Abtak Media Google News

 સરકારે ૨૦૧૨માં આપેલા વચનો પુરા ન થતા શિક્ષકોનું આંદોલન

બઢતી, નવી ભરતી અને હાયર ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકો આવતીકાલે 25મીથી સરકાર સામે મૌન આંદોલન પર ઉતરશે. તમામ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણકાર્ય કરશે અને સરકારનો વિરોધ કરશે.   બઢતી અને નવી ભરતી સહિતના વિવિધ મુદ્દે તબીબી શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી સરકારનો વિરોધ કરશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનને ફરિયાદ કરી છે કે સરકાર દ્વારા 2012માં લેખિતમાં ખાત્રી આપી હતી કે તમામ પડતર પ્રશ્નોનો 6 મહિનામાં નિકાલ આવી જશે.   તે સમયે સરકારના આરોગ્ય વિભાગના ત્રણ અધિકારીઓએ સહી સાથે આપેલી લેખિત ખાતરી પ્રમાણે ટયુટર કેડરને ટીકુ કમિશન પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો.   2006થી એરિયર્સ આપવુ, મદદનીશ પ્રધ્યાપકને 37400થી 67000નો ગ્રેડ પે 4ને બદલે ત્રણ વર્ષે આપવો, પ્રધ્યાપકને 10 ટકા પ્રમાણે લાભ 23-02011ના ઠરાવ મુજબ ચાલુ રાખવો, ડીન-પીજી ડાયરેકટરને ખાસ પગાર તરીકે માસિક રૂ 3000 આપવો તથા એડહોક સેવા વિનિયમિત કરવા એક ખાસ સેલ બનાવવુ વગેરે સહિતના વચનો આપ્યા હતા.પાંચ વર્ષ થયા બાદ પણ હજુ સુધી 50 ટકા પ્રશ્નોનું પણ નિરાકરણ આવ્યુ નથી.   આ ઉપરાંત સરકાર દ્વારા કોલેજોમાં ખાલી પડતી જગ્યાઓ પર એડહોક શિક્ષકો ભરતી કરી દેવાય છે અને તેઓને પાંચ વર્ષે પણ જીપીએસસી દ્વારા કાયમી કરાતા નથી. સરકાર જીપીએસસીની ભરતી જ મેડિકલ શિક્ષકો માટે લાવતી નથી.   એટલું જ નહી યુજીસીના કેરિયર એડવાન્સમેન્ટ શિક્ષક હેઠળ બઢતી પણ અપાતી નથી.છેલ્લા 10 વર્ષથી પ્રમોશન થયા નથી.સરકારે સરકારી કોલેજોમાં ઈન્સપેકશન સમયે આંતરીક બદલી કરી દે છે અને જીએમઈઆરએસની કોલેજોમાં પણ મુકી દે છે પરંતુ નવી ભરતી કરતી નથી.   આ તમામ પ્રશ્નોને લઈને હવે તબીબી શિક્ષકો સરકાર સામે લડી લેવાના મુડમાં છે. રાજ્યભરની 6 સરકારી મેડિકલ કોલેજોમાં 1800થી વધુ તબીબી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.