આંબે મોર… હજુ આવ્યા નથી ત્યાં જ સ્વાદ રસીકોને કેરી યાદ આવી ગઈ

શિયાળાની કડકડતી ઠંડી બાદ આ વખતે ઉનાળામાં કેસરનું ઉત્પાદન મબલખ થશે કે માપમાં રહેશે!

સોરઠ સહિત સૌરાષ્ટ્રમાં જાન્યુઆરી મહિનામાં આંબાવાડીયા ચોખ્ખા કરવાનું શરૂ: નિંદામણ થયા બાદ શરૂ થાય છે મોરનું આગમન

સ્વાદની રાણી ફળોની મહારાણી કેરી જો કે હવે તો ફ્રીઝમાં બારે મહિના સચવાઈ રહે છે અને માંગો ત્યારે ભાણામાં કેરીના રસની વાટકી આવી જાય છે પણ કેરીની ખરી મજા ભર ઉનાળે ખાવામાં જ હોય છે. ગુજરાત-સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોરઠ પંથકમાં પાકતી કેસર કેરીનો દબદબો ગુજરાતમાં જ નહીં દેશ અને દુનિયામાં આગવો અનેરો અને ભારે ઠાવકો છે. સામાન્ય રીતે ઉનાળામાં પાકતી કેરીના ઉત્પાદન માટે આંબાના બાગાયતદારોને આખુ વર્ષ સાવચેતી રાખવી પડે છે અને કેરીની મોસમ કેવી આવશે, ફાલ કેવો ફીલશે, ભાવ આવશે કે કેમ ?, આગોતરૂ ચોમાસુ કેરીના પાકને ન નડે તેવી પ્રાર્થનાઓ આમ તો આખુ વર્ષ થતી રહે છે.

ગુજરાતમાં પાકતી કેરીની જાતો અનેકવિધ હોય છે. શરૂઆતમાં ગુજરાતના જંગલો અને ખાસ કરીને ગીર વિસ્તારમાં અને ગિરનારના જંગલમાં પહાડી વિસ્તારમાં દેશી કેરી થતી હતી. ત્યારબાદ વિકસેલી જાતોમાં હાફુઝ, કેસર, રાજાપુરી, તોતાપુરી, દશેરી, લંગડો, નિલમ, બદામ જેવી કેરીઓ બજારમાં શરૂઆતથી અંત સુધી રહે છે. આમ તો કેરીમાં હજારો જાતો આવી છે પરંતુ હાફુઝ અને કેસર સૌથી વધુ પ્રચલીત છે. આપણે સૌ કેસરને વધારે ઓળખીએ છીએ. કેસર તેના રંગ કેસરી અને પાતળા બિસ્કીટ જેવા ગોટલા અને પાતળી છાલ, રસમધુરી અને સહેજ ખટાસનું સત્વ ધરાવતી કેસર સૌથી વધુ લોકપ્રિય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સોરઠ અને ખાસ કરીને જૂનાગઢ હવે ગીર સોમનાથના વિવિધ તાલુકાઓમાં જે કેરી પાકે છે તે કેસર સમગ્ર વિશ્ર્વમાં સુવિખ્યાત બની છે.

કેરી કેવી થશે, આ વર્ષે તેનું ઉત્પાદન કેટલું થશે તેમ તેનું ભવિષ્ય આમ તો ફેબ્રુઆરીના મહિનાના અંત બાદ નક્કી થાય છે. હાલ જાન્યુઆરી મહિનામાં ચાર મહિના ચોમાસાના વરસાદથી આંબાવાડીઓમાં ઉગી નીકળેલા ઘાસનું નિંદામણ કરવામાં આવે છે. જાન્યુઆરી મહિના સુધીમાં આંબાવાડીમાં ઘાસ ઉભુ રહેવા દેવામાં આવે છે.

આ જ કારણે જમીનમાં ભેજ સચવાઈ રહે. જાન્યુઆરી મહિનામાં આંબાવાડીમાં જેટલુ નિંદામણ અને ચોખાઈ રાખો તેટલી મોર બેસવામાં અનુકુળતા આવે છે. મોર આવી ગયા બાદ ફલ કેટલા પ્રમાણમાં આવશે તેનું ભવિષ્ય સુકા અને ભેજવાળા વાતાવરણથી નક્કી થાય છે. આ વખતે શિયાળાની ઠંડીનો સોકરડો પડ્યો તેવા સંજોગોમાં કેરીનો ઉતારો કેવો આવશે તે હજુ અનુમાનનો વિષય છે.

સ્વાદ સોડમની મહારાણી કેસર એટલે સાલેભાઈની આંબળી

જૂનાગઢની કેસર કેરીનો ઈતિહાસ ભારે રોચક છે. નવાબના કારભારી સાલેભાઈના બગીચામાં કુદરતી રીતે ઉગી આવેલા આંબાનું જતનપૂર્વક સંવર્ધન કરવામાં આવ્યું અને સાલેભાઈએ ખાસ કેરીની જાત વિકસાવી જે નવાબ શાસનમાં સાલેભાઈની આબળી તરીકે ઓળખાતી જે દેખાવે નાની પણ અંદરથી કેસરી માવો અને પાતળો ગોટલા માટે મસહુર હતી. એક વખત સાલેભાઈએ કેરીનું નજરાણું નવાબને મોકલ્યું, નવાબને કેરી પસંદ પડી અને પોતે કૃષિ સ્નાતક હોવાથી નવાબે પોતાની દેખરેખ હેઠળ સાલેભાઈની આબળીનું સંવધર્ન કરાવ્યું અને તે કાળક્રમે આજની કેસર કેરીના રૂપમાં આવિષ્કાર પામી.

કેરીની સીઝન કેવી રહેશે તે ઉનાળાના પ્રારંભમાં જ નક્કી થાય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના તજજ્ઞોએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેરીના ફાલનો તાગ અત્યારે શિયાળામાં આવી ન શકે. હસ્તબહાર અને પરાગ નયનની સીઝન બાદ આંબામાં કેવા ફૂલ આવે છે અને ફૂલ ખીલવાની સીઝનમાં તાપમાન કેવું રહે છે તેના પર કેરીના પાકનો આધાર ઉભો કરી શકાય. જાણકારોના મત મુજબ આંબાડાનું ઝાડ પણ રજૂ ગુણ ધરાવે છે. જરા પણ માવજતમાં ચૂક રહી જાય તો તેના ઉત્પાદનમાં અસર આવે છે. સામાન્ય રીતે દરેક આંબાનું વૃક્ષ એક વર્ષ નહીં બીજા વર્ષે એટલે કે, એકાંતર વર્ષોએ મબલખ પાક આપે છે. અત્યારની આ પરિસ્થિતિમાં ઉનાળામાં કેરી કેવી થશે તે કહેવું મુશ્કેલ છે.

Loading...