Abtak Media Google News

નવોદિતોની ટીમ ઇન્ડિયા કાંગારૂના પીઢ બેટ્સમેનોને ૪૦૦ રન સુધી સીમિત રાખે તો જંગ રસાકસીભર્યો રહેશે!!

ભારત અને કાંગારું વચ્ચે બ્રિસબેન ખાતે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટ બંને ટીમ માટે સિરીઝ જીતવા માટે મહત્વપૂર્ણ છે પરંતુ ભારતે અંતિમ ટેસ્ટમાં કશું ગુમવવાનું ન હોય તે રીતે રમવાનું છે. ભારતની પરફેક્ટ ટીમ ઇલેવનના મોટાભાગના ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાથી નવોદિતો માટે સોનેરી તક સાંપડી છે. જો ભારતીય ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડે તો પણ કોઈ મોટી બાબત નથી કારણ કે, હાલ ટીમમાં અનુભવની મોટી ઘટ્ટ છે જેથી હારની મોટાભાગે આલોચના થશે નહીં પરંતુ જો ટીમ આ મેચ જીતી જાય તો નવોદિતો ઇતિહાસ રચશે તેવું પણ કહી શકાય. હાલ ભારતીય ટીમની પ્લેયઈંગ ઇલેવન ની જો વાત કરવામાં આવે તો વોશિંગટન સુંદરમનો ટીમમાં બેટ્સમેન તરીકે સમાવેશ કરવો પડે તેવી ફરજ પડી છે.

હાલ નવોદિતોની ટીમ ઇન્ડિયા પીઢ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી રહી છે. ટીમ ઇન્ડિયાના તમામ બોલરોની ટેસ્ટ મેચ કારકિર્દીની કુલ વિકેટ ૮૬ થાય છે જ્યારે કાંગારુના બોલરોની કુલ વિકેટ ૧૦૮૬ થાય છે જેના આધારે ચોક્કસ કહી શકાય કે, હાલ ટીમ નવોદિતના હાથમાં છે. ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાથી ટીમ ઇલેવન પૂર્ણ કરવી એ પણ એક પડકાર જેવું હતું. વોશિંગટન સુંદરમને પણ બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી ટીમને આ મેચમાં ગુમાવવાનું કંઈ છે જ નહીં ફક્ત કમાવાની તક છે. હાલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કોઈ દબાવમાં પણ આવવાની જરૂરિયાત નથી ત્યારે નવોદિત માટે અમૂલ્ય તક સાંપડી છે. ભારતીય ખેલાડીઓ માટે હજુ પણ અનેરી તક છે. નવોદિતો જો ઓસ્ટ્રેલિયાના પીઢ ખેલાડિયોને ૪૦૦ રન સુધી સીમિત રાખી શકે તો મેચ રસ્સાકસ્સીનો જંગ ખેલાય તેવી શકયતા છે.

અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સિરીઝ ૧-૧ ની બરાબરી પર છે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી પોતાના નામે કરશે. કાંગારું માટે સ્પિનર નેથન લાયન પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી રહ્યો છે, જ્યારે ભારત વતી તામિલનાડુના વી. સુંદર અને ટી. નટરાજન ડેબ્યુ કરી રહ્યા છે. ટી. નટરાજન એક જ ટૂર પર ટેસ્ટ, વનડે અને ટી-૨૦ ડેબ્યુ કરનાર ભારતનો  પ્રથમ પ્લેયર બન્યો છે.

મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે ૫ વિકેટે ૨૭૪ રન કર્યા છે. દિવસના અંતે ટિમ પેન ૩૮ રને અને કેમરુન ગ્રીન ૨૮ રને અણનમ છે. કાંગારૂ માટે માર્નસ લબુશેન ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે પોતાની ટેસ્ટ કરિયરની પાંચમી ફિફટી ફટકારતાં ૨૦૪ બોલમાં ૯ ફોરની મદદથી ૧૦૮ રન કર્યા હતા. તેના સિવાય મેથ્યુ વેડે ૪૫ અને સ્ટીવ સ્મિથે ૩૬ રનનું યોગદાન આપ્યું. ભારત માટે ટી. નટરાજને ૨, જ્યારે વી. સુંદર, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે ૧-૧ વિકેટ લીધી હતી.

સ્ટીવ સ્મિથની વિકેટ ગુમાવ્યા પછી લબુશેન અને મેથ્યુ વેડે કાંગારૂની ઇનિંગ્સ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી કરી હતી. વેડે ૮૭ બોલમાં ૬ ફોરની મદદથી ૪૫ રન કર્યા હતા. વેડ નટરાજનનો ટેસ્ટ મેચમાં પ્રથમ શિકાર બન્યો. નટ્ટુની બોલિંગમાં શાર્દૂલ ઠાકુરે તેનો કેચ પકડ્યો. સ્ટીવ સ્મિથ સુંદરની બોલિંગમાં શોર્ટ મિડવિકેટ પર રોહિત શર્માના હાથમાં કેચ આઉટ થયો હતો. સ્મિથે ૭૭ બોલમાં ૫ ફોરની મદદથી ૩૬ રન કર્યા હતા. કાંગારું ઓપનર્સ ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ડેવિડ વોર્નર ૧ રને મેચની પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજની બોલિંગમાં સેક્ધડ સ્લીપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી માર્કસ હેરિસ ૫ રને શાર્દૂલ ઠાકુરની બોલિંગમાં સ્કવેર લેગ પર સુંદરના હાથે કેચ આઉટ થયો હતો.

મેચ દરમિયાન ઈજાગ્રસ્ત નવદીપ સૈની મેદાન બહાર જતો રહ્યો છે. તેને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હોય એવું લાગી રહ્યું હતું, જોકે ઓન-એર કોમેન્ટેટર્સ કે બોર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. ભારત પ્રાર્થના કરશે કે તે જલદી જ મેદાન પર પરત ફરી શકે. સૈની ઈજાગ્રસ્ત થતાં તેની ઓવરનો અંતિમ બોલ રોહિત શર્માએ નાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.