Abtak Media Google News

બુથ દીઠ રૂ.૫૦ હજારનો ખર્ચ કરવાના ટાર્ગેટ બાદ રૂ.૬૦ થી ૬૫ હજારે ખર્ચ પહોંચી જતાં અનેક ધંધાર્થીઓના નાણા ફસાયા વેપારીઓને ડબલ માર, એડવાન્સ જીએસટી ભરી દીધો અને લેણુ પણ ફસાયુ: લોકસભાની ચૂંટણીનું કામ ન કરવાનો ધંધાર્થીનો નિર્ધાર: હાઈકોર્ટના શરણે જવાની તૈયારી.

વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ વીતી ગયુ હોવા છતાં મંડપ અને વિડિયોગ્રાફીના બીલની ચુકવણી કરવામાં ન આવતા મંડપ સર્વિસ અને વિડિયોગ્રાફીનું કામ કરનાર ધંધાર્થીઓમાં રોષ વ્યાપી ગયો છે. આ તમામ ધંધાર્થીઓને ડબલ માર પડયો છે. એક તરફ તેઓએ એડવાન્સ જીએસટી ભરી દીધો હતો અને બીજી તરફ તેનું લેણું પણ ફસાઈ ગયું છે. ચૂંટણીપંચે બુથ દીઠ રૂ.૫૦ હજારનો ખર્ચ કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ બુથ દીઠ રૂ.૬૦ થી ૬૫ હજારનો ખર્ચ થઈ જતાં અનેક ધંધાર્થીઓના નાણા ફસાયા હોવાનું બહાર આવ્યું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણીમાં મંડપ અને વિડિયોગ્રાફીનું કામ જે ધંધાર્થીઓએ કર્યું હતું તેઓને હજુ સુધી તેના પૈસા ચૂકવવામાં આવ્યા નથી. ઉપરાંત ઘણા ખરા વાહનો ભાડા પટ્ટા પર રાખવામાં આવ્યા હતા. તે વાહનોના તેમજ પેટ્રોલ-ડિઝલના પૈસાનું ચૂકવણુ પણ અટકયું છે. ચૂંટણીપંચે વિધાનસભાના બુથ દીઠ રૂ.૫૦ હજારનો ખર્ચ થશે તેવો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ ૨ થી ૩ જિલ્લાને બાદ કરતા સરેરાશ બુથ દીઠ રૂ.૬૦ થી ૬૫ હજારનો ખર્ચ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ટાર્ગેટ કરતા ખર્ચ વધી જતાં મંડપનું કામ તેમજ વિડિયોગ્રાફીનું કામ કરનાર ધંધાર્થી ઉપરાંત પેટ્રોલ-ડિઝલ પૂરું પાડનાર વેપારીઓના નાણા ફસાઈ ગયા છે.

વેપારીઓએ તાજેતરમાં અમદાવાદ ખાતે બેઠક બોલાવી હતી. જેમાં આ બાબતે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં કામ કર્યા બાદ ડબલ માર સહન કરવો પડયો છે. એક તરફ તેઓએ એડવાન્સ જીએસટી ભરી દીધું હતું. સામે તેઓનું લેણુ પણ ફસાઈ ગયું છે. આ બન્ને બાજુથી વેપારીઓને આર્થિક ફટકો સહન કરવો પડયો છે. અમુક વેપારીઓએ હાઈકોર્ટના શરણે જાવાની પણ તૈયારી બતાવી છે.

રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં પ્રથમ તબકકે બે કરોડની ગ્રાન્ટ આવી હતી. તમામ જિલ્લાઓમાં વિધાનસભા ચૂંટણીનો અંદાજે રૂ.૭.૫૦ કરોડનો ખર્ચ થયો હોવાનું ફલીત થયું છે. આમ રાજકોટમાં પ્રથમ તબકકે બે કરોડની ગ્રાન્ટ મળ્યા બાદ બીજા તબકકામાં ૪.૭૫ કરોડની ગ્રાન્ટ આપવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણીપંચ દ્વારા બીજા તબકકામાં માત્ર ૪ કરોડ રૂપિયા જ આપવામાં આવતા ૧.૫ કરોડની ઘટ પડી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.