ચાઈબાસા કોષાગાર કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવના જામીન મંજુર: પણ જેલની બહાર નહીં નીકળી શકે

લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીની સુનાવણી આજે ઝારખંડ હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે લાલુ યાદવને રાહત આપી છે. તેને ચાઈબાસા ટ્રેઝરી કેસમાં જામીન અપાયા છે. જો કે લાલુ યાદવ પર બે લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. યાદવને 50 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે.

જણાવી દઇએ કે ચાઈબાસા કેસમાં યાદવને પાંચ વર્ષની સજા સંભળાવાઈ હતી. જો કે, આ કેસમાં જામીન મળ્યા બાદ પણ લાલુ યાદવ હાલના સમયે જેલની બહાર આવી શકશે નહીં.

લાલુ યાદવને દુમકા કેસમાં પણ સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેમાં તેમની અડધી મુદત 9 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવને આ દુમકા કેસમાં રાહત મળશે તો તે જેલની બહાર આવી શકશે.
પરંતુ તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જેલની બહાર આવી શકશે નહીં. તેમની અડધી સજા ૯ નવેમ્બરના રોજ પૂર્ણ થશે, જ્યારે બિહારમાં મતદાનનો અંતિમ તબક્કો ૭ નવેમ્બરે યોજાવાનો છે જયારે ૧૦ નવેમ્બરે મતગણતરી યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે લાલુ યાદવને અત્યાર સુઘીમા ત્રણ કેસોમાં જામીન મળી ચૂક્યા છે. તેમની બીમારીના કારણે હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

Loading...