જીઆઈડીસીમાં ૧૭ હજાર કરોડના રોકાણથી દોઢ લાખ રોજગારી ઉભી કરવાનો માસ્ટર પ્લાન

રાજયના વિવિધ વિસ્તારોમાં ૮ નવી જીઆઈડીસી કરવાનું આયોજન હાથ ધરાયું

કોરોના મહામારી વચ્ચે ગુજરાતના ઔધોગિક વિકાસ ઉપર પણ ગંભીર અસર પડી હતી હવે જયારે લોકડાઉનની સ્થિતિ ધીરે-ધીરે દુર થઈ છે અને ઉધોગો પણ ફરી સોશિયલ ડિસ્ટન્સના નિયમોની સાથે ધમધમતા થઈ ગયા છે ત્યારે ગુજરાત સરકારના ઉધોગ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ૨૧૫૨ હેકટર જમીનમાં ઔધોગિક વસાહતો સ્થાપીને કુલ રૂપિયા ૧૭ હજાર ત્રણસો કરોડનું મુડીરોકાણ થાય અને ૧,૫૬,૪૦૦ વ્યકિતને રોજગારી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આત્મનિર્ભર યોજનાનો લાભ પણ ઉધોગ સ્થાપનાર નવયુવાનોને પ્રાપ્ત થશે.

આ અંગે અખિલ ભારત ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ મહેશભાઈ રૂડાચએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આત્મનિર્ભર યોજનાનો અમલ કર્યો છે ત્યારે નવ યુવાનોને ઉધોગો શરૂ કરવા માટે ખાસ લાભ આપવામાં આવી રહ્યો છે તેની સાથે ગુજરાત સરકારના ઉધોગ વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૮ નવી જીઆઈડીસી કરવાનું આયોજન હાથ ધર્યું છે.

અખિલ ભારત ઈન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિયેશનના પ્રમુખ મહેશભાઈ રૂડાચએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડોદ ગામ પાસે ૩૭૧ હેકટરમાં જીઆઈડીસી સ્થાપવામાં આવશે જેમાં અંદાજે રૂપિયા ૮૦૦૦ કરોડનું મૂડીરોકાણ થશે જયારે ૪૫૦૦ વ્યકિતને રોજગારીની તક મળશે અને કુલ રૂા.૮૦૦૦ કરોડનું મૂડીરોકાણ થશે. એજ પ્રમાણે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભગાપુરા ગામ પાસે ૩૦૦ હેકટર જમીનમાં રૂપિયા ૭૦૦૦ કરોડનું મુડીરોકાણ થશે જેમાં ૪૨૦૦ રોજગારી મળશે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ લીંબડી અંભેટા વિસ્તારમાં ૪૦૦ હેકટર જમીનમાં રૂપિયા ૭૦૦ કરતા પણ વધારે રોકાણ થશે જયારે ૪૦૦૦થી વધુ લોકોને રોજગારી મળશે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના બાકરપુર ટીંબી કણસાગર મદાફર ઠાકોર તલાવડી વિસ્તારમાં ૪૦૦ હેકટર જમીનમાં જીઆઈડીસી સ્થાપાશે જેમાં રૂપિયા ૧૦૦૦ કરોડ કરતા પણ વધારે રોકાણ થશે. ભાવનગર જિલ્લાના નારી ગામ પાસે સાઈઠ હેકટર જમીનમાં રૂપિયા ૧૦૦ કરોડનું રોકાણ થશે જયારે ૫૦૦થી વધુ લોકોને રોજગારી મળશે તેમજ નવામાઢિયા ગામ પાસે ૩૦૦ હેકટર જમીનમાં જીઆઈડીસી તૈયાર થશે જેમાં રૂા.૫૦૦ કરોડ મુડીરોકાણ થશે અને ૨૫૦૦ વ્યકિતને રોજગારીની તક મળશે. દાહોદ જિલ્લાના ખરેડી ગામ પાસે ૬૦ હેકટર જમીનમાં રૂપિયા ૧૦૦ કરોડનું મુડીરોકાણ અને ૯૦૦થી વધુ લોકો રોજગારીની તક મળશે. રાજકોટ નજદીક નાગલપર ગામમાં ૧૩૬ હેકટરમાં મેડિકલ ડિવાઈસીઝ પાર્ક બનાવવા આયોજન કરાયું છે. અંદાજિત મૂડીરોકાણ ૪૦૦ કરોડ જેવી થશે અને ત્રણ હજાર લોકોને રોજગારી ઉપલબ્ધ થશે.

Loading...