Abtak Media Google News

“મરવાનું તો સૌને છે પણ દેશ માટે શહીદ થવું ગૌરવની વાત 

હું પણ સૈન્યમાં જોડાવા ઈચ્છતો હતો પણ જોડાઈ ન શક્યો, અલબત મારા પુત્રને ૧૦ વર્ષની નાની ઉંમરથી જ દેશ સેવા માટે માનસિક તૈયાર કર્યો હતો

ચીનના સૈનિકો સાથેની અથડામણમાં શહિદ થયેલા કર્નલ બિકુમલા સંતોષ બાબુના પિતાએ પુત્રની શહિદી પર ગર્વ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મરવાનું તો સૌને છે પણ દેશ માટે શહિદ થવું ગૌરવની વાત છે’ મારે મોતના સમાચાર સાંભળવા પડશે તે અંગે હું હંમેશા જાણતો હતો, હું તેના માટે માનસિક તૈયાર હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કર્નલ સંતોષ ફૂંકવારામાં આતંકીઓ સામે લડ્યા હતા. ૧૫ વર્ષની કારકિર્દીમાં તેમણે આર્મી ચીફ તરફથી કોમોડેશનનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, મેં મારા પુત્રને આર્મીમાં જોડાવા પ્રોત્સાહિત કર્યો હતો. નાની ઉંમરમાં જ તે સૈનિક સ્કૂલમાં જોડાયો હતો. ત્યારબાદ તેણે આખુ જીવન પોતાની વર્દીને સમર્પિત કરી દીધું હતું. કર્નલ સંતોષ સાથે છેલ્લી વખત થયેલી વાત અંગે જણાવતા તેમના પિતાએ કહ્યું હતું કે, જ્યારે મેં ત્યાંની સ્થિતિ અંગે સંતોષને પુછયું ત્યારે તેણે મને તે વાત ન પુછવા કહ્યું હતું. હું તમને કહી પણ કહેવાનો નથી, જ્યારે હું પાછો ફરીશ ત્યારે હું આ મુદ્દે વાત કરીશ તેવું જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું નાનપણથી સેનામાં જોડાવા ઈચ્છતો હતો પરંતુ જોડાઈ ન શક્યો, મારો પુત્ર ૧૦ વર્ષનો હતો ત્યારે જ મે તેને દેશ સેવા માટે માનસિક રીતે તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે સૈનિક સ્કૂલમાં અભ્યાસ લીધો હતો અને ત્યારબાદ એનડીએમાં જોડાયો હતો. ત્યારબાદ તેણે આઈએમએફ પણ જોઈન કર્યું હતું. કર્નલ સંતોષે દેશના ઘણા સંવેદનશીલ વિસ્તારમાં સેવા આપી હતી. ૧૫ વર્ષની કારકિર્દીમાં મારા પુત્રને ચાર વખત પ્રમોશન મળ્યું હતું. પિતા તરીકે હું મારો પુત્ર ટોચના હોદ્દે પહોંચે તેવું ઈચ્છતો હતો. આર્મીમાં જીવન અનિશ્ર્ચીત હોય છે તેની પણ મને જાણ હતી, જેથી અમને તેના બલિદાન ઉપર ગર્વ છે.

સંતોષની માતા મંજુલાએ પોતાના પુત્ર સાથેના સ્મરણો વગોળ્યા હતા. કર્નલ સંતોષે હૈદરાબાદમાં ટ્રાન્સફર થઈ જાય તેવી અરજી કરી હતી. જેનાથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે. જો કે તેણે દેશ માટે પોતાનો જીવ ન્યૌછાવર કરી નાખ્યો તે માટે મને ગર્વ છે. પરંતુ એક માં તરીકે મને મારો એકનો એક પુત્ર ગુમાવવાનું દુ:ખ પણ છે.

નોંધનીય છે કે, લદ્દાખની ગાલવન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થયું હતું. અથડામણમાં ભારતના ૨૦ સૈનિકો શહિદ થયા છે. ઉપરાંત ઘણા સૈનિકોને ચીને બંદી બનાવ્યા હોવાનું પણ જાણવા મળે છે. ગઈકાલે શહિદ થયેલા સૈનિકોમાં કર્નલ સંતોષ બાબુનો પણ સમાવેશ થયો છે. અણધાર્યા હુમલાના કારણે બન્ને પક્ષે સૈનિકોને નુકશાન પહોંચ્યું છે. ચીન હાલ થોડા થોડા સમય ભારતીય સૈનિકોના મૃતદેહ  મોકલી રહ્યું હોવાનું પણ જાણવા મળે છે. ૨૦ પૈકીના ૩ જવાન ગોળી લાગવાથી શહિદ થયા હતા. બીજા ૪૫ જવાનને બંધક બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ૨૫ જવાનોને છોડી મુકાયા હતા. કુલ ૧૩૫ ભારતીય સૈનિકોને ઈજા થઈ હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યાં છે.

ભારત-ચીન બોર્ડર પર ૪૫ વર્ષ બાદ એટલે કે, ૧૯૭૫ પછી આવી લોહીયાળ પરિસ્થિતિ પેદા થઈ છે. ગઈકાલે સૈનિકો વચ્ચે પથ્થરમારો થયો હતો, લાઠીથી એકબીજા પર હુમલો થયો હતો. ભારતીય સેનાએ વળતી કાર્યવાહીમાં ચીનના ૫ સૈનિકોને પણ મોત આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ચીનના પણ ૧૧ સૈનિકો ગંભીર રીતે ઘવાયા હોવાનું બહાર આવે છે. આવી સ્થિતિમાં સૈન્ય દ્વારા ઉચ્ચસ્તરીય મીટીંગ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.