Abtak Media Google News

મેડિકલ ક્ષેત્રના માફિયાઓને રાહત દરનું વેન્ટીલેટર ખટક્યું!

ધમણ-૧ તમામ માપદંડો ઉપર ખરૂ ઉતર્યુ, જ્યોતિ સીએનસીએ સેફટી એન્ડ પરફોર્મન્સ ટેસ્ટ સર્ટિફિકેટ માટે ભારત સરકારની અધિકૃત એનએબીએલ માન્ય લેબ ઈક્યુડીસી પાસે ટેસ્ટ કરાવ્યા છે

જ્યોતિ સીએનસીએ ગુજરાતને  ૮૬૬ ધમણ-૧ આપી માતૃભુમિનું  ઋણ ચૂક્વ્યું, ભારત સરકારની  એચએલએલ લાઈફ કેરે ૫ હજાર  વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો

ધમણ-૧ વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને સ્પેશ્યલ કમિશ્નર શ્રી હારિત શુકલા એ સંયુકત રીતે આજે ગાંધીનગર ખાતે મીડિયાને આ માહિતી આપી હતી

ધમણ-૧ કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા-ડીસીજીઆઈના લાયસન્સની આવશ્યકતા નથી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ શ્રી ડો. વી જી. સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ- ૨૦૧૭ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી.

એટલું જ નહી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર એ તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના જી. એસ. આર. ૧૦૨ (ઈ) નોટિફિકેશન બહાર પાડ્યું છે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૦ થી અસરકર્તા આ નોટિફિકેશનમાં ૩૭ વસ્તુઓની યાદી છે, જેના લાયસન્સની આવશ્યકતા છે. આ ૩૭ વસ્તુઓમાં વેન્ટિલેટરનો સમાવેશ કરાયો નથી. એટલે કે, ધમણ-૧ ના લાયસન્સની આજની તારીખે કોઈ આવશ્યકતા નથી. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ઉપરોક્ત ૩૭ સિવાયની કોઈપણ મેડિકલ ડિવાઈસના ઉત્પાદકો આ નોટિફિકેશનની તારીખ થી ૧૮ મહિના સુધીમાં એટલે કે તારીખ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં પોતાના ઉત્પાદનોનું  સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રમાણે પણ જો ધમણ-૧ ના ઉત્પાદકો રજીસ્ટ્રેશન કરાવવા કે લાયસન્સ લેવા ઈચ્છે તો તેના સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન માટે ઓક્ટોબર – ૨૦૨૧ સુધીનો સમય છે.

જ્યોતિ સી.એન.સી.એ સ્ટાન્ડર્ડ વેન્ટિલેટર માટે આઇ.એસ.ઓ. હેઠળ જરૂરી આઈઈસી ૬૦૬૦૧ માપદંડ મુજબ વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે. ભારત સરકારની હાઇપાવર પ્રોક્યોર્મેન્ટદ કમીટીના વેન્ટિલેટર માટેના જે માપદંડો છે તેને પણ ધમણ-૧ પરિપુર્ણ કરે છે. એટલું જ નહીં આ હાઇ પાવર પ્રોક્યોર્મેન્ટ કમિટિએ વેન્ટિલેટર ના નિર્માણ-ખરીદી માટે જે ૨૪ ઉત્પાદકોને માન્યતા આપી છે તેમાં પણ જ્યોતિ સી.એન.સી. નો સમાવેશ કરવામાં અવ્યો છે.

ધમણ-૧નું નિર્માણ કરનારી ગુજરાતની કંપની જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ દ્વારા આવશ્યક એવા ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન-ઈઆઈસી તથા સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ સર્ટિફિકેટ માટે ભારતની અધિકૃત અને માન્યતાપ્રાપ્ત એજન્સી-લેબોરેટરી ઇલેક્ટ્રોનિક એન્ડ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર-ઈક્યુડીસી પાસેથી આ બંન્ને આવશ્યક ટેસ્ટ કરાવીને પ્રમાણપત્ર મેળવવામાં આવ્યા છે. ઈક્યુડીસીએ ભારત સરકારની નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ-એનએબીએલ માન્યતા પ્રાપ્ત લેબોરેટરી છે આ લેબોરેટરીએ પણ ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણીત કરીને સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે.

