Abtak Media Google News

જે લોકો રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેતા હોય છે તેમના માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ નવી નથી. ભારત જેવો દેશ જે આજે હાર્ટ-ડિસીઝનું કેપિટલ બનતો જાય છે ત્યાં જાગૃત હોય એવા ૩૫ વર્ષથી વધુની ઉંમરના લોકોએ રેગ્યુલર રીતે લિપિડ ટેસ્ટ કરેલી હોવી જોઈએ. પરંતુ અફસોસની વાત એ છે કે આજે પણ એવા અઢળક લોકો છે જેમને રેગ્યુલર ચેક-અપ માટે કહેવામાં આવે તો તેઓ કહે છે કે ડોક્ટર એમ જ ટેસ્ટ કરાવડાવે છે, એની કોઈ જરૂરત નથી. ઘણા લોકો એવા પણ છે જે આવું એટલે કહે છે કે ટેસ્ટનું મહત્વ જ તેમને નથી ખબર તો ઘણા લોકો આ ટેસ્ટથી ગભરાતા હોય એટલે પણ આવું કહેતા હોય છે. વળી કેટલીક ટેસ્ટ છે જે સાવ બેઝિક ગણવામાં આવે છે. એમાંની એક ટેસ્ટ એટલે જ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. આ ટેસ્ટમાં કંઈ ગરબડ આવે તો ડોક્ટર આગળ વધુ ટેસ્ટ કરાવવાની સલાહ આપી શકે. આ ટેસ્ટમાં મુખ્યત્વે કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ જેવા લિપિડ વિશે જાણકારી મળે છે. કોલેસ્ટરોલ વિશે તો પણ લોકો જાણકાર છે, પરંતુ ટ્રાઇગ્લિસરાઇડ્સ વિશે નહીં. આજે આ લિપિડ  અને એની કામગીરીને સમજવાનો પ્રયાસ કરીએ.

કોલેસ્ટરોલ

કોલેસ્ટરોલ આપણા શરીરના લિવરમાં બનતું ખૂબ જ અગત્યનું ઘટક છે. આ એક ફેટનો પ્રકાર છે, જે લોહીમાં ઓગળતી નથી. લોહી સાથે એ વહ્યા કરે છે. આ કોલેસ્ટરોલના મુખ્ય બે પ્રકાર છે, જેની સારા અને ખરાબ કોલેસ્ટરોલમાં વહેંચણી કરી દેવામાં આવી છે. ખરા અર્થમાં તો આ બન્ને પ્રકારના કોલેસ્ટરોલની શરીરને જરૂર રહે જ છે. કોલેસ્ટરોલનો એક પ્રકાર છે ઇંઉક કોલેસ્ટરોલ, જેને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે અને બીજો પ્રકાર છે કઉક, જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે. આ બન્ને કોલેસ્ટરોલનું ઉત્પાદન લિવરમાં જ થાય છે. એને ઉત્પન્ન કરવા પાછળ શરીરનો એક મુખ્ય હેતુ છે અને એ હેતુ છે રિપેરિંગ.

જેને બેડ કોલેસ્ટરોલ કહેવામાં આવે છે એનું કામ સિમેન્ટ જેવું છે. એક દીવાલમાં જ્યારે તડ પડી જાય છે ત્યારે એને રિપેર કરવા માટે સિમેન્ટ ભરવામાં આવે છે એ રીતે શરીરમાં જે લોહીની નસો છે એ નસોની દીવાલમાં કોઈ જાતનો સોજો આવ્યો હોય, કોઈ ક્રેક હોય તો એ તૂટેલી જગ્યા પર આ કઉક ચીપકી જાય છે. સાંધો કરવાનું કામ આ કોલેસ્ટરોલ કરે છે. જ્યારે ઇંઉક સફાઈનું કામ કરે છે. દીવાલ પર ચોંટતી વખતે જે કઉક નીચે પડી ગયું હોય કે દીવાલ પર જો વધુ પ્રમાણમાં કઉક લાગી ગયું હોય તો એને દૂર કરવાનું કામ ઇંઉક કરે છે. આ બધું કોલેસ્ટરોલ લોહીમાંથી એકત્ર કરી ઇંઉક કોલેસ્ટરોલ એને લિવરમાં પાછું લઈ જાય છે અને લિવર એને શરીરની બહાર ફેંકી દે છે. આ એક સિસ્ટમ છે, જે મુજબ શરીરમાં કામગીરી થાય છે.

ટ્રાઇગ્લિસરાઇડ્સ

ટ્રાઇગ્લિસરાઇડ્સ લોહીમાં રહેલી ફેટ્સનો એક ભાગ છે. આપણા ઘી-તેલ-બટરમાંથી આપણને જે મળે છે એ ટ્રાઇગ્લિસરાઇડ્સ હોય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આ ફેટ લોહી દ્વારા શોષાય છે, પરંતુ એવું નથી કે ટ્રાઇગ્લિસરાઇડ્સ મેળવવા માટેનો એકમાત્ર સોર્સ ઘી-તેલ કે બટર જ છે. આપણે ખોરાકમાં જે સિમ્પલ કાર્બ્સ ખાઈએ છીએ જેમ કે કેક, પેસ્ટ્રી, મેંદાની બનાવટો, કેન્ડી, શુગર, આલ્કોહોલ વગેરેમાં ઘણી એક્સ્ટ્રા કેલરીઝ હોય છે.

