Abtak Media Google News

ગઢડામાં ચાર ઇંચ, ખાંભામાં ૩ ઇંચ, લીલીયા-રાજુલા-અમરેલીમાં બે ઇંચ, પાલિતાણા-કપરાડા-જેસરમાં દોઢ ઇંચ, ગોંડલમાં હોર્ડિંગ પડતા વૃદ્ધનું મોત, અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી

રાજ્યના ૭૦ તાલુકાઓમાં વરસાદ: રાજકોટમાં મધરાતે ગાજવીજ સાથે જોરદાર ઝાપટું, વીજળી ગુલ, આજે-આવતીકાલે હળવા વરસાદની આગાહી, ૭ થી ૯ જૂન તેજ ગતિએ પવન ફૂંકાશે

નિસર્ગ વાવાઝોડુ ફંટાઈ ગયા બાદ પ્રિ-મોનસુન એકટીવીટીની અસરતળે સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રનાં બે-ત્રણ જિલ્લાઓને બાદ કરતા સર્વત્ર વાવણીલાયક વરસાદ થઈ જવા પામ્યો છે. આગામી બે દિવસ સુધી હજી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલે બપોર બાદ સૌરાષ્ટ્રભરમાં મેઘાએ હેત વરસાવ્યું હતું. રાજયનાં ૭૦ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસતા હોર્ડિગ્સ ધરાશાયી થતા એક વૃદ્ધનું મોત નિપજયું હતું તો શહેરનાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ભારે પવનનાં કારણે વિજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો. રાજુલા પંથકમાં વરસાદનાં કારણે ચેકડેમ ઓવરફલો થઈ ગયા હતા.

સ્ટેટ કંટ્રોલનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૭૦ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ બોટાદનાં ગઢડામાં ૩.૫ ઈંચ જેટલો પડયો છે. અમરેલી જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી. અમરેલીમાં ૪૪ મીમી, ખાંભામાં ૭૬ મીમી, જાફરાબાદમાં ૧૦ મીમી, રાજુલામાં ૪૭ મીમી, લીલીયામાં ૫૧ મીમી વરસાદ પડયો હતો. રાજુલા પંથકમાં મોટા આગરીયા ગામનો ચેકડેમ ઓવરફલો થઈ જવાનાં કારણે લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. રાજકોટ જિલ્લામાં પણ ગઈકાલે બપોર બાદ ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. કોટડાસાંગાણીમાં ૫૮ મીમી, ગોંડલમાં ૪૮ મીમી, જેતપુરમાં ૨૬ મીમી, જસદણમાં ૬ મીમી, જામકંડોરણામાં ૧૦ મીમી, ધોરાજીમાં ૧૫ મીમી, પડધરીમાં ૪ મીમી અને વિંછીયામાં ૨૯ મીમી વરસાદ પડયો હતો. ગોંડલ તાલુકાનાં મોટાભાગનાં ગામોમાં વાવણીલાયક વરસાદ પડતા ખેડુતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મીની વાવાઝોડાનાં કારણે ગોંડલમાં અનેક સ્થળોએ વૃક્ષો અને હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાયી થઈ ગયા હતા. હોર્ડિંગ્સ પડવાનાં કારણે બાબુભાઈ આણંદાભાઈ ચાવડા નામના ૫૬ વર્ષનાં વૃદ્ધનું મોત નિપજયું હતું. વૃક્ષો ધરાશાયી થવાનાં કારણે વાહનો દબાઈ ગયા હતા. રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલા શાપર-વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ પડવાનાં કારણે કારખાનાનાં પતરા ઉડી જવા પામ્યા હતા તો કેટલાક એરીયામાં વીજ પોલ પણ પડી ગયા હતા. વિંછીયા પંથકમાં પણ ભારે પવન સાથે પડેલા વરસાદે ખાના-ખરાબી સર્જી દીધી હતી. મોરબી જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડયો હતો. ભારે પવનનાં કારણે વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. માળીયા પંથકમાં ભારે પવન સાથે પડેલા વરસાદનાં કારણે અનીયારી ટોલનાકાને નુકસાન થવા પામ્યું છે. છાપરા પડી ગયા હતા જેના કારણે રોડ બ્લોક થઈ ગયો હતો પરંતુ સદનશીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ન હતી.

ભાવનગર જિલ્લામાં પાલિતાણામાં ૩૫ મીમી, જેસરમાં ૨૯ મીમી, મહુવામાં ૨૯ મીમી, ગારીયાધારમાં ૧૭ મીમી, તળાજામાં ૧૩ મીમી, ઉમરાડામાં ૪ મીમી વરસાદ પડયો હતો. જામનગરનાં લતીપુરમાં ૨ મીમી જયારે કાલાવડનાં નવાગામમાં ૫૦ મીમી અને મોટા પાંચ દેવડામાં ૨૦ મીમી વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢમાં ૩૧ મીમી, સાયલા અને વઢવાણમાં ૧૦ મીમી વરસાદ પડયો હતો. કચ્છનાં ભચાઉમાં ૧૨ અને રાપરમાં ૩ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજકોટમાં પણ મધરાતે ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ૧૦ મિનિટ સુધી અનરાધાર વરસાદ પડતા રાજમાર્ગો પર રિતસર પાણી વહેવા લાગ્યા હતા. ભારે પવનનાં કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ જવા પામી હતી. આજે અને આવતીકાલે બે દિવસ હજી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી: ૭ થી ૯ જુન તેજ ગતિથી પવન ફૂંકાશે

પ્રિ-મોનસુન એકટીવીટી અને રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનની અસરનાં કારણે વરસાદની સંભાવના

રાજયમાં પ્રિ-મોનસુન એકટીવીટી ચાલી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરનાં કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. બપોર બાદ સીબી ફોર્મેશનનાં કારણે છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આગામી બે દિવસ હજી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ રહેશે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. હાલ પ્રિ-મોનસુન એકટીવીટી ચાલી રહી છે સાથો સાથ રાજસ્થાનમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેનાં કારણે રાજયમાં વરસાદની સંભાવના રહેલી છે. આગામી ૭ થી ૯ જુન દરમિયાન રાજયમાં તેજ ગતિએ પવન ફુંકાશે. ચોમાસા માટે એકદમ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.