મહાત્મા ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા: રાષ્ટ્રપિતાની સ્મૃતિના રાજકોટમાં રખોપા

782

રાષ્ટ્રીય શાળાને મુળ રૂપમાં યથાવત રાખી રીનોવેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

કબા ગાંધીના ડેલાની જાળવણી માટે પણ અથાગ પ્રયાસો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બાળપણ અને શિક્ષણનું સાક્ષી રહ્યું છે રાજકોટ શહેર

પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ, અમદાવાદ કર્મભૂમિ તો રાજકોટ છે સંસ્કાર ભૂમિ

ભારતના રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીના બાળપણ અને શિક્ષણના સાક્ષી એવા રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય શાળા, ક.બા.ગાંધીનો ડેલો અને હવે ગાંધી મ્યુઝિયમ દ્વારા ગાંધીજીની કાયમી સ્મૃતિ સચવાઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રપિતાની સ્મૃતિના રખોપા રાજકોટ શહેર કરી રહ્યું છે. પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ છે અને અમદાવાદ ગાંધીજીની કર્મભૂમિ છે તો રાજકોટને ગાંધીજીની સંસ્કાર ભૂમિની ઉપમા આપવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ નથી.

અબતક સાથેની વાતચીત દરમિયાન જીતુભાઈએ જણાવ્યું કે અત્યારે જે રાષ્ટ્રીય શાળામાં રિનોવેશનનું જે કામ ચાલી રહ્યું છે તે સેન્ટ્રલ ગર્વમેન્ટની ગાંધી સર્કિટ નામની યોજના તથા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી આવી રહી છે તેના ભાગરૂપે અત્યારે કામ ચાલી રહ્યું છે. તેમાં રાષ્ટ્રીય શાળાના બિલ્ડીંગને આજે સવા સો વર્ષ જેવું થવા આવ્યું છે. તે બિલ્ડીંગનું આખું રિનોવેશન થશે પરંતુ મુળ હેરીટેજમાં લીધેલ હોય ટુરીઝમ દ્વારા તેનું કામ સંભાળવવામાં આવે છે. અત્યારે તેની અન્ડરમાં કામ ચાલી રહ્યું છે તથા એ બિલ્ડીંગ જેવું હતું તેવું જ કરવાનું થાય છે પરંતુ તેમાં જે ચુનાનું બાંધકામ હતું ત્યાં સિમેન્ટનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

ઉપર આખો રૂફ સળી ગયો છે. જેમાં ઉંધઈ લાગી ગઈ છે તે બધુ કાઢીને નવું જ લાકડા દ્વારા કરવામાં આવશે. ઉપર સિમેન્ટના પતરાઓ ફીટ કરીને મુળ જે વિલાયતી પતરાઓ વિલાયતી નળીયાઓ ફીટ કરવામાં આવશે અને ગાંધીજીએ જે રૂમમાં ઉપવાસ કર્યા હતા તે આખો રૂમ રિનોવેટ કરી અને તેની અંદર આખુ વાતાનુકુલિત બનાવી ઉપર સીલીંગ આપી અદ્યતન રૂમ બનાવવાનું પણ અત્યારે ચાલુ છે. રાષ્ટ્રીય શાળામાં અત્યારે મુળ જે સ્થિતિ છે તે મુજબ સરકાર તરફથી જે ગ્રાઉન્ડ લેવલ ઉપર ૧.૪૨ કરોડ રૂપિયા ફાળવી અને કામ પુરુ કરેલ છે.

