ઠેબચડાના પ્રૌઢની હત્યામાં  હાઈકોર્ટના વલણ બાદ શખ્સે જામીન અરજી પરત ખેંચી

પોલીસની હાજરીમાં જમીનમાં ધૂસી શખ્સોએ ઘાતક હથીયારો વડે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધું ’તું

બચાવ પક્ષના એડવોકેટ ખીલન ચંદ્રાણીની દલીલ અમાન્ય રહેતા રોનક નાથાનો જેલ વાસ લંબાયો

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં રોનક નાથા વાઢેરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી ના મંજૂર કરતા જેની સામે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીમાં ન્યાયધીશ ગીતાબેન ગોપીનું કડક વલણ જોતા અને લંબાણપૂર્વકની દલીલોના અંતે જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડી છે. રોનક નાથા વાઢેરનો જેલવાસ લંબાયો છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢની હત્યા થઈ હતી. જ્યારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી શખ્સોની ધરપકડ કરી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. દરમિયાન જેલમાં રહેલા રોનક નાથા વાઢેરની સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા જેની સામે હાઈકોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજીની સુનાવણીમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષ અને મુળ ફરિયાદીના એડવોકેટ વીકીભાઈ મહેતાની લંબાણપૂર્વકની દલીલોના અંતે હાઈકોર્ટના ન્યાયધીશ ગીતાબેન ગોપીએ રોનક નાથાની જામીન અરજી નામંજૂર કરવાનું રૂખ અપનાવતા બચાવ પક્ષના એડવોકેટ દ્વારા આ જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડતા રોનક નાથા વાઢેરનો જેલવાસ લંબાયો છે.હાઈકોર્ટમાં મુળ ફરિયાદીના એડવોકેટ તરીકે વીકીભાઈ મહેતા, રૂપરાજસિંહ પરમાર અને મનીષભાઇ પાટડીયા રોકાયા છે.

Loading...