Abtak Media Google News

કલમ ૩૭૦ હટાવવાનાં મુદ્દે યુનોએ પાક.નાં દરવાજા બંધ કર્યા

ભારતે પણ થાર લીંક એકસપ્રેસ ટ્રેન સેવા રદ કરી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સલાહ આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. તે દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ પણ વિવાદનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાન તેમના તરફથી ભારત સાથે વાતચીત શરૂ કરે. હકીકતમાં કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા મુદ્દે શુક્રવારે યુએનની ગુપ્ત બેઠક રાખવામાં આવી હતી.

આ પહેલાં જ ઈમરાન ખાને ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી અમેરિકાને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટ્રમ્પે આને દ્વીપક્ષીય મુદ્દો ગણાવીને પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવવાના મામલે ખિજાયેલું પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યુ છે. ત્યાં તેને તેના મિત્ર ચીનનો સાથ તો મળ્યો પરંતુ બંધ બારણે ચાલેલી બેઠકમાં બંને દેશોના પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું ભારતે શુક્રવારે જણાવ્યું હતું. યુએનની સુરક્ષા પરિષદમાં જમ્મુ-કાશ્મીર મામલે બેઠક યોજાઇ હતી. તે પછી ભારતે સમગ્ર વિશ્વ સમક્ષ પોતાનું વલણ ફરી સ્પષ્ટ કરી દીધું.

બેઠક પછી ભારતના પ્રતિનિધિ અકબરુદ્દીને મીડિયાને જણાવ્યું કે કલમ ૩૭૦ હટાવવી ભારતનો આતંરિક મામલો છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયને કાઇ લેવા-દેવા નથી. હોંગકોંગમાં દેખાવકારો પર દમન કરવાના મામલે આખા વિશ્વનો ટીકાપાત્ર બનેલા ચીને કાશ્મીરમાં માનવ અધિકારો અંગે ચિંતા જતાવી હતી. જો કે બેઠક અંગે પુછવામાં આવતા અકબરુદ્દીને કહ્યું કે જેમ ક્રિકેટરો ક્યારેય નથી કહેતા કે ડ્રેસિંગ રુમમાં શું થયું? તેવી જ રીતે ડિપ્લોમેટ પણ નથી જણાવતા કે બંધ બારણે શું વાતચીત થઇ. માત્ર એટલું કહીશ કે બંને દેશોની કોશીશો નિષ્ફળ રહી છે. રશિયા અને ફ્રાન્સે પહેલેથી જ આ બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. ચીને બોલાવેલી આ બેઠકનું મહત્ત્વ એટલા માટે નથી કે તેની કોઈ નોંધ રખાતી નથી અથવા તો તેને રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવતી નથી. સલામતિ સમિતિમાં કુલ ૧૫ સભ્યો હોય છે, જેમાં ૫ કાયમી અને ૧૦ અસ્થાયી દેશો રોટેશન મુજબ સ્થાન પામતાં હોય છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન એ પાંચ કાયમી સભ્ય છે. હાલ જે ૧૦ અસ્થાયી દેશો સામેલ છે તેમાં જર્મની, કુવૈત, બેલ્જિયમ, પોલેન્ડ, પેરુ, દ.આફ્રિકા, ઈન્ડોનેશિયા ઉપરાંત ત્રણ ટચૂકડાં ટાપુસમુહ દેશ છે. સાધારણ રીતે એવી અસ્થાયી દેશો કોઈકને કોઈક મહાસત્તાની છાવણીબંધી મુજબ વર્તતા હોય છે. હાલમાં અમેરિકા, રશિયા ઉપરાંત ચીન પોતાના વૈશ્વિક હિતો મુજબની વાડાબંધી કરીને વિશ્વમતને પોતાની તરફેણમાં વાળવા પ્રયત્નશીલ હોય છે.

આ પ્રસ્તાવ હજુ સલામતિ સમિતિમાં જ મૂકાયો છે. નિયમ મુજબ સલામતિ સમિતિના ૧૫ન પૈકી ૯ સભ્ય દેશો આ પ્રસ્તાવને સમર્થન આપે તો જ એ પ્રસ્તાવ મુખ્ય પરિષદમાં આવે. પાકિસ્તાને કરેલાં પ્રયાસો મુજબ જર્મની, દ. આફ્રિકા, બેલ્જિયમ, ઈન્ડોનેશિયા સહિત મોટાભાગના દેશો આ પ્રસ્તાવને નકારી ચૂક્યા છે. આથી જાહેર બેઠકને બદલે ગુપ્ત બેઠક યાને બંધબારણે ચર્ચા રાખવામાં આવી છે, જેથી પ્રસ્તાવનો કરુણ રકાસ થાય તોય શરમના માર્યા મોં ઢાંકવાનો વારો ન આવે. આમ, પાકિસ્તાનના વધુ એક પ્રયાસનું બાળમરણ નિશ્ચિત જ છે. પરંતુ ભારત માટે પ્રસ્તાવના બાળમરણ કરતાં ય ચીન નામનો જમ ઘર ન ભાળી જાય એ મુખ્ય સતર્કતા હોવી ઘટે.

ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દો ઉદભવિત થતાની સાથે જ રાજસ્થાનથી કરાંચી વચ્ચે ચાલતી સાપ્તાહિક થાર લીંક એકસપ્રેસ ટ્રેન સેવા ભારતે બંધ કરી દીધી છે. તણાવનાં પગલે ભારતીય રેલવે મંત્રાલય દ્વારા દર શુક્રવારે ચાલતી થાર લીંક એકસપ્રેસ ટ્રેન અનિશ્ર્ચિત મુદત માટે અટકાવી દીધી છે. દર શુક્રવારે જોધપુરથી કરાંચી વચ્ચે દોડતી ટ્રેન શુક્રવારે ઉપડવામાં આવી હતી. ઉતર-પશ્ર્ચિમ રેલવેનાં જનસંપર્ક અધિકારી અભય શર્માએ જણાવ્યું હતું કે, સરકારની કોઈ અન્ય સુચના ન મળે ત્યાં સુધી થાર લીંકની તમામ અપ એન્ડ ડાઉન ટ્રીપ શુક્રવારથી બંધ કરી દેવામાં આવી છે. છેલ્લી ટ્રીપ માટે ૪૫ મુસાફરોએ પાકિસ્તાન જવા માટેની ટીકીટ બુક કરાવી હતી. જયારે પાકિસ્તાનનાં રેલવે મંત્રીએ પણ જોધપુરની ટ્રીપ અંતિમ હોવાની પણ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનાં સ્વાયત દરજજાને સમાપ્ત કરી દીધા બાદ ઉભી થયેલી પરિસ્થિતિને લઈ ધુંધવાયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધો ઓછા કરવાનો નિર્ણય લીધો હતો. તેની સામે ભારતે પણ થાર લીંક એકસપ્રેસ બંધ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.