તથા મેઈન બિલ્ડીંગનું ૧.૨૨ કરોડ ફાળવેલ છે ત્યારપછી અમુક જે કામો છે જયાં રંગભવન પણ છે. ગાંધીજીનું ગેસ્ટ હાઉસ છે. કુમાર વિદ્યાલય છે. જેની સ્થાપના ગાંધીજીએ કરેલી તેને આજે સવા સો વર્ષ ૨૦૨૧માં થશે. આ બધી વસ્તુઓ મોટાભાગે બંધ પડી છે એટલા માટે કે સંસ્થામાં પૈસાની તંગી પણ છે. સાથોસાથ બધા જ બિલ્ડીંગો એટલી હદે ખખડી ગયા છે કે તમામને ફરીથી રિપેર કરીને પુન:જીવીત કરવા પડે તેમ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જયારે અહીંયા પ્રતિનિધિત્વ કરે છે ત્યારે મેં તેમને પત્ર પણ લખેલ છે તેમનો જવાબ પણ આવેલો છે. ટુંક સમયમાં અમે ટ્રસ્ટી મંડળના ચાર-પાંચ સભ્યો તેમને મળવા માટે સમય માંગ્યો છે અને વિજયભાઈ પણ પોતે રાજકોટની બાબતમાં રાષ્ટ્રીય શાળાની બાબતમાં ઘણા પોઝીટીવ છે તેનો અમને આનંદ છે. એમની પાસે અમારા અંદાજ પ્રમાણે સાડા છ સાત કરોડનું બજેટનો અંદાજ માંડયો છે પણ એ અંદાજ અમે અમારી રીતે લખ્યો છે. જેના અમે નિષ્ણાંત નથી એટલે અમે સરકારને એ પણ લખેલ છે કે તમારા એન્જિનીયરોના માણસો મારફત સાચો અંદાજ કાઢી આમાં સરકાર મદદ કરે તો રાષ્ટ્રીય શાળાને ફરીથી ધમધમતી કરી શકી.

ભવિષ્યમાં અત્યારે અમારે અહીંયા વિભાગો ચાલતા હતા. તેલ વિભાગ, ધાણી વિભાગ ચાલતો હતો તે બંધ હતો તે વિભાગનું રીપેરીંગ કામ ચાલુ છે. ૭-૮ લાખ રૂપિયા જેવું દાન મેળવી ૧૦-૧૫ દિવસમાં ધાણી વિભાગ શરૂ થઈ જશે. ખાદીનું ઉત્પાદન રાષ્ટ્રીય શાળા કરે છે અને રાષ્ટ્રીય શાળા આ ઉત્પાદન કરી સરકારમાં અને મોટી સંસ્થાઓમાં સપ્લાય કરી રહ્યું છે. આવતા દિવસોની અંદર રાષ્ટ્રીય શાળાના જે બિલ્ડીંગની અંદર બેઠા છીએ ત્યાં ૭૦ વર્ષથી સંગીત વિદ્યાલય ચાલી રહી છે અને સંગીત વિદ્યાલય પણ નાણા ભીડ અનુભવી રહી છે. અમે પ્રગતિ કરી સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ સંગીત વિદ્યાલય અહીં બનાવી તેવો પ્લાન છે.

અહીંયા મેઈન બિલ્ડીંગમાં ૮ થી ૯ રૂમમાં ગાંધીજીનું જીવનચરિત્ર, આપણા આઝાદીના સમયમાં બનાવેલી બધી ઐતિહાસિક ઘટનાઓ તેનું આખું પ્રદર્શન કરવું તેવી અમારી ભવિષ્યની યોજના છે. તેમાં અમારી દ્રષ્ટિએ બહુ ખર્ચો નથી તો પણ ૧૫ થી ૨૦ લાખ જેવો ખર્ચ થશે. તેવું અમને નિષ્ણાંતોએ જણાવેલ છે. આ અંગે અમે તેની પાસે કઢાવ્યું છે કે શું કરવાથી રાષ્ટ્રીય શાળા ભવિષ્યમાં આઝાદીની ધરોહર તરીકે આપણે તેને જાળવી શકીએ તેવો અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે. ગાંધીજી ૧૯મી સદી સુધી હતા અત્યારે ૨૧મી સદી ચાલી રહી છે.

