‘મેઘાણી’ના સાહિત્ય-સર્જનથી યુવાપેઢીને પરિચિત કરવા ‘મેઘાણી@૧૨૫’નો આરંભ

૧૨૫મી જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન

‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કાર્ય-સાહિત્યથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી એમની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણી : ‘મેઘાણી૧૨૫’નો આરંભ ગાંધી જયંતીથી થયો છે. આ પ્રેરક આયોજનની પરિકલ્પના-સંયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને એમના દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની છે.

ઝવેરચંદ મેઘાણીના વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળો : ચોટીલા, રાજકોટ, ધંધુકા, રાણપુર અને બોટાદ ખાતે પિનાકી મેઘાણી દ્વારા ભાવાંજલિ અર્પણ થઈ હતી. ચોટીલામાં સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર અને ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના અનિશભાઈ લાલાણી, રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મુકુંદભાઈ વઢવાણા, વિજયભાઈ પારેખ, ખેડૂત આગેવાનો અનિરુધ્ધસિંહ ચાવડા અને રમેશભાઈ બદ્રેશિયા, બોટાદમાં સહકારી ક્ષેત્રના સવજીભાઈ શેખ, ભૂપતભાઈ ધાધલ અને બાપુભાઈ ધાધલ, ધંધુકામાં રમેશભાઈ ચૌહાણ, રાજકોટમાં નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ માંગરોલિયા અને વાલજીભાઈ પિત્રોડા ઉપસ્થિત રહ્યા હતા.

મેઘાણી૧૨૫ અંતર્ગત વિવિધ આયોજન થશે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત સમસ્ત ગીતો-લોકગીતો-ભજનો પર આધારિત મેઘાણી વંદના સ્વરાંજલિ કાર્યક્રમોનું આયોજન તેમજ ઑડીયો-વિડીયો-મલ્ટીમિડીયાનું નિર્માણ. મેઘાણી-સાહિત્યનું વિવિધ ભાષાઓમાં પુસ્તક/ઈ-બુક/ઑડીયો-બુક સ્વરૂપે પ્રકાશન-નિર્માણ. મેઘાણી-સાહિત્ય કોર્નર તથા મેઘાણી-તક્તીની સ્થાપના.  ઝવેરચંદ મેઘાણીના જીવન-કાર્યને નિરૂપતી અધિકૃત ડોક્યુ-ડ્રામા ફિલ્મ અને નાટકનું નિર્માણ. મેઘાણી-સાહિત્ય પર આધારિત વિવિધ સેમિનાર શિબિર સ્પર્ધા મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો થશે.

Loading...