જે બચી જાય છે એ કેલરીને શરીર ટ્રાઇગ્લિસરાઇડ્સમાં ફેરવી કાઢે છે અને ફેટના કોષો તરીકે એને સાચવે છે. આ ફેટ કોષો યોગ્ય માત્રામાં હોય તો એ જરૂરી અને ઉપયોગી છે. તમારું શરીર એને ત્યારે વાપરે છે જ્યારે એને એનર્જીની અછત વર્તાય, જેમ કે વ્યક્તિ માંદી પડે કે પછી વધુ એનર્જીની તેને એકદમ જરૂરત પડે જ્યારે તેની પાસે એનર્જીનો સોર્સ એટલે કે ખોરાક ન હોય અથવા ઓછો હોય ત્યારે. પરંતુ જો એની માત્રા વધે તો એ નુકસાન કરે છે.

નુકસાન

ટ્રાઇગ્લિસરાઇડ્સની માત્રા જાડી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે એમ લોકો માને છે. હકીકતે વ્યક્તિના જાડા હોવાનું કારણ જ ટ્રાઇગ્લિસરાઇડ્સ હોઈ શકે છે. મોટા ભાગના ઓબીસ લોકોમાં એનું પ્રમાણ વધુ જોવા મળે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિ દેખાતી દૂબળી હોય, પરંતુ તેનું ટ્રાઇગ્લિસરાઇડ્સ લેવલ વધુ હોય. આમ જો તમે ઓબીસ હો તો ચોક્કસ અને ન હો તો પણ લિપિડ પ્રોફાઇલ ચેક કરાવવું જરૂરી છે. ખાસ કરીને ૩૦-૩૫ વર્ષની ઉંમર પછી. ટ્રાઇગ્લિસરાઇડ્સ આપણા એશિયન અને ખાસ કરીને ભારતીય લોકોમાં વધુ જોવા મળે છે. એ પણ શક્ય છે કે વ્યક્તિને કોલેસ્ટરોલની તકલીફ ન હોય, પરંતુ ટ્રાઇગ્લિસરાઇડ્સ વધુ હોય એમ બને.ઊલટું ભારતીયોમાં આવું વધુ જોવા મળે છે, જેનું કારણ આપણી કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ડાયટ છે.

બીજા દેશો કરતાં આપણા દેશમાં પ્રોટીન ઓછું અને કાર્બ્સ વધુ ખવાય છે એને કારણે આ પ્રમાણ વધે છે. જો બેડ કોલેસ્ટરોલ તમારા શરીરમાં વધુ હોય અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ પણ વધુ હોય તો તમને કાર્ડિયો-વેસ્ક્યુલર પ્રોબ્લેમ થવાની શક્યતા વધે છે. આમ પણ ટ્રાઇગ્લિસરાઇડ્સની વધુ માત્રા હાર્ટ માટે હાનિકારક છે. જોકે મુખ્ય વિલન ખરાબ કોલેસ્ટરોલ છે.

શું કરવું?

કોલેસ્ટરોલની નિશ્ચિત માત્રા રહે અને ગુડ કોલેસ્ટરોલની ક્વોલિટી પણ સારી રહે એ માટે આપણે શું કરી શકીએ એ જાણીએ તો જે લોકો કોલેસ્ટરોલ સંબંધિત સમસ્યા ધરાવે છે તેમને લાગે છે કે તેમની ડાયટ ઠીક કરશે એટલે બધું થઈ ગયું. આ વાત એક રીતે એકદમ યોગ્ય છે. ડાયટથી કોલેસ્ટરોલ  અને ટ્રાઇગ્લિસરાઇડ્સ બન્ને પર ઘણો ફરક પડે છે. એટલે ડાયટ સુધારવી એ પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ ફક્ત એટલું કરવું પણ પૂરતું તો નથી જ. ખોરાકમાંથી આપણને જે કોલેસ્ટરોલ મળે છે એ કુલ કોલેસ્ટરોલનો ૩૦ ટકા જેટલો ભાગ હોય છે. બાકીનું ૭૦ ટકા કોલેસ્ટરોલ લિવર બનાવે છે. આમ જો કોઈ વ્યક્તિનું કોલેસ્ટરોલ ૨૦૦ આવે અને તે સાવ ફેટ ખાવાનું બંધ કરી દે તો પણ તેનું કોલેસ્ટરોલ  ૧૪૦ રહેશે જ. એનો અર્થ એ થયો કે ખોરાકથી વધુ ફરક પડતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.