વીવ રિચાર્ડસની જેમ કોહલી સાંપ્રત ખેલાડીઓથી ખુબજ આગળ: લીટલ માસ્ટર

જેમ વીવ રિચાર્ડસ સામેની ટીમ ઉપર વન મેન આર્મીની જેમ ત્રાટકતા તેમ વિરાટ કોહલીની બેટીંગ પદ્ધતિ પણ આગવી

જેન્ટલમેન ગેમ ગણાતા ક્રિકેટમાં ખેલાડીની સ્ટાઈલ અને ટેકનીક જ તેની સફળતા પાછળ જવાબદાર રહે છે. વિશ્ર્વમાં અત્યાર સુધીમાં શ્રેષ્ઠ ગણાતા ક્રિકેટરોની સ્ટાઈલ હંમેશાથી અન્ય કરતા અલગ રહી છે. ટેકનીકલી સ્ટ્રોંગ હોય તેવા ક્રિકેટરોની સંખ્યા ઓછી છે. ઘણા ક્રિકેટરો એવા છે જે સાંપ્રદ સમયના ક્રિકેટરો કરતા આગવી અને ખુબ આગળની ટેકનીક ધરાવતા હોય છે. આવા ખેલાડીઓમાં વીવ રિચાર્ડસનો સમાવેશ થાય છે. આવી જ રીતે વર્તમાન સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ એવો ખેલાડી છે જે અત્યારના સમયમા ખેલાડીઓ કરતા સ્ટાઈલ અને ટેકનીકમાં ખુબજ આગળ છે.

વીવ રિચાર્ડસની જેમ વિરાટ કોહલી પણ સાંપ્રદ ખેલાડીઓથી ખુબજ આગળ હોવાની વાત ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસકર એટલે કે લિટલ માસ્ટરએ કહી છે. એક સમયે વેસ્ટઈન્ડિઝના ધુરંધર પ્લેયર ગણાતા વીવ રિચાર્ડસનો ખૌફ વિશ્ર્વની તમામ ક્રિકેટ ટીમોને હતો. કોઈપણ દડાને આગવી રીતે બાઉન્ડ્રી બહાર  ધકેલવામાં રિચાર્ડસની ટેકનીક કાબીલેદાદ હતી. તે સમયે ટોચના બોલરો રિચાર્ડસની બોલીંગથી ગભરાતા હતા. ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે વર્લ્ડકપ જીતી ત્યારે પણ વીવ રિચાર્ડસનો કપીલ દેવ દ્વારા પકડાયેલો કેચ સૌથી અગત્યનો રહ્યો હતો. વર્લ્ડ કપ સમયે ભારતીય ટીમ સામે ઉતરેલા વીવ રિચાર્ડસએ એવી ફટકાબાજી કરી હતી કે, એક તબક્કે ભારતીય ટીમનો વિશ્ર્વાસ પણ ડગમગી ગયો હતો. જો કે કપીલ દેવે પકડેલ કેચ પરિણામ ફેરવવા માટે જવાબદાર રહ્યો હતો.

લેજન્ડરી પ્લેયર રિચાર્ડસ સામેની ટીમ ઉપર વન મેન આર્મીની જેમ ત્રાટકતા હતા. તેઓ જ્યાં સુધી પીચ ઉપર બેટીંગ કરી રહ્યાં હોય ત્યાં સુધી સામેના છેડેથી બોલીંગ કરનારને પણ ભય કોતરી ખાતો હતો. આવી જ સ્થિતિ વિરાટ કોહલી સામે બોલીંગ કરનારની પણ રહે છે. વિરાટની બેટીંગમાં ઘણા અંશે પરફેકશન જોવા મળે છે. વિરાટની બેટીંગ સ્ટાઈલ ખુબજ અગત્યની બની રહી છે.

સાંપ્રત સમયમાં કોઈપણ પ્લેયર વિરાટ કોહલી જેવી બેટીંગ સ્ટાઈલ કે ટેકનીક ધરાવતા નથી. આ મામલે પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસકરે કહ્યું હતું કે, વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના વીવ રિચાર્ડસની જેમ જ બેટ ફેરવે છે. જેમ વીવ રિચાર્ડસનને પીચ પર શાંત રાખવા મુશ્કેલ હતા તેમ વિરાટ કોહલીને પણ શાંત રાખવો મુશ્કેલ છે.

Loading...