‘લર્નિંગ પ્રોસેસ’

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની વિશાળ જનસંખ્યા રાષ્ટ્રની સાચી સંપતિ ગણવામાં આવે છે ત્યારે રાષ્ટ્રની આ ધરોહરની વિરાસતમાં દેશના પ્રત્યેક નાગરિકની સ્વાયત યોગદાન દેશની ખરી તાકાત બની રહે છે. એક જમાનો હતો કે, જગતમાં વધુ વસ્તી વિકાસ અને પ્રગતિ માટે અવરોધરૂપ ગણાતું હતું. પરંતુ સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતા નથી. હવેના જમાનામાં સમજદાર લોકોનો સમૂહ એક સાથે ચાલતા વિકાસ મહાયજ્ઞ, ઔદ્યોગીક ક્રાંતિમાં માનવ શ્રમ શક્તિનું મહત્વ વધતું જાય છે. ભારતની આર્થિક, સામાજીક અને રાષ્ટ્રીય પરિસ્થિતિનું વિહંગ અવલોકન કરીએ તો સમગ્ર વિશ્ર્વમાં અત્યારે વેપાર યુગ ચાલી રહ્યો છે. ભારતની વિશાળ જનસંખ્યા દેશની તરક્કી માટે અવરોધરૂપ નહીં પરંતુ વેપાર ઉદ્યોગના વિકાસ માટેની સાચી શક્તિ બની ગઈ છે. વિશ્ર્વની તમામ મલ્ટીનેશનલ કંપનીઓ માટે અત્યારે ભારતની વિશાળ રીટેલ માર્કેટની ભાગીદારી આવશ્યક બની છે. તેવી સ્થિતિમાં સમાજના પ્રત્યેક નાગરિક માટે સતતપણે શિક્ષીત અને દિક્ષીત થવું અનિવાર્ય છે. માનવ સભ્ય સંસ્કૃતિમાં અત્યાર સુધીની પ્રગતિએ પહોંચેલા માનવીએ સમગ્ર સજીવ સૃષ્ટિમાં તમામ પ્રાણીઓથી આગળ જઈને વિચારવાની શક્તિનો અસરકારક ઉપયોગ કરીને અત્યારનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સમાજમાં દરેક વ્યક્તિ માટે સતતપણે અવલોકન અને વર્તમાન અનુભવમાંથી ભવિષ્યનું નિર્માણ કરવાની ક્ષમતા વિકસાવવાની આવશ્યકતા હોય છે. જે વ્યક્તિ, વર્ગ, સમાજ કે દેશમાં ‘લર્નિંગ પ્રોસેસ’ સતત ગતિશીલ રહે તેનો વિકાસ ક્યારેય મંદ પડતો નથી. આધુનિક યુગ આ માટે પોતાની મેળે ફિનીક્સ પક્ષીની જેમ આગળ આવેલા જાપાનનો દાખલો અનુસરવા જેવો છે. વિશ્ર્વ યુદ્ધમાં જાપાનના હિરોસીમા અને નાગાસાકીમાં થયેલા થયેલા અણુ હુમલાની ભયંકર વિપદા અને ક્યારેય ખોટ ન પુરાય તેવા સંકટ સામે હારીને બરબાદ થવાના બદલે જાપાને આ ભીષણ પ્રહારમાંથી પણ પ્રેરણા લઈને સમાજ અને દેશની તરક્કી માટે જે રીતે અથાક પરિશ્રમ કરીને પરિણામ મેળવ્યું છે તે આધુનિક યુગ માટે લર્નિંગ પ્રોસેસનો એક અદ્ભૂત નમુનો ગણી શકાય.  ભારતની આઝાદીનો ઈતિહાસ હોય કે, દેશના અર્થતંત્રના વિકાસની મહેચ્છા તમામ સફળતા અને આયોજન માટે સતતપણે સારી બાબતોનું અનુગ્રહણ અને ભવિષ્યના આયોજન માટે વર્તમાન અને ભૂતકાળના અનુભવોનો ઉપયોગ એ સંજીવની જેવું કામ આપે છે.

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અત્યારે વિકાસની ક્ષીતિજો સમગ્ર વિશ્ર્વને આંટો વાળે તેવી વિશાળ બની ગઈ છે. ભારતનું સમાજ જીવન પ્રાચીન કુ-રિવાજોનું બંધન અને કુપમેંડક જેવી બંધીયાર માનસીકતામાંથી ખરા અર્થમાં સ્વતંત્ર થઈને વિચારની ક્ષીતિજો વધારનારું રાષ્ટ્ર બન્યું છે. ભારતની પ્રાચીન ધરાહર, સભ્ય સંસ્કૃતિ અને વિરાસતની ભવ્યતાની સાથે સાથે નવા વિચારોના અમલ થકી દેશ અત્યારે સમગ્ર વિશ્ર્વમાં નોખુ અને આગવું સ્થાન બનાવી ચૂક્યું છે ત્યારે વર્ષ ૨૦૭૬ની વિદાય ૭૭નું આગમન અને આજે લાભ પાંચમના પાવન અવસરે જ્યારે નવા વર્ષના કાર્ય આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતના દરેક વ્યક્તિએ સતત શિક્ષીત અને દિક્ષીત બનવાની કુદરતે આપેલી આશિર્વાદરૂપ બક્ષીસને અપનાવી જીવનમાં સતતપણે લર્નિંગ પ્રોસેસનો વિકાસ કરીને સ્વ અને સ્વદેશને વિશ્ર્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે કાર્યરત બનાવી જોશે.

Loading...