સૌરાષ્ટ્રભરમાં ભકિતભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી

92

ગામે ગામ ભજન, ભોજન અને ભકિત સાથે ઉજવાયું પાવનપર્વ: મહાપૂજા, મહાઆરતી, અભિષેક, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા: શિવભકતોએ ભોળાનાથના દર્શન-પુજન અને વ્રત કરી ધન્યતા અનુભવી

સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે મહાશિવરાત્રીના પાવનપર્વની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. શિવાલયો આખો દિવસ હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠયા હતા. સવારથી જ શિવભકતો મંદિરોમાં શિવના દર્શનાર્થે ઉમટી પડયા હતા. મંદિરોમાં અનેરો શણગાર તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન ભોળાનાથની મહાપુજા, મહાઆરતી, કરવામાં આવી હતી. નાના મોટા શહેરોમાં શિવ શોભાયાત્રા નીકળી હતી. જેમાં પણ હજારો ભાવિકોએ જોડાઇ અનેરો લ્હાવો લીધો હતો.

માળીયા

માળીયામાં મહા શિવરાત્રીના પાવન પર્વે હિંદુ સમાજના કુલદીપસિંહ જાડેજા (વાધરવા) સરપંચ એસો.ના પ્રમુખ જેસંગભાઇ (સરપંચ હરીપર) દીપક ગઢવી તથા જે.કે.ગઢવીએ માળીયા શિવ મંદીરે જલાભિષેક કર્યો હતો. એ દરમ્યાન શુક્રવાર હોવાથી મુસ્લીમ ભાઇઓ પણ અહીં મોટી સંખ્યામાં નમાજ અદા કરવા આવેલ ત્યારે મુસ્લીમ સમુદાયના લોકોએ આ હિંદુ ભાઇઓને કંકુ તિકલ કરી મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું હતું.

ઉપલેટા

શિવરાત્રિના પાવનકારી દિવસ ઉપલેટા શહેરના વિવિધ નાનામોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. બપોરે શિવાલયોમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી. ઠેર ઠેર મંદિરોમાં ભાંગનો મહાપ્રસાદ, શરબત તરીકે પિરસવામાં આવ્યો હતો. ત્યારે બગીચા પાસે આવેલ બડાબજરંગ ભગવાન મહાદેવ ના મંદીરમાં નગરપાલિકાના સદસ્ય જીજ્ઞાબેન જીજ્ઞેશભાઇ વ્યાસ, પરિવાર દ્વારા સમગ્ર મંદિરમાં ફુલોની જાજમ પથરાઇ હતી.

કેશોદ

કેશોદ શહેરમાં દર વર્ષે મહા શિવરાત્રી દરમિયાન દશનામ સાધુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે તે મુજબ આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષે પણ વિવિધ ફલોટસ અને શણગારેલ વાહન સાથે ભગવાન ભોળાનાથની ભવ્ય પ્રતિમા સાથેના શણગારેલ રથ અને ડી.જે.ના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, શરબત, મીઠાઇ વહેચાયા હતા. રથયાત્રામાં સામેલ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડી. જે. તાલ સાથે લોકોએ ડાંડીયા રાસની રમઝટ બોલાવી હતી આ રથયાત્રા બોલાવી હતી. આ રથયાત્રાનું સમાપન તથા પ્રસાદીની વ્યવસ્થા નિલકંઠ મહાદેવ પાસે ગોસ્વામી સમાજ ખાતે કરવામાં આવી હતી. તમામ લોકોને ફરાળ કેશોદની સેવાકીય સંસ્થા સદભાવના ટ્રસ્ટના તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી તેમ સંસ્થા વિજયભાઇ દેવાણીએ જણાવ્યું હતું.

કેશોદ બ્રહ્માકુમારી ખાતે મહા શિવરાત્રી  પ્રસંગે ત્રિદિવસીય શિબિર દરમિયાન રૂદ્ર જ્ઞાનયજ્ઞ, શિવ સ્તુતિ, યોગ અને શિવ આરતી સહીત કાર્યક્રમમાં લોકોમાં સંખ્યામાં જોડાયા

