Abtak Media Google News

માંગરોળ પૈસા લેવા આવેલા ત્રણને દબોચી લેવાયા જયારે યુવતીને સરખેજથી દબોચી લેવાય

સોશ્યલ મિડીયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ માંગરોળના સ્વામિનારાયણ મંદીરના એક સ્વામીએ અમદાવાદની હોટલમાં યુવતી સાથે માણેલી અંતરંગ પળોનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી ૫૦ લાખની માંગણી કરવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં પોલીસે યુવતી સહિત ચારની ધરપકડ કરી છે. અગાઉ આ ટોળકીએ આવા “ખેલ” કરી અન્યોને ખંખેર્યા છે કે કેમ? તેની તપાસ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી  પોલીસ રિમાન્ડની માંગણી કરશે. શહેરમાં ટોપ  ઓફ ધ ટાઉન બનેલા કિસ્સાની પોલીસમાંથી મળતી વિગતો મુજબ :- માંગરોળના મક્તુપુર ઝાંપા નજીક આવેલા સ્વામિનારાયણ મંદીરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીને થોડા સમય પહેલા પોતાના ફેસબુક આઈડી પર સોનલ વાઘેલા નામની યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે એકસેપ્ટ કર્યા બાદ ચારેક માસથી મેસેજ અને ત્યારબાદ ફોન પર વાતો થતી હતી. દરમ્યાન સબંધો ગાઢ બનતા, મળવાનું નક્કી થતા ગત તા.૨૩ના અમદાવાદના બાપુનગર ચોકડીએ મુલાકાત થઈ હતી.  તા.૨૪ નવેમ્બરના નવરંગપુરાની હનીબની હોટલના રૂમમાં બંને વચ્ચે શારીરિક સબંધ બંધાયા હતા. સ્વામીની જાણ બહાર પાવરબેન્કના સ્પાય કેમેરાથી આ અંતરંગ પળોનો વિડીયો બનાવી લેવાયો હતો.     ત્યારબાદ બે થી ત્રણ શખ્સોએ માંગરોળ આવી કથા કરાવવાના બહાને સ્વામીનું વિઝિટીંગ કાર્ડ, મોબાઈલ નંબર મેળવી લીધા હતા. છેલ્લા દસ દિવસથી સ્વામીને અલગ અલગ ડમી નંબરો પરથી આ વિડિયો ક્લિપ વાયરલ કરી દેવાની તથા દુષ્કર્મની ફરીયાદ દાખલ કરવાની ધમકી આપતા સતત કોલ આવવા લાગ્યા હતા. દરમ્યાન ત્રણ શખ્સોએ શનિવારે માંગરોળ પૈસા લેવા આવવાનું કહેતા સ્વામીએ પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. માંગરોળ ઈન્ચાર્જ ડીવાયએસપી જે.બી.ગઢવી, પીઆઈ એન.આઈ.રાઠોડ, પીએસઆઈ ચૌહાણ તથા પીએસઆઈ વિંઝુડા સહિતના સ્ટાફે સતર્કતા દાખવી હનીટ્રેપના આ બનાવના મુખ્ય સુત્રધાર મૂળ જુથળ અને હાલ અમદાવાદ રહેતો ભાવેશ લાડાણી, વિક્રમસિંહ કાગડા (રહે.જુથળ) તથા માળીયા મામલતદાર કચેરીના ઈ-ધરાના ઓપરેટર  જીતુ વડારીયા(રહે.અજાબ)ને દબોચી લીધા હતા. અને વહેલી સવારે અમદાવાદ રહેતી અને ફેક આઈડી મારફત સોનલ વાઘેલા તરીકે પોતાની ઓળખાણ આપનારી આઝીમબાનુ ઉર્ફે આફરીન શેખને પણ ઝડપી લીધી હતી.શનિવારે પૈસા લેવા માંગરોળ આવેલા ત્રણેય શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પરંતુ યુવતી સાથે ન હતી. યુવતીને આ વાતની ગંધ ન આવે તે માટે પોલીસે ભાવેશને પોતાના મોબાઈલમાંથી જ વાત કરવાનું કહ્યું હતું. ભાવેશે તેને ફોન કરી “મિશન સક્સેસફુલ, કામ થઈ ગયું છે. અમે તારા ભાગના પૈસા આપવા આવીએ છીએ” તેમ  જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ ભાવેશને લઈને અમદાવાદ રવાના થઈ હતી. જયાં સરખેજ નજીક એક સોસાયટીમાં એક રસ્તા પર રાહ જોઈને ઊભેલી યુવતીના પોલીસને જોઈ હોંશ ઉડી ગયા હતા અને ભાવલા તે તો દગો કર્યો એમ કહી ભાંગી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.