વેપારી અગ્રણી માહેશ્વરી પરિવારે ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટને આપ્યું ૧૧ લાખનું દાન

ટ્રસ્ટ રોજ એક હજાર લોકોનો ઠારે છે જઠરાગ્નિ

જામનગરના વેપારી અગ્રણી ઓ.પી.માહેશ્વરી પરિવારે ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટને રૂા.૧૧ લાખનું માતબર દાન આપ્યું હતું.

‘છોટીકાશી’ની ઉપમા ધરાવતા જામનગરમાં જે પ્રકારે મંદિરો, ધર્માચાર્યો તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ વ્યાપક છે તે પ્રકારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સેવા સંસ્થાઓ અને દાતાઓ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જામનગરમાં રોગ વિમોચન ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ તેના કાર્યથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે, છેલ્લા સાડાત્રણ દાયકાથી શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સગાવ્હાલાઓને બપોર અને સાંજના ભોજનની વ્યવસ્થા લગત સેવા પ્રવૃત્તિની મહેક પ્રસરી છે.

ક્રમશ: તેમાં ઉમેરો થતા હાલ તો દરરોજ એક હજાર જેટલા લાભાર્થીઓની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય વર્ષના ૩૬પ દિવસ ચલાવાઈ રહ્યું છે. દર્દીઓ ઉપરાંત અનાથ, બેસહારા, એકલદોકલ વયોવૃદ્ધ, જરૃરિયાતમંદ ગરીબોને પણ છેક તેમના ઘર સુધી બપોરે દાળ-ભાત-શાક-રોટલી અને સાંજે કઢી-ખીચડી, શાક-રોટલાના ટિફિન સમયસર પહોંચી જાય તે માટે સંપૂર્ણ કાર્યાલય ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની બાજુમાં જ ખોલવામાં આવ્યું છે તેમજ રપ૦ જેટલા ટિફિન પહોંચાડવા માટે ટેમ્પો-રિક્ષાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.

લોકડાઉનના ત્રણ મહિનામાં તો આ સેવા પ્રવૃત્તિ લાભાર્થીઓ માટે અક્ષયપાત્ર સમી બની ગઈ હતી. ઉપરાંત ૧૮૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કઠોળ જેવી અન્નપૂર્ણા કીટ પણ દર મહિને પહોંચાડવામાં આવી રહી છે. છેલ્લા વર્ષથી અન્નદાન પ્રવૃત્તિને વિદ્યા સહાય પ્રવૃત્તિ સાથે પણ જોડી છે. ગંગા માતા ચેરીટેબલ ટ્રસ્ટની આવી માનવીય સેવા પ્રવૃત્તિથી પ્રેરાઈને જામનગરના સક્ષમ પરિવારો પણ સખાવત કરતા રહે છે. રક્ષાબંધન-બળેવના પવિત્ર દિને શહેરના વ્યાપારી અગ્રણી માહેશ્વરી ટ્રેડીંગ કાું.વાળા ઓ.પી. માહેશ્વરી કે જેઓ ડાબા હાથને પણ ખબર ન પડે તે રીતે જમણા હાથથી વિવિધ સેવા કાર્યમાં વર્ષોથી અમૂલ્ય આર્થિક યોગદાન આપતા તેવા ઓ.પી. માહેશ્વરીજીએ રક્ષાબંધનનો તહેવાર ધન્યતાભેર ઉજવ્યો હતો. આ પરિવાર દ્વારા ગંગામાતા ચેરી. ટ્રસ્ટને રૂા. ૧૧,૦૦,૦૦૦ ની રકમ દાનમાં આપવામાં આવી છે અને પોતાની સંપત્તિને ‘લક્ષ્મીજી’નું સ્વરૂપ આપ્યું છે. ઈશ્વરે પોતાના પરિવારને આપેલી સંપત્તિ સમાજના કોઈપણ જાતના પ્રચાર-પ્રસાર કે ફંકશનની હો…હો… કર્યા વિના માત્ર પતિ અર્ધાગિની રંજના બહેનને સાથે રાખી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલયે રૂબરૂ પહોંચી જઈ માતબર કહી શકાય તેવી અગિયાર લાખની રકમનો ચેક ટ્રસ્ટને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ઓમપ્રકાશ મહેશ્વરીના જમાઈ વૈભવભાઈ ઉપરાંત સંજયભાઈ આઈ. જાની, ચંદ્રવદનભાઈ ત્રિવેદી, અશોકભાઈ જાની અને ટ્રસ્ટના ચંદ્રેશભાઈ ચોવટિયા તેમજ મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Loading...