અત્યારે જે ગરમી પડે છે તે ગરમીને કારણે આ હોલની અંદર માણસો બેસી નથી શકતા તેને કારણે અમારો હોલ લગભગ ખાલી હોય છે. નાના-મોટા પ્રસંગોએ હોલ આપવાથી સંસ્થાને પણ આવકનું સાધન ઉભું થાય અને ત્યાં અમે ધ્યાન કેન્દ્ર પણ સવારના પહોરમાં શરૂ કરીએ તેવી અમારી ગણતરી છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એસી કરાવીએ છીએ. તમારી વાત સાથે સહમત છું કે ગાંધીજી સાદાઈથી જીવતા હતા પણ અત્યારે લોકોની માંગ સાથે ચાલવું તે સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રાજકોટ અન્ય એક સંભારણુ એવું કબા ગાંધીનો ડેલો છે જેની પણ રાજકોટ રખોપા કરી રહ્યું છે. અબતક સાથેની વાતચીત દરમિયાન હેલીબેન શાહે જણાવ્યું કે, આ એક એવી જગ્યા છે કે, જયાં ગાંધીજીનું મોહન ટુ મહાત્માનું જે સર્જન છે તે ચોકકસપણે કહી શકાય કે જો અમદાવાદ ગાંધીજીની કર્મ ભૂમિ છે. પોરબંદર તેની જન્મભૂમિ છે તો રાજકોટ તેની સંસ્કારભૂમિ છે. ગાંધીજીનો જન્મ ૧૮૬૯માં પોરબંદર ખાતે થયો. ત્યારબાદ તેમના પિતા કરમચંદ ગાંધી જે-તે વખતે ૧૮૭૬માં રાજકોટના વહિવટતા તરીકે નિમાયા ત્યારે તેના કુટુંબોને રાજકોટ આવાનું થયું ત્યારે આજે જગ્યા છે જે કબા ગાંધીનો ડેલો. એટલે કરમચંદના નિકનેમ કબા તરીકે એટલે કે કબા ગાંધીનો ડેલા તરીકે ઓળખાય છે ત્યાં ગાંધીજી ૧૮૮૧ થી ૧૯૧૫ સુધી રહ્યાં.

૧૮૮૧ થી ૧૯૧૫ દરમિયાન તેમનું આવન-જાવન રહ્યું. અહીંથી જ તેઓ બ્રિટીશ, આફ્રિકા, મુંબઈ ગયા અને પાછા આવ્યા પરંતુ ૧૯૧૫ પછી આ મકાનમાં તેઓ રાજકોટ ખાતે અહીંયા આવ્યા નથી. આ મકાન મોહન ટુ મહાત્માનું સર્જન એટલા માટે હું કહી શકું કે ગાંધીજીએ પોતાની આત્માકથામાં પણ કહ્યું છે કે રાજકોટ ખાત મેં જયારે જયારે ભુલો કરી છે એ આ મકાન તેનું સાથી છે. ગાંધીજીએ ચોરી જે કરી છે તે આ મકાનમાં કરી છે. મટન ખાવાનું હોય, પરસ્ત્રીગમન જે કાઈ કાર્ય કર્યા છે તે આ ઘરમાં કર્યા છે અને તેને આત્મકથામાં વર્ણવીને કહ્યું છે એ જયારે પોતે આ બધુ કર્યું છે ત્યારે તેને દુ:ખ થયું ત્યારે એમના પિતાજીને કાગળ લખે અને જે કાગળ લખે ત્યારે તેના પિતાજી કશું જ બોલ્યા વગર ખાલી આસું સારે ત્યારે એ જે ગાંધીજીને એવું થાય છે કે મારા પિતાજી મને ઠપકો આપશે તેના બદલે ખાલી આંસુ સારે ત્યારે તેને અહિંસાના પાઠ તેને તેમના પિતા તરફથી જ મળ્યા.

