Abtak Media Google News

નકલખોરીમાં રચ્યાપચ્યા રહેલા આપણા દેશે એની મૂલ્યવાન અસલિયતને ભૂંડી ભૂખ્ખ કરી નાખી છે, કોન્વેન્ટ કલ્ચરનું આપણી ઉગતી પેઢીને કલ્પનાતીત ઘેલુ લગાડયું છે અને આપણા સમગ્ર સમાજમાં, સમગ્ર રાષ્ટ્રમાં તેમજ રાજકીય ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રે જયાં જયાં સત્ય હતુ, ત્યાં બધેજ એને મેલું કરી દીધું છે!… ફેશનના લપેડાઓમાં માતાનાં વહાલ જાણે અસ્સલ વહાલ રહ્યા નથી પશ્ર્ચિમ સંસ્કૃતિનાં આક્રમણે તમામ નીતિ રીતિઓ અને વિચારધારાને સમૂળગી ગંદી ગોબરી કરી દીધી છે! નખલખોરીનું ઝેર બેસુમાર વ્યાપી ગયું છે. અમેરિકા, બ્રિટન,ફ્રાન્સને જર્મની-ઈટાલી જેવા દેશોમાંથી હજૂ આપણો દેશ એને નોતર્યા જ કરે છે.

કોઈપણ રાષ્ટ્રની સાંસ્કૃતિક અસલિયત નષ્ટ થઈ જાય અને નકલખોરી એનું સ્થાન લઈ લે તો એને અમંગળ એંધાણ સમજવા અને એ દેશના અધ:પતન નીકટ લાવી જ દે, એ આપણા દેશે ભૂલવા જેવું નથી !

છેલ્લા કેટલાક સમયથી આપણા દેશે નકલખોરી આચરવામાં માઝા મૂકી છે. એને લીધે આપણો દેશ તેમજ આપણો સમાજ એની અસલિયતને ખોઈ બેઠા છે, અને એને ભૂંડીભૂખ્ખ બનાવી ચૂકયા છે.

કોન્વેન્ટ કલ્ચરનું આપણી ઉગતી પેઢીને કલ્પનાતીત ઘેલુ લાગ્યું છે. અને આપણા સમગ્ર સમાજમાં સમગ્ર રાષ્ટ્રમાં તેમજ રાજકીય ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોમાં જયાં જયાં સત્ય હતુ ત્યાં બધે જ એને મેલુ કરી નાખ્યું છે ! ફેશનના લપેડાઓમાં માતાનાં વહાલ અને પિતાનાં વાત્સલ્ય જાણે અસ્સલ રહ્યા નથી !પશ્ર્ચિમી સંસ્કૃતિનાં આક્રમણે તમામ નીતિરીતિઓ અને તમામ વિચારધારાને સમૂળગી ગંદીગોબરી કરી મૂકી છે…

આજે સ્કૂલોમાં ભણતા બાળકોને નૈતિક શિક્ષણ (મોરલ એજયુકેશન) આપવું જોઈએ એવી વાતો ચારે કોર સંભળાય છે. આ બાબતમાં સુપ્રિમ કોર્ટનાં ચૂકાદાને પગલે દરેક સ્કુલોમાં હવે વેલ્યુ એજયુકેશનનો પિરિયડ પણ રાખવામાં આવે છે. આ પિરિયડમાં શું કરવું તેનો ખ્યાલ શિક્ષકોને હોતો નથી એટલે બાળકોને ફાલતુ વાર્તાઓ કે ટૂચકાઓ કહી પિરિયડ પૂરો કરવામાં આવે છે. હમણા સંસ્કૃતના પંડિત વિશાલભાઈ શાહે સંકલિત કરેલુ સંસ્કૃતનાં ૧૦૧ સુભાષિતોનું પુસ્તક હાથમાં આવ્યું તે વાંચીને લાગ્યું કે ભારતનાં દરેક બાળકોને જો ઓછામાં ઓછા આ ૧૦૧ સુભાષિતો અર્થ સાથે મુખપાઠ કરાવવામાં આવે તો તેનો નૈતિકતાનો પાયો મજબૂત બને અને જીવનની દરેક મુંઝવણોમાં આ સુભાષિતો તેના માર્ગદર્શક બને. કદાચ સ્કૂલમાં આ પુસ્તક ભણાવવામાં ન આવે તો દરેક સમજુ માબાપે આ પુસ્તક ઘરે વસાવીને પોતાના બાળકને તેનો અભ્યાસ કરાવવો જોઈએ.