બ્રહ્માકુમારી ઇશ્ર્વરીયા વિશ્ર્વ વિઘાલય કેશોદ ખાતે ત્રિદિવસીય ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ત્રણ દિવસ સુધી અલગ અલગ વકતાઓ દ્વારા વકતવ્ય આપવામાં આવ્યા હતું અને મહાશિવરાત્રી પર્વના ત્રણ દિવસ સુધી સતત બે કલાક માટે શિવ અને જીવ વિશેનો મહિમા તથા મંત્રપાઠનું આયોજન કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત કેશોદ બ્રહ્મકુમારી વિશ્ર્વ વિદ્યાલય હાઇવે કેશોદ ખાતે શિવલિંગ અવતરણ રહસ્યનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શિવાલયો અને બ્રહ્મકુમારી ના પટાંગણમાં બ્રહ્માકુમારી કેન્દ્રને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. શિવ ભકતો દ્વારા ભગવાનની પુજા આરાધના અને આરતી સાથેના પાવન કાર્યો કરવામાં આવ્યા હતા. દરેક આવનાર ભાવિક ભકતો માટે બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ફરાળ-પ્રસાદ પ્રસદાીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાણાવાવ

રાણાવાવ શહેરની બાજુમાં આવેલ જાંબુવતી ગુફાએ શિવરાત્રીના મહાપર્વ નીમીતે આજરોજ કીર્તન ધુન તથા ફલાહારનું આયોજન કરવામાં આવેલ તેમજ સ્વર્ગસ્થ મોહનભાઇ દેવજીભાઇ ભલસોડના સ્મરણાર્થે રકત દાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ રકતદાન કેમ્પ પોરબંદર આશા બ્લડ બેંક તેમજ મંગલમ હોસ્ટિપલના ડો. સાદીયાના સહયોગથી યોજવામાં આવેલ. જેમાં મોટા પ્રમાણમાં ભાવિક ભકતોએ રકતદાન કરેલ અને આ ધર્મસ્થળે સૌ ભકતજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

ઓખા

ઓખા તથા મુંબઇ બોરીવલના શિવાલયોમાં દર વર્ષની જેમ મહાશિવરાત્રીની પારંપરીક ઉઝવણી કરવામાં આવી હતી. ઓખામાં આવેલ વિરમેશ્ર્વર મહાદેવ મંદીર સાથે દરેક શિવાલયોમાં સવારથી જ શિવ ભકતોની ભીડ જામી હતી. તમામ શિવાલયોમાં સવારથી ભાવિકો દુધનો અભિષેક કરવા પહોંચી ગયા હતા. તમામ મંદીરો મા મહાશ્રૃંગાર,  મહા આરતી સાથે મહાપુજા રાખવામાં આવી હતી. આ સાથે ઓખાના દરીયા કિનારે આવેલ વિરમેશ્ર્વર મહાદેવ મંદીર પંચકુડી યજ્ઞ શાળમાં હોમાત્મક હવન પણ રાખવામાં આવ્યો હતો. અને રાત્રીના ચાર પહોરની આરતી પણ રાખવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક તથા સાંસદ પુનમબેન માડમે દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છા આપી હતી.

મહુવા

મહુવા બેલુર વિઘાલયમાં ઉમંગભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શિવ પુજા કરવામાં આવી. મૃત્યંજય શ્ર્લોકનું ગાન કરાયું, સાથે સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો હતો . ૧૧૦૦૦ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. યજ્ઞમાં સંસ્થાના ડાયરેકટર્સ બાલુભાઇ જી. મકવાણા, ડો. ડી.સી. લાડુમોર આર.એચ. ડોડીયા, મંગળભાઇ સી. લાડુમોર, તથા સંચાલક મંડળ વતી બી.સી. લાડુમોર, પી.એમ. નકુમ, નીલેશભાઇ મકવાણા, દેવીનભાઇ મકવાણા તથા બેલુર વિઘાલય પરિવાર સ્ટાફ અને બેલુર બર્ડઝ દ્વારા આહુતિઓ અપાઇ અને પૂજા અર્ચના વિધી કરવામાં આવી હતી.

પડધરી

પડધરી તાલુકાના ખોડાપીપર ગામે આવેલ સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ ના મંદિરે પણ  શિવ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો.  પ્રગટેશ્વર મહાદેવ ના પૌરાણિક મંદિરે દર વર્ષે મહા શિવરાત્રીના દિવસે હવન, ભજન, પૂજા-પાઠ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.  આ વર્ષે પણ મહાઆરતી અને ફરાળ સ્વરૂપે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ હજારથી વધારે શિવ ભક્તોએ આ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ મંદિરે કોઈપણ પુજારી દ્વારા પૂજા કરવામાં આવતી નથી.  મંદિરના આરતી ની પૂજા કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.  આ મંદિરમાં ખોડાપીપર ગામ તથા આજુબાજુના ગામના સ્વયં સેવક ભાઈઓ તથા બહેનો શિવ ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવે છે.  સર્વે દર્શનાર્થીઓ નું કહેવું છે કે પ્રગટેશ્વર મહાદેવ ના દર્શન થી તમામ તકલીફો દૂર થઇ જાય છે.

