Abtak Media Google News

ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી અંગે આજે ફેંસલો: ભાજપ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યનું નામ પણ ચર્ચામાં.

આજે ભાજપ પ્રમુખ અમિત શાહ ઉત્તરપ્રદેશના શહેનશાહ નક્કી કરવા જઇ રહ્યા છે. મનોજ સિન્હાને યુપીના મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. હાલ મનોજ સિન્હા ટેલિકોમ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનાવવા અંગે અમિત શાહ અને વડાપ્રધાન મોદી વચ્ચે ચર્ચા થઇ છે. મનોજ સિન્હા ઉપરાંત ઉત્તર પ્રદેશના ભાજપ પ્રમુખ કેશવ મૌર્યનું નામ પણ મુખ્યમંત્રીના પદની હરીફાઇમાં છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી કોણ બનશે તે સસ્પેન્સ આજે ખુલશે.

વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી નક્કી કરવામાં મુખ્ય ભાગ ભજવશે. એકંદરે ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી ઓફિસનું સંચાલન સીધુ દિલ્હી વડાપ્રધાન ઓફિસથી થશે. અગાઉ પણ વર્ષ ૧૯૯૧માં કલ્યાણસિંઘ મુખ્યમંત્રી હતા તે સમયે ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી ઓફિસનું સંચાલન દિલ્હીથી થતુ હતું. હાલ નવા ચૂંટાયેલા ભાજપના સાંસદોને વહીવટી કામગીરીનો બહોળો અનુભવ છે. ભાજપે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની પસંદગી માટે અગાઉ ઓબ્ઝર્વેશન પણ કરાવ્યું હતું. આ ઓબ્ઝર્વેશનથી શું ફલિત થયુ તેનુ પરિણામ આજે જાહેર થશે. મુખ્યમંત્રી ઓફિસના સંચાલનમાં રિપેન્દ્ર મિશ્રા, પી.કે. સિન્હા સહિતના વડાપ્રધાન ઓફિસ સાથે સંકળાયેલા અધિકારીઓનો બહોળો હાથ રહેશે. મુખ્યમંત્રીની ગતિવિધી પાછળ દિલ્હીથી દોરીસંચાર થશે. મનોજ સિન્હાની સાથે સાથે પાર્ટી ચીફ કેસવ મૌર્ય પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદ માટે લાયક હોવાનું સુત્રોનું કહેવુ છે.

યુપીમાં બાબુઓને સમયસર આવવા નહીંતર આકરી સજા માટે તૈયાર રહેવા મોદીની તાકીદ

સોમવારથી ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકાર સત્તાનો દોર હાથમાં લેવાની છે ત્યારે સરકારી બાબુઓને કાર્યાલયે સમયસર પહોંચી જવા નહીંતર આકરી સજા ભોગવવાની તૈયારી રાખવા નવી સરકાર દ્વારા સ્પષ્ટ તાકિદ કરવામાં આવી છે. યુપીના ચીફ સેક્રેટરી રાહુલ ભટનાગરએ આ મામલે કડક સૂચનો આપી દીધા છે. ભટનાગરે મુખ્યમંત્રી ઓફિસ સાથે સંકળાયેલા તમામ સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી અને એડીશનલ ચીફ સેક્રેટરી સહિતના વરિષ્ઠ અધિકારીઓને કાર્યાલયે સમયસર પહોંચી જવા તાકિદ કરી છે. સરકારે સોમવારે તમામ અધિકારીઓને સમયસર આવી જવા જણાવ્યું છે. ભાજપે ઉત્તરપ્રદેશની ચુંટણી જીતવા આપેલા વચનો પૂરા કરવાની કવાયત સત્તા સંભાળ્યા પહેલા જ શ‚ કરી દીધી છે. ઉત્તરપ્રદેશ બ્યુરોક્રેસીના ગેરવહીવટ માટે જાણીતું છે. યુપીનો વહીવટ ખાડે ગયો હોવાની વર્ષોથી ફરિયાદ થાય છે. ત્યારે બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર ઉત્તરપ્રદેશની સ્થિતિ સુધારવા પ્રયત્ન કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.