Abtak Media Google News

દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા.૧-૨ નવેમ્બરે ટોરીડસ ઉલ્કાવર્ષા નિહાળી હતી. બીજા તબકકામાં વિશ્વના લોકો આવતીકાલે તા.૧૪મી નવેમ્બરથી તા.૨૦ નવેમ્બર દરમ્યાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે.

વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે ત્યારે રાજયના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદભુત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લુંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યું છે. ઉલ્કાવર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ અમદાવાદ ખાતે પસંદગી કરવામાં આવ્યું છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં તા.૧૪મીથી ૨૦ દરમ્યાન સિંહ રાશીની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદભુત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧૫ થી ૫૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે.

લીઓનીડસ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રાજુ યાદવ, વિનુભાઈ ઉપાધ્યાય, નવીનભાઈ પુરોહિત, કિશોરગીરી ગોસાઈ, ઉમેશ રાવ, દિનેશ હુંબલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રમોદ પંડયા, નાથાભાઈ પીપળીયા, વિનોદ વામજા, પ્રોફે. ભરત પંડયા, ભરતભાઈ મહેતા, રમેશ પરમાર સહિત અનેક સદસ્યો આ અભિયાનમાં જોડાવાના છે. રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.