જયપુરમાં ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટામાં સૌરાષ્ટ્રના અનેક બુકીઓને રેલો આવશે

આઇપીએલની બોલબાલા કંઇકને દઝાડશે!

ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ અને આઇપીએલ સટ્ટાની સટાસટી સમાન વહેતી ગંગામાં તંત્રએ હાથ ધોવાના બદલે કુદી પડયા!

મોટા ગજાના બુકી પીપી અને આરઆર દ્વારા લંડન અને દુબઇથી ચલાવતા ક્રિકેટ સટ્ટાના દોરી સંચારનો પર્દાફાશ

ક્રિકેટ જેન્ટલમેન ગેમ ગણવામાં આવતી હતી પરંતુ છેલ્લા બે દસકાથી જેન્ટલમેન ગેમને સટ્ટાનું ગ્રહણ લાગ્યું છે. તેમાં ૧૩ વર્ષથી શરૂ થયેલા આઇપીએલ ટૂર્નામેન્ટના આયોજક ખેરખાઓએ દ્વારા જ ખેલ પાડવામાં આવી રહ્યા છે ત્યારે બુકીઓએ બાજી હાથમાં સંભાળી લીધી હોય તેમ સમગ્ર વિશ્ર્વમાં નેટવર્ક પાથરી ક્રિકેટ સટ્ટાનો કાળો કારોબાર ચાલુ કરી દીધો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટના મોટા ગજાના બુકીઓ દ્વારા લંડન અને દુબઇ બેસીને ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે. તંત્ર દ્વારા માતાજીની આરાધના માટે થતા ગરબાને મંજુરી આપી નથી ત્યારે બુકીઓના ઇશારે ચાલતા આઇપીએલને વિદેશમાં રમાડવાની ગોઠવણ કરવામાં તંત્રએ પણ વહેતી ગંગામાં હાથ ધોવાના બદલે કુદી પડયા છે. આઇપીએલના એક એલ બોલ અને એક એક રન પર રમાતા કરોડોના સટ્ટો કેટલાયને દઝાડે તેમ છે ત્યારે જયપુર પોલીસે આઇપીએલ પર ચાલતા મોટા સટ્ટા પર દરોડો પાડતા સૌરાષ્ટ્ર અને રાજકોટના મોટા ગજાના બુકીના પગ તળે રેલો આવે તેવું જાણકારો કહી રહ્યા છે.

જયપુરના કિશનપોલ બજારમાં આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર મોટા પાયે સટ્ટો રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂા.૪.૧૮ કરોડની રોકડ, રોકડ ગણવાના બે મશીન અને નવ મોબાઇલ સાથે ચારની ધરપકડ કરી છે.

જયપુરના પ્રતાપનગર અને શ્યામનગરમાં ક્રિકેટ સટ્ટા પોલીસે પકડી પાડી કરાયેલી ઝીણવટભરી તપાસમાં જયપુરના કિશનપોલ બજારમાં આવેલા કોમ્પ્લેક્ષમાં મોટા પાયે ક્રિકેટ સટ્ટો રમાતો હોવાનું બહાર આવ્યું હતું. જયપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કિશનપોલ બજારમાં ક્રિકેટ સટ્ટા અંગે દરોડો પાડી રાજકોટના રણધીરસિંહ, અજમેરના કુપાલસિંહ, ઇશ્ર્વરસિંહ અને ટોડલમલ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી રૂા.૪.૧૯ કરોડ રોકડા, નવ મોબાઇલ અને રોકડ ગણવા માટેના બે મશીન કબ્જે કર્યા છે.

આઇપીએલમાં ક્રિકેટ સટ્ટો રમાડવા માટે રાજકોટના બુકીઓએ જયપુરમાં ઓફિસ ભાડે રાખી ૨૫થી વધુ ભગવાનના નામથી વોટસએપ ગૃપ બનાવી દુબઇ અને લંડનથી કોર્ડવડથી રકમનો આંગડીયા મારફતે હવાલો સુલટાવવામાં આવતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જયપુર ઓફિસેથી દેશના ઉત્તરીય રાજયમાં ક્રિકેટ સટ્ટાનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હોવાની ચારેય શખ્સોએ કબુલાત આપી છે.

ક્રિકેટ સટ્ટાના હવાલા સુલટાવવા માટે મોટા ગજાના બુકીએ પોતાની જ આંગડીયા પેઢી ઉભી કરી સૌરાષ્ટ્રના અનેક શહેર ઉપરાંત જયપુર, મુંબઇ અને અમદાવાદ સહિતના સ્થળોએ ૩૨૧ જેટલી આંગડીયા પેઢીની બ્રાન્ચ ખોલી હવાલા લેવાનો કારોબાર ધમધમી રહ્યું છે.

તંત્ર દ્વારા ગરબાને મંજુરી આપવામાં આવી નથી ત્યારે ક્રિકેટ સટ્ટાકીંગ દ્વારા વિદેશમાં આઇપીએલ ટૂર્નામેન્ટ યોજી સટ્ટાની સટાસટી બોલાવતા બુકીઓની સાથે કેટલાય ખેરખા ગોઠવાય વહેતી ગંગામાં હાથ ધોવાના બદલે કુદી પડયા છે. જેના કારણે ક્રિકેટ સટ્ટો કેટલાયને દઝાડે તેમ જાણકારો કહી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના પીપી અને આરઆર જેવા બુકીઓ લંડન અને દુબઇથી કારોબાર ચલાવી રહ્યા છે તેને તંત્ર દ્વારા ભીસમાં લેવામાં આવશે તેવો સવાલ થઇ રહ્યો છે.