લોકોના સંદેશા વ્યવહારને ‘અતુટ તાંતણે’ બાંધી રાખતી ટપાલ

ફુલ તુમ્હે ભેજા હૈ ખત મૈં…

ટપાલ, ટીકિટ, પરબિડિયું, ટપાલ પેટી અને પોસ્ટ ઓફિસ વર્ષોથી વાર્તા, નવલકથા, કવિતા સાહિત્ય ફિલ્મ અને ગીતોમાં સ્થાન પામ્યા

જ્યારથી મનુષ્ય ભાષા શીખ્યો ત્યારબાદ એકબીજાના સંપર્કમાં રહેવા અલગ અલગ વિકલ્પોનો ઉપયોગ કર્યો. કબુતરના માધ્યમથી સંદેશો મોકલવાની શરૂઆત સાથે અલગ અલગ વિકલ્પનો ઉપયોગ મનુષ્ય કરવા લાગ્યો. પરબીડ્યુ, ટપાલ સહિતના સંદેશા વ્યવહાર મારફતે માણસ જાતનો વિકાસ થયો ત્યારે આજનો યુગ સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયાની ધમાલ વચ્ચે પણ ટપાલ ધુમ મચાવી રહી છે.

દર વર્ષે ૯ ઓકટોબરના રોજ વિશ્ર્વ ટપાલ દિન ઉજવવામાં આવે છે. આ દિવસ યુનિવર્સલ પોસ્ટસ યુનિયન (યુ.પી.યુ)ની વર્ષગાંઠ છે જેની શરૂઆત ઈ.સ.૧૮૭૪માં સ્વિત્ઝરલેન્ડમાં થઈ હતી. યુપીયુએ વૈશ્ર્વિક સંચાર ક્રાંતિની શરૂઆત હતી. વિશ્ર્વ ટપાલ દિવસની શરૂઆત ૧૯૬૯માં થઈ હતી ત્યારથી જ  દુનિયાભરમાં ટપાલ સેવાના મહત્વને ઉજાગર કરવા માટે વિશ્ર્વ ટપાલ દિન અને તા.૯ થી ૧૫ ઓકટોબર નેશનલ પોસ્ટલ વીકની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે ઘણીબધી પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહોનું પ્રદર્શન યોજવામાં આવે છે. ઉપરાંત યુપીયુ દ્વારા યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાઓનું પણ આયોજન થતું હોય છે.

પીળા રંગનું પ્રથમ પોસ્ટકાર્ડ ૧૨.૨ સેમી લાંબુ અને ૮.૫ સેમી પહોળુ

 

આજના ડિજિટલ યુગમાં મેસેજ આંગળીના ટેરવે ફરતા થઈ ગયા છે પરંતુ એક જમાનામાં ટપાલ સ્વજનોને યાદ કરવાનું સશકત માધ્યમ હતું. વિશ્ર્વમાં સૌપ્રથમ પોસ્ટકાર્ડ ઈ.સ.૧૮૬૯, ૧ ઓકટોબરના રોજ ઓસ્ટ્રીયા દેશે બહાર પાડયું હતું. ઓસ્ટ્રીયાના કોલ્બેસ્ટીનર નામના એક નાગરીકે પોસ્ટકાર્ડ બહાર પાડવાનો પ્રથમ વિચાર આવ્યો હતો. આ અંગે તેણે સૈન્ય એકેડેમીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર એમુનઅલ હર્લેને વાત કરતા તેમણે સરકારના પોસ્ટલ મંત્રાલયને ઉદેશીને એક પત્ર લખ્યો હતો. ઓસ્ટ્રીયાની સરકારે પ્રોફેસરના લેખમાં થયેલા સૂચનને સ્વીકારીને ૧૨.૨ સેમી લાંબુ અને ૮.૫ સેમી પહોળુ પીળા રંગનું પોસ્ટકાર્ડ બહાર પાડયું હતું. એક જ મહિનામાં ૧ લાખ કરતા પણ વધુ પોસ્ટકાર્ડનું વેચાણ થયું હતું.

ભારતમાં ટપાલની શરૂઆત ૧૭૬૪માં મુંબઈથી થઈ

સમગ્ર વિશ્ર્વમાં ૯ ઓકટોબરે ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટપાલ વર્ષોથી સંદેશા વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજીસ્ટર્ડ ટપાલ પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા આપવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની  દ્વારા ઈ.સ.૧૭૬૪માં મુંબઈથી થઈ અને ઈ.સ.૧૮૫૪માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરૂ થયો હતો. દાયકાઓ સુધી લોકોના જીવનનું અભિન્ન અંગ રહેલી પોસ્ટ ઓફિસ આજે પણ સાંપ્રત છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, ખાન-પાન, પહેરવેશ પુરાતત્વીય અને પ્રવાસન સ્થળો, મહાનુભાવો, સ્વાતંત્ર્ય વિશે સૈન્ય પરાક્રમો, પ્રાણી જગત અને વિજ્ઞાનના વિષય પરની ટપાલ ટિકિટ અને પરબિડિયા લોકોનું સામાન્ય જ્ઞાન વધારે છે. ૨ ઓકટોબર ૧૯૫૧ના રોજ કસ્તુરબા, નાનુ બાળક અને ચરખો ચલાવતા ગાંધીજીના ચિત્રવાળા ત્રણ પ્રકારના પોસ્ટકાર્ડ બહાર પડયા હતા.

ભલે આવે ઈ મોડો…પણ જાય વેલો…વેલો,

અરે મેલો ઘેલો તો ય, ટપાલનો થેલો…

(૧) રક્ષાબંધનમાં, બેનડીની રાખડી,

ભયલાને પહોંચી કે નથી પહોંચી… ?

વળતી ટપાલની રાહમાં ને રાહમાં…

જોયો ટપાલનો થેલો…

(૨) વિદેશમાં વાસ કરતા, દિકરાની વાટ જોતી

માતાની મમતા છલકાતી…

કચેરીમાં જઈને પુછતી ઈ માવડી

આવ્યો ટપાલનો થેલો…

(૩) કયાંક પ્રિયા પરણેતનો પ્રેમ છલકાય

તો કયાંક છુટાછેડાને નાતરા થાય

કાગળની રાહ જોઈ, બેઠેલા કહેતા કે

આવ્યો ટપાલનો થેલો…

(૪) આવતાની સાથે એને વાચા રે આવી

અને ખોલ્યો ટપાલનો થેલો

કોઈ ઉપાડે મને, કોઈ કરે ઘા,

તોય હજુ કરી નહીં મે ઘા’

(૫) કંઈક સવાલો ના નથી જવાબ મળ્યા, માયાને મમતાથી ગળ્યા,

દુનિયા વેદના મારા પેટાળમાં

છતાં ઈ પ્રેમ છે ઘેલો

હું છું ટપાલનો થેલો

Loading...