૨ લાખનાં વિકાસ કામો મંજુર: હોકી અને ફુટબોલ ગ્રાઉન્ડનું ભાડુ રૂ.૧૫૦૦ થી ૬૦૦૦ નકકી કરાયું

ટેકસની આવકને બાદ કરતાં કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી એક પણ આવક નથી. ટેકસની વસુલાતમાં ગાબડુ પડે ત્યારે પગારનાં પણ ફાફા પડે છે. સંપુર્ણપણે વહિવટ રાજય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આધારીત હોવા છતાં મહાપાલિકાનાં શાસકો પાણીની જેમ પૈસા વાપરતા અચકાતા નથી. મેયર, ડે.મેયર, ડીએમસી અને પાંચ સિટી ઈજનેરો માટે ૮ ગાડીની ખરીદવા માટે કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનાં વિરોધ વચ્ચે બહુમતીનાં જોરે સ્ટેન્ડિંગ કમિટીએ અધધધ રૂપિયા ૭૯.૯૦ લાખનાં ખર્ચને મંજુરીની મહોર મારી હતી. સ્ટેન્ડિંગમાં ૪૧ દરખાસ્તોને બહાલી આપી રૂ.૭.૯૨ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન ગણાત્રા માટે નવી ઈનોવા કાર ખરીદવામાં આવશે. રૂ.૧૩,૨૧,૫૭૭ની એક એવી ૩ ઈનોવા કાર ખરીદવા માટે સ્ટેન્ડિંગમાં રૂ.૩૯,૬૪,૭૯૧નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી, ઈસ્ટ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરીનાં સિટી એન્જીનીયર અને સ્માર્ટ સિટીનું સંચાલન કરતાં સિટી એન્જીનીયર માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની નવી પાંચ ટીયુવી ટી-૬ પ્લસ કાર ખરીદવા માટે રૂ.૪૦,૨૫,૬૭૫નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.સ્ટેન્ડિંગમાં તમામ ૪૧ દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.

રેસકોર્સમાં આવેલા મહાપાલિકા હસ્તકનાં ગ્રાસ હોકી ગ્રાઉન્ડ માટે ભાડુ તથા નિયમ નકકી કરવામાં આવ્યા છે જેમાં હોકી ગ્રાઉન્ડમાં ડે મેચ, ટુર્નામેન્ટ કે કેમ્પનું એક દિવસનું ભાડુ રૂ.૩૦૦૦ અને રાત્રી પ્રકાશ મેચ ટુર્નામેન્ટ કે કેમ્પનું ભાડુ રૂ.૬૦૦૦ નિયત કરવામાં આવ્યું છે. જયારે ફુટબોલ ગ્રાઉન્ડ માટે ડે મેચનું ભાડુ પ્રતિ દિન રૂ.૧૫૦૦ અને રાત્રી પ્રકાશ મેચ ટુર્નામેન્ટ, કેમ્પનું ભાડુ રૂ.૬૦૦૦ નકકી કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીનાં કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ-અલગ ૮ દરખાસ્તો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો છતાં શાસકોએ બહુમતીનાં જોરે પદાધિકારીઓ અને અધિકારીઓ માટે લાખોનાં ખર્ચે ગાડી ખરીદવા સહિતની દરખાસ્તોને મંજુરી આપી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.