રોજગારીની પતંગ ‘કપાય’ તે પહેલા ઉત્પાદકોએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા

રાજ્ય સરકારના નિર્ણયથી પતંગ-દોરાના ધંધાર્થીઓની આજીવિકા છીનવાઇ જાય તેવી ઉત્પાદકોને ભીતિ

ગત વર્ષમાં કોરોના સંક્રમણે મોટાભાગના તહેવારોની ઉજવણી પર ગ્રહણ લગાવ્યું છે. કોરોના આવતા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ સ્પ્રેડર સહિતની બાબતોને કારણે લોકો કોઈ પણ સંજોગોમાં ટોળામાં ભેગા ન થાય તે માટે મજબૂર કર્યા. પરિણામે સરકારે પણ તેની એસઓપીમાં આ બાબતનો સમાવેશ કર્યા. ત્યારે દર વર્ષે સૌ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે મનાવતા તહેવારો એકલા ઘરમાં રહીને ઉજવવા મજબૂર બન્યા છે. મોટાભાગના તહેવારો ગત વર્ષે ફિકા પડ્યા ત્યારે નવા વર્ષના પ્રથમ તહેવાર ઉત્તરાયણને પણ ગ્રહણ લાગે તેવી ભીતિ સેવાઈ રહી છે. કોરોનાને કારણે રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જે મુજબ મર્યાદિત લોકો જ એક સ્થળે એકત્ર થઈ શકશે. જેની અસર પતંગ – માંજાના ઉત્પાદકોને સીધી પડી રહી છે. બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પતંગ-દોરાના ઉત્પાદકોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

પતંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જસમ ઉત્તરાયણ પર્વમાં સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, પતંગ-દોરાના ઉત્પાદન અને વેચાણ પર અમારા પરિવારો નભતા હોય છે પરંતુ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેના કારણે બજારમાં મંદીનો માહોલ વ્યાપ્યો છે. લોકો ખરીદી કરવા આવી રહ્યા નથી જેના કારણે અમને આજીવિકા મળવામાં ભારે તકલીફ પડી રહી છે. જ્યારે રાજ્ય સરકારે પતંગબાજી અને તેને લગતી પ્રવૃતિઓ પર અંકુશ મુકવામાં આવ્યો છે ત્યારે આ અરજી પતંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસો. દ્વારા હાઇકોર્ટ ખાતે કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ નિર્ણયનું સમર્થન કરતા કોર્ટે પણ નોંધ્યું છે કે, રાજ્ય સરકારે લીધેલું પગલું કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે ખૂબ જરૂરી છે અન્યથા દિવાળી જેવી પરિસ્થિતિનું ફરીવાર નિર્માણ થઈ શકે છે. ઉલ્લેખનીય બાબત છે કે, ગત દિવાળી પર્વ સમયે કોરોના સંક્રમણ મહદઅંશે કાબૂમાં હતું ત્યાતે પર્વ નિમિતે છૂટછાટ આપવામાં આવતા કોરોના વાયરસ વધુ વકર્યો હતો.

જે બાદ પતંગ ઉત્પાદકોએ એડવોકેટ કે આર કોષ્ટિ મારફત રજૂ કરેલી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમને અમારી વાત રજૂ કરવાનો મોકો મળવો જોઈએ કેમકે, આ અવાજ એવા લોકોનો છે જેમનો પરિવાર આ ધંધા પર નભે છે અને જાહેરનામાને કારણે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ રહી છે. વધુમાં જણાવાયું છે કે, આ ધંધા સાથે જોડાયેલા લોકો ખૂબ સામાન્ય વર્ગના હોય છે જેઓ અન્ય કોઈ ધંધા રોજગાર થકી આજીવિકા રળવા ઓણ સક્ષમ હોતા નથી. આ ધંધામાં લોકો દાયકાઓથી જોડાયેલા હોય છે અને તેમના પરિવારનું ભરણ પોષણ પણ આ ધંધા થકી જ ચાલતું હોય છે. આ બંધારણની આર્ટિકલ ૧૯ મુજબ તેમનો માનવધિકાર છે કે તેમને આજીવિકા મળે તેમજ તેમનો મત રજૂ કરવાનો મોકો આપવામાં આવે. આ અરજી અંગે આજે સુનાવણી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. મામલામાં મૌલિક માંકડ નામના ધંધાર્થી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નાના માણસોની આજીવિકા છીનવાઈ ન જાય તે રીતે છૂટછાટ આપવી જોઈએ. તેમજ આ વર્ષે ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

Loading...