Abtak Media Google News

૧૯૫૨ થી અત્યાર સુધીના ૫ કરોડ વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર, માઈગ્રેશન સર્ટીફીકેટ અને સમકક્ષતા પ્રમાણપત્રનાં રેકર્ડનું ડિજિટલાઈઝેશન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું

ધો.૧૦ અને ધો.૧૨નાં વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ, અન્ય પ્રમાણપત્ર હવે ઓનલાઈન જ મળી જશે કયાંય ધકકા ખાવા નહીં જવુ પડે. શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૫૨થી લઈને અત્યાર સુધીના ધો.૧૦ અને ધો.૧૨નાં ૫ કરોડ વિદ્યાર્થીઓનાં પરીણામોની માર્કશીટ, પ્રમાણપત્ર, માઈગ્રેશન સર્ટીફીકેટ અને સમકક્ષતા પ્રમાણપત્રનાં રેકર્ડનું ડિજિટલાઈઝેશન ગઈકાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું જેના પગલે હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી ઘર બેઠા પ્રમાણપત્ર મેળવી શકશે. આ માટે બોર્ડ દ્વારા ખુબ જ સામાન્ય ફી રાખવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા લેવામાં આવે છે જેમાં ધો.૧૦ની વર્ષ ૧૯૫૨ થી લઈને વર્ષ ૨૦૧૯ સુધીની અને ધો.૧૨ની વર્ષ ૧૯૭૮ થી લઈ વર્ષ ૨૦૧૯ સુધીના પરીણામના રેકર્ડ રજીસ્ટર્ડ સ્વરૂપમાં નિભાવવામાં આવ્યા હતા. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવા કેન્દ્ર ખાતે આ રેકર્ડના આધારે ધો.૧૦ અને ધો.૧૨ની ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર, ધો.૧૦ અને ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓને માઈગ્રેશન આપવામાં આવતા હતા જેના માટે વિદ્યાર્થીઓએ બોર્ડની કચેરીએ ફોર્મ ભરી શાળાના આચાર્યનાં સિકકા કરાવી બોર્ડની કચેરીઓએ ધકકા ખાવા પડતા હતા. અંદાજે દર વર્ષે ૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની કચેરીએ આવતા હતા. આમ અનેક વિદ્યાર્થીઓ આ કામગીરી માટે બોર્ડની કચેરી ખાતે આવતા હોય તેમના સમય અને નાણાનો પણ વ્યય થતો હતો. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨નાં અત્યાર સુધીનાં ૫ કરોડ જેટલા વિદ્યાર્થીઓનાં પરીણામોના રેકર્ડનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ ૂૂૂ.લતયબયતયદિશભય.જ્ઞલિ પર જઈ એપ્લીકેશન કરવાની રહેશે જેમાં ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્રની ફિ રૂા.૫૦/-, માઈગ્રેશનની ફિ રૂા.૧૦૦/- તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફિ રૂા.૨૦૦/- રાખવામાં આવી છે આ ઉપરાંત દરેકનો સ્પીડનો પોસ્ટનો ચાર્જ રૂા.૫૦ રહેશે. ફિ ભરી વિદ્યાર્થીઓ હવે ઘર બેઠા જ પોતાનું પ્રમાણપત્ર મેળવી શકશે.

સરકારી નોકરીયાતો હવે હિન્દીની પરીક્ષા કોઈપણ સ્કૂલમાંથી આપી શકશે

ધો.૧૦માં હિન્દી નહીં હોવાના કારણે નોકરીની શરતો મુજબ હિન્દીની પરીક્ષા આઈસોલેટેડ તરીકે આપવી પડે છે પરંતુ શિક્ષકે જયાં અભ્યાસ કર્યો હોય તેજ સ્કુલમાં પરીક્ષા આપવા માટે જવુ પડે છે. નોકરી જુનાગઢમાં કરતા હોય અને મુળ પાલનપુરના હોય તો પરીક્ષા આપવા માટે પાલનપુર જવુ પડે છે આ સંજોગોમાં ખાતાના વડાનું નોકરીના ગામનું પ્રમાણપત્ર જોડીને નોકરીની નજીકની શાળામાં ફોર્મ ભરીને આઈસોલેટેડ તરીકે પરીક્ષા આપી શકે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી જેને માન્ય રાખવામાં આવી હતી. હવે પછી શિક્ષકોએ હિન્દીની પરીક્ષા આપવા માટે પોતાની મુળ સ્કુલમાં જવાનું રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.