માણાવદર

માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી નિમિતે ભક્તો ની ભીડ જામી હતી ભગવાન શિવની આરાધના માટે ઉતમ અવસર ગણાતા મહાશિવરાત્રિ ની માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શિવની આરધના પૂજા અર્ચના ને લઇને શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા  મળ્યો હતો. માણાવદર ના દરેક શિવ મંદિરોમાં હર હર મહાદેવ- બમ બમ ભોલે ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.વિવિધ શિવ મંદિરો ઉપર વહેલી સવારથી શિવ ભકતો દ્વારા ઉમટી પડી ને દૂધ,જળ અભિષેક, બીલી પત્રો સાથે ભોળાનાથ  ભગવાન ની પૂજા અર્ચના કરી અને ભાંગ નો પ્રસાદ લઇને આનંદ અનુભવતા હતા.

માણાવદર ના સુપ્રસિદ્ધ ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે મહા શિવરાત્રી મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આસ્થા ના પ્રતિક સમા શ્રી ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે શિવરાત્રી ના ધર્મ ભીના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારે મંગળા આરતી વહેલી સવારથી ભોળાનાથને રીઝવવા ભાવિકો દ્વારા રૂદાઅભિષેક, જલાભિષેક, દુગ્ધાઅભિષેક,  બીલી પત્રો ચડાવવામાં આવી રહયા છે.અને પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા

ગીરગઢડા

ગીર ગઢડા તાલુકાના અંનપુર્ણા મા ત્રીદીન સ્ધય હોમાત્મક લઘુરુદ્ર મહારુદ્ર યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહાઆરતી કરવામાં આવીઅંનપુર્ણા આસરંમ ના મહંત શ્રી ગણેશપુરી બાપુ યજ્ઞમાં આહુતિ આપી ગીર ગઢડા તાલુકાના તમામ ગામ ની જનતા ને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

ત્યા હાજર શીવ ભગતો તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ જાલોંધરા તા.પં મા.પ્રમુખ દુલાભાઈ ગુજ્જરરાજકોટ થી પધારેલ ભાવિકો ઉમટી પડયા હતા

સોમનાથ મહાદેવે માનવ મહેરામણ ઉમટયો

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો ઉમટી પડયા હતા સવારથી જ સોમનાથ મંદિરે વિશેષ પૂજા કરાઈ હતી. વહેલી સવારે ૪ કલાકથી મંદિરનાં દરવાજા ખૂલ્યા હતા. જેમાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. સોમનાથ મહાદેવને ૧૧૦૦ કિલો જેટલા વિવિધ પુષ્પોનો શ્રૃંગાર કરવામાંઆવ્યો હતો. મહાશિવરાત્રીના પર્વનિમિતે ૩૧ ધ્વજા પૂજા, ૯ મહાપૂજા, ૧૯૨, રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર સતત ૪૨ કલાક ખૂલ્લુ રહ્યું હતુ વહેલી સવારે પાલખી યાત્રા નીકળી હતી. તેમજ રાત્રીનાં ૯.૩૦ કલાકે પ્રથમ પ્રહર, ૧૨.૩૦ કલાકે દ્વિતિય પ્રહર, ૩.૩૦ કલાકે તૃતીય અને ૫.૩૦ કલાકે ચતુર્થ આરતી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવની પ્રાત:કાળે અંજલીબેન રૂપાણીએ આરતી કરી હતી.

દિવ પોલીસ દ્વારા શિવરાત્રીએ મહાપૂજા કરાઈ

દિવ ચેકપોસ્ટ ખાતે આવેલ મહાદેવ ના મન્દિરે છેલ્લા ૨૫ વર્ષ થી દિવ પોલીસ વિભાગ તેમજ એકસાઈઝ વિભાગ દ્વારા દર વર્ષે મહા શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે  શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. આ શિવ મહા પૂજા આ વર્ષે પોલીસ વિભાગના નવા લગ્ન કરેલા દંપતી કેતન જેઠવા અને તેના ધર્મ પત્ની ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવ પૂજા કરી અને સર્વે ઉપસ્થિત પરિવારના સભ્યો એ ખૂબ જ ધન્યતાનો અનુભવ કર્યો હતો તેમજ આ પોતાના પરિવારના કલ્યાણ અર્થે કરવામાં આવે છે.

Loading...