મવડી બ્રિજનું જનતા લોકાર્પણ: ૧.૨૫ લાખ વાહન ચાલકોને હાશકારો

120

લોકસભાની ચૂંટણીમાં બ્રીજ ખુલ્લો ન મુકવાની શાસકોની લાગણી પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બ્રેક મારી: જનતા માટે બનાવેલા બ્રિજનું જનતા લોકાર્પણના આદેશનું પાલન

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા રૂ.૩૧.૯૦ કરોડના ખર્ચે મવડી ચોકડી ખાતે ફલાય ઓવરબ્રીજ નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રીજનું કામ પૂર્ણ થતાં આજે બ્રીજનું જનતા લોકાર્પણ કરી દેવામાં આવતા દૈનિક ૧.૨૫ લાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળી છે. શાસકોની ઈચ્છા એવી હતી કે, લોકસભાની ચુંટણીના બાદ જયારે આચારસંહિતા ઉઠે ત્યારે બપકાદાર કાર્યક્રમ કરી બ્રીજને ખુલ્લો મુકવામાં આવે પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી સ્પષ્ટ સુચના આપી હતી કે, આ બ્રીજ જનતા માટે બનાવવામાં આવ્યો છે. હાલ ભલે આચારસંહિતા અમલમાં હોય બ્રીજનું જનતા લોકાર્પણ કરી નાખવું જેનું પાલન કરવામાં આવ્યું છે.

મહાપાલિકા દ્વારા મવડી ચોકડી તથા રૈયા ચોકડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન મવડી બ્રીજનું કામ પૂર્ણ થતા આજે સવારે ૧૦:૪૫ કલાકે બ્રીજનું જનતા લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. મવડી ચોકડી ખાતેથી દૈનિક ૧.૨૫ લાખ વાહનો પસાર થાય છે જેને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ફલાય ઓવરબ્રીજના નિર્માણથી ૧.૨૫ લાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળી છે. બ્રીજનું કામ વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યું હતું. ૩૦ મહિના બાદ આજે બ્રીજને વાહન ચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.

આ ફલાય ઓવરબ્રીજનો સ્ટાટીંગ પોઈન્ટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર ચોકથી શરૂ થાય છે જયારે એન્ડ પોઈન્ટ ઉમિયા ચોક તરફ આર.કે.એમ્પાયર તરફ પૂર્ણ થાય છે. બ્રીજ ખુલ્લો મુકતાની સાથે જ બપોર સુધીમાં હજારો વાહન ચાલકોએ આ બ્રીજનો લાભ લીધો હતો. હાલ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે બ્રીજના લોકાર્પણમાં કોઈ શાહી ભપકો કરવામાં આવ્યો ન હતો. માત્ર જનતા લોકાર્પણ કરાયું હતું. બ્રીજનું નામકરણ લોકસભાની ચુંટણીના પરીણામ બાદ કરવામાં આવશે.

કોંગ્રેસે નાની બાળા પાસે શ્રીફળ વધેરાવી કરાવ્યું બ્રીજનું લોકાર્પણ: વાહન ચાલકોને મીઠાઈ ખવડાવી

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી ખાતે રૂ .૩૧.૯૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફલાય ઓવરબ્રીજનું આજે જનતા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણમાં કોઈ શાહી ભપકો કરવામાં આવ્યો ન હતો બીજી તરફ કોંગ્રેસે મવડી વિસ્તારની એક નાની બાળા પાસે શ્રીફળ વધેરાવી અને રીબીન કાપી બ્રીજનું લોકાર્પણ કરાવ્યું હતું. ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળતા કોંગ્રેસના આગેવાનોએ વાહન ચાલકોને પેડા ખવડાવી મોઢા મીઠા કરાવ્યા હતા.

Loading...