Abtak Media Google News

કુલ ૧૧૧૨૧ મતદાન મથકો પૈકી ૩૨૨૧ પર વિડીયોગ્રાફી કરાશે: સ્થિતિની સમીક્ષા કરવા પોલીસની ફ્લેગમાર્ચ

છ મહાપાલિકાની આગામી ૨૧મીએ ચૂંટણી યોજાનાર છે. આ તમામ મહાપાલિકામાં કુલ ૧૧૧૨૧ મતદાન મથકો છે. જેમાંથી ૨૭૫૪ મતદાન મથકો સંવેદનશીલ છે. જ્યારે ૪૬૭ મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. આ તમામ મતદાન મથકોમાંથી ૩૨૨૧ મતદાન મથકો ઉપર વિડીયોગ્રાફી થવાની છે.

રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણીમાં મતદાનને હવે બે દિવસ બાકી રહ્યા છે. આગામી રવિવારના રોજ છ મહાપાલિકા માટે મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. જેની તૈયારી હાલ અંતિમ ચરણમાં છે. ચૂંટણી વિભાગ ઊંધામાથે થયું છે. અગાઉ ચૂંટણી વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ભૂતકાળને આધારે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કર્યા હતા. આ તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી વિભાગે વિશેષ સુરક્ષા પુરી પાડવાનું આયોજન ઘડ્યું છે. આ સાથે અન્ય કોઈ મતદાન મથકમાં વેબકાસ્ટિંગ કરવામાં આવનાર નથી. પણ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર વિડીયોગ્રાફી કરવાનું નક્કી કર્યું છે.

અમદાવાદ મહાપાલિકામાં કુલ ૪૫૩૬ મતદાન મથકો છે.જેમાંથી ૩૯૩ મતદાન મથકો સંવેદનશીલ છે. જ્યારે ૩૨ અતિસંવેદનશીલ છે. સુરત મહાપાલિકામાં ૩૧૮૫ મતદાન મથકો છે. જેમાં ૧૨૨૭ મતદાન મથકો સંવેદનશીલ છે. જ્યારે ૨૯૫ મતદાન મથકો અતિસંવેદનશીલ છે. વડોદરા મહાપાલિકામાં ૧૨૯૫ મતદાન મથકો છે. જેમાં ૪૦૪ મતદાન મથકો સંવેદનશીલ છે. ૧૧૦ અતિસંવેદનશીલ છે. રાજકોટ મહાપાલિકામાં ૯૯૧ મતદાન મથકો છે. જેમાં ૨૯૭ સંવેદનશીલ છે. ૧૯ અતી સંવેદનશીલ છે. ભાવનગર મહાપાલિકામાં ૪૬૯ મતદાન મથક છે. ૧૨૧ સંવેદનશીલ છે. જ્યારે એક પણ અતિસંવેદનશીલ નથી. જામનગર મહાપાલિકામાં ૬૪૫ મતદાન મથક છે. ૩૧૨ સંવેદનશીલ છે. ૧૧ અતિસંવેદનશીલ છે. આમ છ મહાનગરપાલિકામાં કુલ ૧૧૧૨૧ મતદાન મથકો છે. જેમાંથી ૨૭૫૪ મતદાન મથકો સંવેદનશીલ છે. ૪૬૭ મતદાન મથકો અતિસંવેદનશીલ છે.

ઉલ્લેખનીય છે કે હવે મતદાનને હવે ઓછો સમય રહ્યો હોય સુરક્ષા અર્થે દરેક સેન્ટરોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સ્થિતિની સમીક્ષા હાથ ધરી જરૂરી નિર્ણયો પણ લેવાયા હતા. રાજકોટમાં પણ ઝોન-૧ વિસ્તારમાં આવેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર, બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર, થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજી હતી. જેમાં ઝોન-૧ ડીસીપી પ્રવીણકુમાર, એસીપી એચ.એલ. રાઠોડ, એસ.આર.ટંડેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.