Abtak Media Google News

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો વિશ્વ વ્યાપી આરાધના મહોત્સવ

સમયના કોઈક કોઈક ખંડમાં એવું સામર્થ્ય હોય છે જે આત્માને પળમાં પરમાત્મા બનાવી શકે છેે

સંપત્તિનો ભોગવટો કરનારા લક્ષ્મીપતિ ન બનીને સ્વયંની મહેનત જહેમત દ્વારા અન્યના ઘરને ઉજાગર કરવા સંપત્તિને અર્પણ કરનારા લક્ષ્મીપિતા બનવાનો પરમ પાવન બોધ આપીને રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ચતુર્થ દિવસે હજારો ભાવિકોના ભવ્ય ભાવિનું બીજરોપણ કરવાનો પરમ ઉપકાર કર્યો હતો.

વર્તમાન સમયની પ્રતિકૂળ અને વિષમ પરિસ્થિતિમાં પણ અંતરનાં કરૂણાભાવથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના વિશ્ર્વવ્યાપી આરાધના મહોત્સવનું આયોજન કરીને હજારો ભાવિકોને ધર્મસાધનામાં ઓતપ્રોત કરી રહેલા રાષ્ટ્રસંત મુખેથી ફરમાવવામાં આવી રહેલી પ્રવચનધારા આદિ કાર્યક્રમોમાં સમગ્ર દેશના ૧૦૮થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોની સાથે દેશ વિદેશના હજારો ભાવિકો લાભ લઈ આ પર્વાધિરાજ પર્વમાં ધન્ય ધન્ય બની રહ્યા છે.

મ.સા.એ અત્યંત મધુરવાણીમાં પ્રવચન ધારા વહાવતા જણાવ્યું હતુ કે સમયના કોઈક કોઈક ખંડમાં એવું સામર્થ્ય હોય છે જે આત્માને પળમાં પરમાત્મા બનાવવાનું સામર્થ્ય સમાયું હોય છે અને એવો જ સમય ખંડ હોય છે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેમાં આપણા આનંતકાળનાં અવગુણોને વિશુધ્ધ કરીને અનંત ગુણધર્મ પ્રતિષ્ઠિત કરવાનું સામર્થ્ય સમાયું છે.

અંતરમાં હળવાશ અને અન્યના મુખ પર હાસ્ય લાવી દે તે નિ:સ્વાર્થ અર્પણતા હોય છે. તે દાન હોય છે.પરંતુ કેટલાક લોકો દાનને પોતાની શાન સમજતાં હોય છે. તે પોતાના પૂણ્યને ગંદા નાળામાં નાંખી દેવા બરાબર હોય છે.

પ્રભુ કહે છે, જેનો ઉગતો સૂરજ હોય એની પાસે જ કોઈ હાથ લાંબા કરવા આવતું હોય છે. આશા રાખીને આવતું હોય છે. જેને આપતા આવડે છે તે અરિહંતતાનાં બીજ વાવી દે, દાન માત્ર સંપત્તિથી જ નથી થતુ પરંતુ સમજનું દાન, સમયનું દાન, શાંતિનું દાન કે મંત્રનું દાન પણ આપી શકાય છે.

જનમ જનમનું કલ્યાણ કરાવી દેનારા પરમ ગૂરૂદેવના આ અમૂલ્ય બોધ વચનો સાથે અસ્મિતાજી મહાસતીજીએ સ્વયંની ઈચ્છામૂકિત દ્વારા આત્મકલ્યાણ કરવાનો પ્રેરક બોધ આપ્યો હતો. આ અવસરે ઘાટકોપર ગારોડીયા નગર સંઘની સુતીર્થિકાજી મહાસતીજીએ પ્રવચનધારા વહાવીને સહુને પ્રેરિત કર્યા હતા.

સમગ્ર પર્વાધિરાજ પર્વના Online આરાધના મહોત્સવનો અમૂલ્ય લાભ લઈને સાયનના ધર્મવાત્સલા બીનાબેન અજયભાઈ શેઠ એ ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.