Abtak Media Google News

ભાવિકોને નવકાર મંત્રની રત્નજડીત ફ્રેમ અર્પણ કરાશે: માંગલિકની પૂર્ણાહુતી બાદ ગુરુ ગૌતમસ્વામીની સ્મૃતિમાં ખીરનો પ્રસાદ અપાશે

ડુંગર દરબારમાં આવતીકાલે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી મહામંગલકારી માંગલિક શ્રવણનું સવારે ૭:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જૈન સમાજના ઈતિહાસમાં દિપાવલીની રાત્રીએ નિર્માણ પામેલા ૨૪માં તીર્થકર પરમાત્મા મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીને નૂતનવર્ષની પ્રભાતે કેવળ જ્ઞાનનું પ્રાગટય થયું હતું. એક સુર્ય અસ્ત થયો અને જ્ઞાનના નવા સુર્યનો ઉદય થયો હતો માટે ગુરુ ગૌતમસ્વામી કેવળજ્ઞાન કલ્યાણ‚પે જૈન સમાજમાં નૂતનવર્ષનું અધિક મહત્વ રહેલું છે. નૂતનવર્ષની નવલી પ્રભાતના પ્રથમ કિરણે સ્વયંમના ગુણોની સમૃદ્ધિ અને આત્મસમૃદ્ધિના ભાવોની ઉન્નતિ અર્થે પોતપોતાના પરીવારજનો અને સ્વજનોની સાથે બેઠેલા ભાવિકો રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી મહામંગલકારી માંગલિકનું શ્રવણ કરીને નૂતનવર્ષનો મંગલ પ્રારંભ કરશે. આ અવસરે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. દ્વારા ઉપસ્થિત સર્વપરીવારોને રત્નજડીત નવકાર મહામંત્રની અમુલ્ય ફ્રેમ અર્પણ કરવામાં આવશે. માંગલિક પૂર્ણ થયા બાદ ભાવિકોને ગૌતમસ્વામીની સ્મૃતિમાં ખીરનો પ્રસાદ આપવામાં આવશે. દર વર્ષે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદે મહામાંગલિક શ્રવણ કરીને હજારો ભાવિકો નૂતન વર્ષનો મંગલપ્રારંભ કરતા હોય છે. આ વર્ષે આ મહામુલો લાભ રાજકોટના ભાવિકોને મળ્યો છે ત્યારે આવનારા નૂતનવર્ષના દરેક દિવસો અને ક્ષણોને સાર્થક કરીને તેઓના જીવનના મંગલ્યતાનું સર્જન થાય તેવી શુભભાવના સાથે આયોજીત આ અવસરમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.