જ્યોતિ સી.એન.સી.એ ધમણ-૧નું નિર્માણ કરતાં પહેલા જરૂરી તમામ ચોકસાઈ રાખી જ છે. ધમણ-૧ ના ટેસ્ટ માટે કૃત્રિમ ફેફસા પર પરીક્ષણ જરૂરી છે. આ માટે જ્યોતિ સી.એન.સી.એ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી; કે જે કૃત્રિમ ફેફસાના વિશ્વના એકમાત્ર નિર્માતા છે, તેમની પાસેથી મેળવીને આર્ટિફિશિયલ લંગ્સ ટેસ્ટ-પર્ફોર્મન્સ ટેસ્ટ કર્યા છે. ધમણ-૧ આ ટેસ્ટમાં પણ પાસ થયું છે. ઈક્યુડીસીએ લેબોરેટરીમાં આર્ટિફિશિયલ લંગ્સ પર આઠ કલાક સુધી અને એ સિવાય આઠ કલાક સુધી પર્ફોર્મન્સ ટેસ્ટ કર્યા હતા અને આ તમામ પરીક્ષણોમાં ઘમણ૧ વેન્ટિનલેટરે સારૂ પરફોર્મન્સ  આપ્યું છે.

Vlcsnap 2020 05 19 13H02M14S247 1

ધમણ-૧ વેન્ટિલેટરના પર્ફોર્મન્સ ટેસ્ટ થયા છે જેમાં તે સુયોગ્ય ઠર્યું છે. વેન્ટિલેટર હાલમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટ તથા મેડિકલ ડિવાઇસ રૂલ્સ હેઠળ સમાવિષ્ટ થતા ન હોઇ તે અન્વયેના કોઇ કાયદાઓ કે જોગવાઇઓ ધમણ ૧ કે કોઇ પણ વેન્ટિલેટરને લાગુ પડતી નથી. આથી તે હેઠળ કોઇ એથિકલ કમિટિની અને મેડિકલ ડિવાઇસ રૂલ્સ ૨૦૧૭ની કોઇ જોગવાઇઓ લાગુ પડતી નથી. એટલે આ કાયદા હેઠળની કેટેગરીઈ કે કેટેગરી-ડી હેઠળ સમાવિષ્ટ થવા બાબતનો કોઇ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

રાજકોટની જ્યોતિ સી.એન.સી.એ ગુજરાત સરકારને મોંધા વેન્ટિલેટર્સ વિનામુલ્યે દાનમાં આપ્યા છે. માદરે વતનને મદદરૂપ થવાની ભાવના સાથે જ્યોતિ સી.એન.સી. અને તેના માલિક શ્રી પરાક્રમસિંહ જાડેજા માતૃભૂમિનું ઋણ ચુકવવાના નમ્ર્પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વેન્ટિલેટર્સની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એ માત્ર હીન નહી અમાનવીય કૃત્ય છે. સમગ્ર ભારત કોરોનાના ભયના ઓથાર હેઠળ હતું ત્યારે લોકડાઉનના કપરા કાળમાં જ્યોતિ સી.એન.સી.એ. દેશહિતમાં-રાજ્યના હિતમાં વેન્ટિલેટરના નિર્માણની કપરી કામગીરી હાથ ધરી હતી.

Download 8

પોન્ડેચેરી સરકારે જ્યોતિ સી.એન.સી.ને ૨૫ વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો છે અને મહારાષ્ટ્ર સરકારના ઉપયોગ માટે એક ખાનગી દાતા દ્વારા  ૨૫ વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર જ્યોતિ સી.એન.સી.ને આપવામાં આવ્યો છે. એટલું જ નહીં ભારત સરકારના એચ.એલ.એલ. લાઇફકેર લી. દ્વારા ગુજરાતની જ્યોતિ સી.એન.સી.ના વેન્ટિલેટર્સની યોગ્ય ગુણવત્તા ચકાસ્યા પછી ૫,૦૦૦ વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

ઓછી કિંમતનું વેન્ટિલેટર બનતા વચેટિયા અને ઇમ્પોર્ટ લોબી ધૂંઆ પૂઆં: યોગીન છનિયારા

 

Press Note 19

રાજકોટના મશીન ટૂલ્સ એસો.ના પ્રમુખ યોગીન છનિયારાએ જણાવ્યું કે આજ સુધી વિદેશી કંપનીઓ ભારતને અત્યંત ઊંચી કિંમતના વેન્ટિલેટર વેંચી વર્ષે કરોડો કમાઇ લે છે. આ તમામ ભાર પેશન્ટ ઉપર હોય, વચેટિયાઓને પણ ધી કેળા મળતા. હોસ્પિટલો પણ વેન્ટિલેટર ઉપર પેશન્ટ હોય એટલે એક દિવસના પચાર હજારથી વધુ રૂપિયા આરામથી લે છે. ભાઇ વેન્ટિલેટર બહુ મોંધુ આવે, તેનું ભાડું તો વધારે જ હોય.

