Abtak Media Google News

કોંગ્રેસે માલધારી સમાજનો વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે : બાઘુભાઈ રબારી

ટંકારા-પડધરી બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાના સમર્થનમાં આજે પડધરીના રંગપર ગામે સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં માલધારી સમાજ દ્વારા ભાજપને ભવ્યાતિભવ્ય વિજય અપવવા નીર્ધાર કરાયો હતો.

ગઈકાલે પડધરી તાલુકાના રંગપર ગામે ટંકારા પડધરી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારાના સમર્થનમાં માલધારી સમાજનું જંગી સંમેલન મળ્યું હતું જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરસોત્તમભાઈ સાવલિયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ચાવડીયા સહિતના આગેવાનોએ માલધારી સમાજના સંમેલનને સંબોધન કર્યું હતું.

આ તકે રાજકોટ માલધારી સમાજના આગેવાન સર્વશ્રી નાથાભાઇ ટોળીયા, દિનેશભાઇ રાઠોડ, મનોજભાઈ ફાંગલિયા, બાબુભાઇ માટીયા વગેરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષે હંમેશા માલધારી સમાજનું હિત હૈયે રાખી સમાજનો વિકાસ થાય એવા નિર્ણયો કરી સમાજને હંમેશા આગળ રાખ્યો છે.આ તકે મોરબી માલધારી સમાજના આગેવાન શ્રી મહેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે માલધારી સમાજના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રવાદી ભાજપ પક્ષે ક્યારેય પાછી પાની નથી કરી, માલધારી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ રાજકીયક્ષેત્રે સમાજને કાયમ અગ્રેસર રાખી માલધારી સમાજ માટે યોજનાઓ લાવી સરકારે સમાજ ઉત્થાન માટે કાર્ય કર્યું છે.

વધુમાં આ સંમેલનમાં તકવાદી કોંગ્રેસને જાકારો આપી ચૂંટણી સમયે જ ડોકાતા કોંગ્રેસના નેતાઓને તેમની ઓકાત બતાવી દેવા પણ માલધારી સમાજ દ્વારા મંચ ઉપરથી આહવાન કરવામાં આવ્યું હતું.

માલધારી સમાજના આ સંમેલનમાં જિલ્લા ભાજપ માલધારી સેલના પ્રમુખ મહેશભાઈ રબારી, બાઘુભાઈ રબારી (સજ્જનપર)ઉપ પ્રમુખ ધારાભાઈ રબારી, બક્ષીપંચ મોરચાના સવાભાઈ હૈણ, માલધારી સમાજના આગેવાન કાનાભાઈ ભુમભરીયા, માલધારી સેલના ઉપ પ્રમુખ મોતીભાઈ ઝાપડા, કરશનભાઈ રાતડીયા, મહામંત્રી સતીષભાઈ શિયાળ, પડધરી માલધારી સમાજના આગેવાનોમાં સર્વશ્રી રાણાભાઈ સાટકા, એડવોકેટ અનિલભાઈ બાંભવા, ગોકુલભાઈ ચાવડીયા, હિરેનભાઈ ફાંગલીયા, રાણાભાઈ ધ્રાગિયા તથા દિનેશભાઇ ઝુંઝા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

સમેલનના અંતે આગામી ૯ તારીખે માલધારી સમાજ લાકડીયા તારની ઉક્તિ મુજબ ધીંગુ મતદાન કરી ૧૮ મીએ મતગણતરી પહેલા જ રાઘવજીભાઈને વિજય બનાવવાનો સંદેશો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.