Abtak Media Google News

ઝડપાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઇ જઇ આકરી પૂછપરછ ન થાય ત્યાં સુધી લાશની અંતિમ વિધી કરવાનો ઇન્કાર

શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુરના રિક્ષા ચાલકની પાર્કીંગના પ્રશ્ર્ને થયેલી હત્યાથી મૃતકના પરિવાર રોષે ભરાયો છે. અને જયાં સુધી હત્યાના ગુનેગારોને ઘટના સ્થળે લઇ જઇ આકરી પૂછપરછ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા સનસનાટી મચી ગઇ છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર મૃતકના એકઠા થયેલા સગા-સંબંધીઓને જોઇન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ અને ડીસીપી ઝોન-૨ મનહરસિંહ જાડેજાએ સમજાવવા પ્રયાસ કરી પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સોની તાત્કાલીક ધરપકડ કર્યાનું જણાવ્યું હતું. તેમજ કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી આરોપીઓને કંઇ રીતે ઘટના સ્થળે લઇ જવા તે અંગે પોલીસ દ્વારા મથામણ ચાલી રહી છે.

મનહરપુરમાં રહેતા ભૂપતભાઇ સોમાભાઇ જાખેલીયા નામના કોળી યુવાન પર ગત તા.૯મીએ રિક્ષા પાર્કીંગના પ્રશ્ર્ને હુમલો થયા બાદ તેનું સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા મનહરપુરના જયદીપ હુંબલ, વિભા હુંબલ, પ્રકાશ હુંબલ, જીતુ હુંબલ, તેનો ભાઇ લાલો, અશ્ર્વિન આહિર, આનંદ આહિર, અળશી આહિર, મેરૂ આહિર, ભરત બહુકીયા અને એક ભરવાડ શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

ભૂપત જાખેલીયાનો મૃતદેહ અમદાવાદથી રાજકોટ લાવ્યા બાદ મૃતકની પત્ની હાજર ન હોવાથી મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ રૂમમાં રાખવા અંગે અરજી આપ્યા બાદ બીજા દિવસે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી આરોપીઓને ઘટના સ્થળે લાવી આકરી પૂછપરછ કરવાની માગણી કરી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ અને ડીસીપી ઝોન-૨ મનહરસિંહ જાડેજાએ મૃતકના પરિવારને આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કર્યા અંગેની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.