આમ, આપણા દેશમાં બાળમંદિરથી માંડીને સરસ્વતીનાં મંદિરો, કોલેજો, યુનિવર્સિટીઓ, ફિલ્મી જગત, ફેશન સાથે સંકળાયેલા વેપાર ધંધા, ખાણીપીણી, સામાજીક આદાન પ્રદાન, પહેરવેશ, બોલવાની અને વાણી વર્તનની સ્ટાઈલ એમ ઘણે ભાગે બધાજ પ્રકારનાં આદાન પ્રદાનમાં નકલખોરી વ્યાપી ચૂકી છે.

સરકારી આદાનપ્રદાન પણ નકલની રીતે થાય છે, પાપાચાર પણ નકલની રીતે થાય છે. કેટલીક ધાર્મિક, સામાજિક, અને વ્યવહાર સંબંધી ગતિવિધિઓમાં નકલખોરી પ્રવેશી ચૂકી છે.

રાજપુરૂષો એમની નીતિ રીતિઓ કંડારવામાં નકલ ખોરી અપનાવે છે. મોટા મોટા રાષ્ટ્રો તેમના રાજદ્વારી આદાન પ્રદાનમાં અને આચરણોમાં બીજાઓની રણનીતિઓ તથા વ્યૂહબાજીઓ અનુસાર નિર્ણયો લે છે. ભાષણ ખોરીમાં પણ નકલ અને કથાકારીમાં પણ નકલો કરે છે.

એક લાડકવાયા બાળકને તેની માતા સમક્ષ એમ કહેતા સાંભળેલો કે માં, તું હવે મને પહેલા જેવું વલણ કર ! આ સાંભળીને એવો સવાલ ઉઠ્યો હતો કે માતા પિતા કેવા હોવા જોઈએ બાળકને ‘સ્વ’થી વિકાસ કરીને ‘પરિવાર’ સુધી ‘પરિવાર’થી વિકાસ કરીને ‘દેશ’ સુધી તેનાથી આગળ વિકાસ કરીને પરમાત્મા સુધીનું ચિંતન કરવાની સમજ જે માતા પિતા આપી શકે તે ઉતમ માતા પિતા ગણાય.

આ બધું આણા દેશમાં બેસુમાર વકરેલી નકલ ખોરી અને અસલિયતની છિન્નવિછિન્નતાને કારણે જ હોવાનું કહી શકાય!..

કેટલાક લોકો તો નકલખોરીના બચાવમાં એને નીપૂણતા તરીકે ઓળખાવે છે. નકલખોરી મૌલિક હોતી નથી. કોઈપણ સમાજ અને દેશ નકલખોરી કરીને વિકાસ સાધી શકે છે.

કોઈપણ દેશની અસલિયતનો લોપ થાય ત્યારે સમજવું કે વહેલુ મોડુ એ દેશનું અધ:પતન થશે, જ અને તે નવીનવી સિધ્ધિનાં શિખરો સર નહિ કરી શકે !

આપણો દેશ અને તેની પ્રજા નકલ ખોરી કરીને તેનું પતન જ નોતરશે…આખરે તો, નકકલ ખોરીએ મૃત્યુ જ છે! એ પછી બાળકોએ એવું કહેવું પડશે કે, ‘બા, તું હવે મને પહેલા જેવું વહાલ કર !

આવા વહાલથી વિમુખ રહેવાનું કોઈ બાળકો સહન નહી કરી શકે. આપણે ઈચ્છીએ અને પ્રાર્થીએ કે, આપણો દેશ નકલખોરીના કાળમુખા વળગાડથી વહેલી તકે મુકત થઈ જાય !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.