અહિંસાનો એક પાયો આ ઘરમાં નખાયો તે ચોકકસપણે કહી શકાય. બીજુ ગાંધીજીએ અહીંયા જ રાજકોટ ખાતે સત્ય હરિશચંદ્રનું જે નાટક તે અહીંથી જોયું અને અહીંથી નાટક ઉપરથી તેમને એમ થયું કે મારે સત્ય બોલવું જોઈએ તો તે બીજુ તેનું અહિંસા અને સત્ય. તે પણ હું ચોકકસપણે કહી શકું કે અહીંથી તેનું સિંચન થયું છે એટલે એ તેની શરૂઆત છે ત્યારબાદ જયારે તેને બ્રિટીશ જવાનું થાય છે ત્યારે તેના માતા પુતળીબાઈએ જે ત્રણ શપથ લેવડાવ્યા.

જૈન મુની સામે તે આ જ રૂમ છે કે જયાં તેને ત્રણ શપથ લેવડાવ્યા કે હું પરસ્ત્રીગમન નહીં કરું, દારૂ નહીં પીવું તેણે જે શપથ લેવડાવ્યા તે આ રૂમ તેનો સાક્ષી છે એટલે ચોકકસ કહી શકીએ કે મોહન ટુ મહાત્માના સંસ્કાર જે છે તે રાજકોટ ખાતે તેમને મળેલા છે. ગાંધીજી અહીંથી જ ભણવા જતા કાઠીયાવાડ ત્યારે કાઠીયાવાડી સ્કુલ કહેવાતી અને કાઠીયાવાડી સ્કુલમાં જે તેમને સ્પેલીંગનો ખોટો કર્યો અને ચોરી કરી હતી એ જે કાઠીયાવાડી સ્કુલ ત્યારબાદ આલ્ફેડ અને ત્યારબાદ મોહનદાસ કરમચંદ ગાંધી સ્કુલ કહેવાતી. જે આજે હમણાં ૩૦ તારીખે એક મ્યુઝીયમ તરીકે ઓળખાશે તો ખરેખર આવકારદાયક પગલું છે.

મારું માનવું છે કે, રાજકોટને એક જુદુ સ્થાન મળશે અને રાજકોટના લોકો સાથે બહારથી પણ ચોકકસ જોવા આવશે. મારું એક એવું કહેવું છે કે, સર્કિટ બને એટલે કે મ્યુઝીયમ, કબા ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળા સર્કિટ બને અને રાજકોટ જયારે લોકો આવે તો તે ત્રણેય સાથે જોવો તો એક રાજકોટ ખાતે ગાંધીજીનું કેટલું મહત્વ છે તે ચોકકસ સાબિત થાય. ગાંધીજીનું રાજકોટ ખાતે કેટલું મહત્વનું યોગદાન છે તે પણ સાબિત થાય.

ગાંધીજી મુલ્ય ભુલાતા જાય છે તેવું મારું માનવું નથી. એટલા માટે કે હું મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાની શૈક્ષણિક ટ્રસ્ટી છું. મારી અંડરમાં અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે મારે જયારે જયારે ગાંધીજી વિશે વાત કરવાની થાય વિદ્યાર્થીઓ વચ્ચે, મળવાનું થાય ત્યારે એક યા બીજી રીતે આપણે વિદ્યાર્થીઓ છોકરાઓને પુછતા હોય છીએ કે તમારો રોલ મોડેલ કોણ તો ૭૦ ટકા રોલમોડેલ ગાંધીજી આવે છે તો એ વાત ચોકકસ છે કે કદાચ યુગ બદલાય તો તેના વિચાર થોડા બદલાય પરંતુ મારે યુવાનો સાથે રહેવું મારું માનવું છે કે ગાંધીજી ભુલાતા નથી વધુને વધુ નજીક આવતા જાય છે.

ગાંધીજીનું મોહનથી મહાત્માનું સર્જન તો ખરું પણ તેની બીજી યાત્રા છે એટલે કસ્તુરબા સાથેનું લગ્ન એ જાન પણ અહીંથી ગયેલી પોરબંદર અને લગ્ન કરીને કસ્તુરબા પણ આ જ ઘરમાં આવેલા તેમના બે દિકરા મણીલાલ અને હરીલાલનો જન્મ પણ આ ઘરમાં થયો એટલે કૌટુંબિક જીવન પણ આ ઘરનો સાક્ષી છે.

