Abtak Media Google News

રાજવાડી જમીન વિવાદના કારણે ૧૬ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો’તો: સુનાવણી દરમિયાન ત્રણના મોત નીપજ્યા: ૧૧ શખ્સોનો છુટકારો થયો: કાવતરૂ અને લોહીના નમુનાનો એફએસએલ રિપોર્ટના આધારે રામજી મારકણા સહિત બે તકસીરવાન ઠર્યા

ગોંડલના વિક્રમસિંહ રાણાની ૧૬ વર્ષ પહેલાં થયેલી હત્યા કેસની ૧૬ શખ્સો સામેની ગોંડલ સેસન્શ કોર્ટમાં સુનાવણી પુરી થતા ચુકાદો સવારે ઉઘડતી અદાલતે સુધી ચુકાદો જાહેર કરી હત્યાનું કાવતરૂ અને લોહીના નમુનાના એફએસએલ રિપોર્ટના આધારે બે શખ્સોને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને ૧૧ શખ્સોનો છુટકારો કરવામાં આવ્યો છે. રાજવાડીની વિવાદીત જમીનના કારણે પટેલ અને ગરાસીયા જુથ્થ વચ્ચે ચાલતા વૈમનશ્ય અને દુશ્મનાવટના કારણે ૧૬ શખ્સોએ હત્યા કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

ગોંડલ રાજવી પરિવારની કોટડા રોડ પર આવેલી કરોડોની કિંમતની જમીન વિક્રમસિંહ રાણા ખેતી કરતા હતા અને કબ્જો ધરાવતા હતા ભરેલા કબ્જે ભાજપના અગ્રણીઓએ જમીન ખરીદ કરતા દરબારો અને પટેલ વચ્ચે વૈમનશ્ય સર્જાયુ હતું અને વિક્રમસિંહ રાણા ૨૦૦૩માં સુરેશ્વર મંદિર પાસે બેઠા હતા ત્યારે રામજી ઉર્ફે રામલો પ્રાગજી મારકણા, લાલજી ધનજી સિધપરા, ભરત લાધા સાયાણી, નરશી ભાણા મોણપરા, રાજેશ પરસોતમ દુધાગરા, હરેશ મકન ચોથાણી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનજી વૈષ્ણવ, કાનજી હીરજી સોરઠીયા, વિનુ ગોબર શિંગાળા. જગદીશ રણછોડ ખૂંટ, ભરત સવજી વેકરીયા, અજય ડાયા રાદડીયા, જગદીશ લીંબા ખૂંટ, અમિત દિનેશ ચાવડીયા અને વિજય કેશવ કયાડા નામના શખ્સો સામે હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

વિક્રમસિંહ રાણા હત્યા કેસની ગોંડલ સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં હત્યા કેસના સુત્રધાર મનાતા અને યુવા ભાજપના તે સમયના પ્રમુખ વિનુ શિંગાળા, કાનુ અને લાલજી ધનજી સિધપરાના મોત નીપજયા હોવાથી તેઓ સામેનો કેસ પડતો મુકવામાં આવ્યો હતો અને ૧૩ શખ્સો સામે કેસની સુનાવણી શરૂ થતા પોલીસ દ્વારા લેવામાં આવેલા લોહીના નમુનાનો એફએસએલ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

લોહીવાળા કપડા અને હથિયાર રામજી મારકણાની ઇશ્વરીયા ખાતેની વાડીએથી કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ સરકાર અને મુળ ફરિયાદ પક્ષ વિક્રમસિંહ રાણા પર ૨૦૦ જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવ્યાની સામે આવ્યું હોવાથી બનાવને અતિક્રુરતા અને ઘાતકી ગણાવવામાં આવ્યો હતો. આઉપરાંત સમગ્ર ઘટનાને નજરે જોનાર ફરિયાદી રાજેશ્રીબાએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

કેસની સુનાવણી પુરી થતા ગોંડલ સેશન્સ જજ વ્યાસે રામજી મારકણા અને હરેશ ચોથાણીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ૧૧ શખ્સોનો છુટકારો કર્યો છે. સરકાર પક્ષે એડવોકેટ તરીકે ઘનશ્યામભાઇ ડોબરીયા અને મુળ ફરિયાદી વતી એડવોકેટ તરીકે નરેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.