મોદીજીએ ભારતીયોને કહ્યું ભારતીયોમાં દરેક વસ્તુ બનાવવાની શક્તિ અને બુધ્ધિ છે સો વાય નોટ ‘મેક ઇન ઇન્ડિયા?’ જો અમેરિકા અને ચીન બનાવી શકે તો ભારત કેમ નહી? માર્ચ મહિનાથી ભારત ઉ૫ર પણ કોરોનાની જીવલેણ મહામારીએ કબ્જો લીધો. સરકાર માટે આવનારી મહામારીનો સામનો કરવાની કપરી કામગીરી આવી. રાજકોટમાં કાયમ આમ માણસ તરીકે રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાજકોટની મશીન ટૂલ્સ ઉદ્યોગોની આવડતનો સંપૂર્ણ પરિચય છે. એમ કહેવાય છે કે કોઇ પણ મશીન રાજકોટ લઇ આવો. રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગોવાળા તેના જેવા આબેહૂબ બીજા મશીનો બનાવી આપશે. માનનીય વિજયભાઇના પ્રોત્સાહનથી રાજકોટની કંપની જયોતિ સી.એન.સી. ના સંચાલકો અને ચુનંદા કામદારો રાત દિવસ લાગી પડયા. જયોતિ વિમાનના પાર્ટસ વર્ષોથી જયોતિ બનાવે છે, જે કંપની ૧૫૦૦થી વધુ પાર્ટ ભેગા કરીને ૧૦૦૦ કિલોથી વધુ વજનના જાતે ડેવલપ કરેલા સી.એન.સી. મશીનો બનાવતી હોય તેના માટે વેન્ટિલેટર બનાવવું અશકય નથી. અંતે મેહનત રંગ લાવી અને આ વેન્ટિલેટર બન્યું. વેન્ટિલેટર ‘ધમણ-૧’ સામાન્ય શ્ર્વાસની બીમારી વાળા દર્દીને ઉપયોગી બની શકે તેમ હતું. કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજા જેઓ ઇન્ડિયન મશીન ટૂલ્સ એસો. જેવી ભારતની ઉચ્ચ સંસ્થામાં પ્રમુખ રહી ચુકયા છે. તેમજ અત્યારે પણ તેઓ ડિરેકટર પદે સેવા આપી રહેલ છે. જેઓનું નામ મશીન ટુલ્સ ક્ષેત્રે સમગ્ર વિશ્ર્વમાં માન સન્માનથી લેવાય છે રાજકોટ મશીન ટુલ્સ એસો. ના પૂર્વ પ્રમુખ અને મેધપાવર સી.એન.સી. લી.ના રુપેશભાઇ મેહતા એ ભારતભરનું સર્વ પ્રથમ પીપીઇકીટ સીમ સીલ મશીન બનાવીને રાજકોટ મશીન ટુલ્સ ઉઘોગનું ગૌરવ વધાર્યુ જે મશીન પણ ભારતમાં ઇમ્પોર્ટ કરતા હતા. હવાઇ ગયેલા વચેટીયાઓની હાલત કપરી બની ગઇ. તેઓ તો ગણતરી માંડીને બેઠા હતા કે મહામારીમાં ઘણા વેન્ટિલેટરની ખરીદી સરકારને કરવી પડશે. વેન્ટિલેટરની સાચી કિંમત બહાર આવતા ઘણા લોકોને પોતાના પ્લાન ખોટા પડતા દેખાવા માંડયા અને મોટા ભ્રષ્ટાચારીઓને પગ તળે રેલો આવી ગયો. માટે ચેનકેન પ્રકારે વિજયભાઇને નિષ્ફળ સાબિત કરવા મથતા લોકોના માથે તો પસ્તાળ પડી. મેડિકલ ક્ષેત્રના માફિયાઓને જો વેન્ટિલેટર મામૂલી કિંમતમાં મળવા લાગશે તો તેમની ગણત્રીઓ ઊંઘી પડે તેવી સ્થિતિ થઇ ગઇ. આ કંઇ વેન્ટિલેટર થોડું કહેવાય તેવી વાહયિાત દલીલો કરી કંપની અને સરકારનો જૂસ્સો તોડવાનો કારસો રચાવા માંડયો. આમ પણ મેડિકલ ક્ષેત્રના કાંડ જગજાહેર જ હોઇ છે. માટે જે કોઇ ધમણ વેન્ટીલેટરને ખોટી રીતે બદનામ કરશે તે સમજી રાખે કે તો પછી બધા કાંડ અને ભ્રષ્ટાચાર જગ જાહેર કરવા પડશે અને મેડિકલ ક્ષેત્રના માફિયાઓની સામે મશીન ટૂલ્સ ઉદ્યોગો આવતા દિવસોમાં લડત કરશે જેની નોંધ લેશો. જેને લખવું હોય તે લખી લેજો ભારતે વેન્ટિલેટર પીપીઇકીટ સીમ સીલ મશીન મેક ઇન ઇન્ડિયા કરી લીધું છે, તે પણ વાજબી કિંમતમાં, આવનારા દિવસોમાં ભારત વેન્ટિલેટર ઇમ્પોર્ટ નહી એકસપોર્ટ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.