૧૯૪૮માં જે-તે વખતે ગાંધીજીના દૈહાન્તબાદ ગુજરાત સરકારના ઢેબરભાઈ જે મુખ્યપ્રધાન તેમને એક વિચાર આવ્યો કે ગાંધીજી રાજકોટ ખાત હતા તે મકાન લઈ લેવું અને ગાંધી સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના કરવી અને લોકો માટે ખુલ્લુ કરવું તો એ રીતે ૧૯૪૮માં જે-તે વખતે ઢેબરની સરકારે આ ઘર ખરીદી લીધુ અને ગાંધી સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના કરી અને એ સ્થાપના થયા બાદ જે મકાન છે તે અત્યારે અથાવસ્થાને એ જ રીતે છે અને તેમાં ગાંધીજીના જે પ્રસંગો છે તેનું પ્રદર્શન કરેલું છે અને લોબીમાં એમના જે અગિયાર વર્ત છે તેનું ચિત્ર સાથેનું સંકલન છે એ રીતે અહિંયા રાજકોટના તથા બહાર ગામના રોજ ૩૦ થી ૪૦ જેટલા લોકો સરેરાશ જેવા આવે છે. એન.આર.આઈ લોકો ડિસેમ્બરમાં સિઝન હોય ત્યારે આવે છે લોકોનું કબા ગાંધી ટુરીસ્ટનું આવન-જાવન રહે છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશ્ર્વનું ઘરેણું બની રહેશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બાળપણ જયાં વિતાવ્યું હતું અને જયાં શિક્ષણ મેળવ્યું હતું તેવા રાજકોટ શહેરમાં ગાંધીજીની સ્મૃતિ કાયમી ધોરણે જળવાઈ રહે તેવા અથાગ પ્રયાસો થઈ રહ્યાં છે. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની અલગ અલગ યોજના અંતર્ગત રૂ.૨૬ કરોડના ખર્ચે આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જયાં ગાંધીજીની અભ્યાસ કર્યો હતો ત્યાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કર્યું છે. આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવશે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશ્ર્વનું ઘરેણું બની રહેશે.

મહાત્મા ગાંધીજીના વિદ્યાર્થીકાલના સંસ્મરણો તથા તેમના જીવન ચરિત્ર સંબંધીત આ ગાંધી મ્યુઝિયમમાં અનેક પ્રકારની આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મીની થીયેટર, દાંડી યાત્રાનો ડાયરામાં, ગાંધીજીના જીવન કાર્યો તથા આદર્શને વિવિધ રીતે દર્શાવતા ચિત્રો અને કટઆઉય અને મલ્ટીપલ સ્ક્રીન, મોશન ગ્રાફીકસ એનીમેશન, ઓગમેન્ટેડ રીયાલીટી, સર્કયુલર વિડિયો પ્રોજેકશન, મેપીંગ ફિલ્મ, વિશાળ વિડીયો આર્કહોલ, મોન્યુમેન્ટલીંગ લાઈટીંગ, વીઆઈપી લોન્ચ, ગાંધીજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ લાઈબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના ખંડ અને ઈન્ટર એકટીવ મોડ ઓફ લર્નીંગ જેવી સુવિધાઓ છે. આગામી ૨જી ઓકટોમ્બરે જયારે ભારત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ દ્વારા વિશ્ર્વભરમાં ગાંધીજીના વિચારો ફેલાય અને રાષ્ટ્રપિતાની સ્મૃતિ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે ૨૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ૩૦મીએ લોકાર્પણ કરવામાં આવશે. માત્ર ગુજરાતના જ નહીં દેશવિદેશના પ્રવાસીઓ માટે આ એક અલૌકીક અનુભૂતિ આપતું સ્થળ બની રહેશે.

Loading...