Abtak Media Google News

ઉઘરાણા બાદ ચેક પોસ્ટ બંધ કરાઈ !!

સીસીટીવી ફૂટેજના આધારે જવાબદારો સામે પગલા લેવા માનવ અધિકાર મીડિયા સંગઠનની મુખ્યમંત્રીને રજૂઆત

ઉના પંથકની તડ ચેક પોસ્ટ તથા માંડવી ચેક પોસ્ટ ઉપર પોલીસે તહેવારોમાં લોકો પાસેથી ચેકિંગના બહાને ઉઘરાણા કર્યા હોવાની અને આ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીને માનવ અધિકાર મીડિયા સંગઠને રજૂઆત કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન હેઠળના તડ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ બંધ હોવા છતાં ત્યાં પોલીસ ઊભા રહીને પ્રવાસીઓને ચેકિંગના બહાને હેરાન પરેશાન કરી રહ્યા હોવાથી લોકોમાં રોષની લાગણી ઉદભવી છે. આ બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મીડિયા સંગઠનના ગુજરાત પ્રમુખ અરશીભાઈ સોલંકીને થતા તેમણે બંને ચેકપોસ્ટના  સીસીટીવી ફૂટેજના આધારે જવાબદાર વ્યક્તિ વિરૂદ્ધ પગલાં ભરવામાં આવે તેવી ગુજરાત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ગુજરાતના ડીજીપીને લેખિત રજૂઆત કરી હોવાથી તાત્કાલિક ધોરણે આ બંને ચેકપોસ્ટ હાલ બંધ કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ગુજરાતમાં આવતા પ્રવાસીઓને ચેકપોસ્ટ ઉપર તપાસના બહાને હેરાન ન થાય તેવા હેતુથી રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતની તમામ ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હમણાં છેલ્લા થોડા મહિનાઓથી ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન હેઠળ ચાલતી ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ ફરીથી ચાલુ કરવામાં આવી હતી.

લોકડાઉન સમયથી ગેરકાયદે ચાલતી તડ ચેકપોસ્ટ અને નલિયા માંડવી ચેકપોસ્ટ ઉપર ચેકીંગના બહાને પ્રવાસીઓને હેરાનગતિ કરતા હોવાની પ્રવાસીઓની વારંવાર ફરિયાદો મળતી હોય છે.  અરશીભાઈ સોલંકીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ ડીજીપીને લેખીત રજૂઆત કરતા તાત્કાલિક સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદે ચાલતા ચેકપોસ્ટને રાતે તાળામારી દેવામાં આવ્યા છે

તેમની લેખિત રજૂઆતમાં એ વાતની ખાસ નોંધી હતી કે, આ બન્ને ચેકપોસ્ટ ઉપર દારૂ પકડવામાં આવે છે તે દારૂનો વહીવટ કરીને તેને છોડી દેવામાં આવે છે અને પકડાયેલ દારૂ સ્થાનિક જાણીતા બુટલેગરને  પોલીસ મોટી રકમ લઈને વેચી દે છે તો છેલ્લા બે માસથી આ બંને ચેકપોસ્ટ ઉપર ઉના પોલીસ મોટા પ્રમાણે તોડ બાજી કરતી હોય જેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને પોલીસમાં ચાલતા ભ્રષ્ટાચાર બંધ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરી હતી.

શું આ ચેકિંગના નામે તોડ પાણી કરતા હશે?? તે સ્થાનિક પોલીસ અધિકારીઓની જાણ બહાર ચેકપોસ્ટ ચાલતી હશે??  કે પછી આ ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી ચાલતી હતી ?? તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે.

શું આ બને  ચેકપોસ્ટ હાલ બંધ કરવામાં આવી છે તે હવે બંધ રહેશે કે ફરી પાછા થોડા દિવસોમાં ચાલુ કરવામાં આવશે? આવા અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઉદભવ્યા છે અને ખરેખર આ એક તટસ્થ તપાસ માંગી લે તેવો વિષય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.