લાલુએ ‘ઘાસચારો’ તો આજના નેતાઓ ‘છી’ ખાઇ ગયા!!!

70

મધ્યપ્રદેશમાં સ્વચ્છ ભારત યોજના હેઠળ રૂ. ૫૪૦ કરોડના ખર્ચે બનેલા ૪.૫ લાખ ‘ટોયલેટો’ માત્ર કાગળ પર બન્યાનો ઘટસ્ફોટ

સદીઓથી રાજય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે અને તેને અટકાવવો અશકય તેવું રાજનીતિના પ્રખર અભ્યાસુ ગણાતા ચાણકયે કબુલ્યું છે સમયની સાથે ભ્રષ્ટાચારનું સ્વરૂપ બદલાય છે. તેને ડામવા માટે અનેક પ્રયાસો કરવા છતા ભ્રષ્ટાચાર અટકતો નથી વિશ્ર્વના તમામ દેશોમાં નાના અથવા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ જોવા મળે છે. કોઈક દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું છે તો કોઈક દેશોમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી ટ્રાન્સપરન્સી જેવી સંસ્થાઓ દ્વારા દર વર્ષે વિશ્ર્વભરના દેશો માટે ભ્રષ્ટાચારના આંકડા જાહેર કરવામાં આવે છે. આપણા દેશ ભારતની વાત કરીએ તો આઝાદીકાળ બાદ એકયા બીજા વિભાગોનાં ભ્રષ્ટાચારના કાંડો બહાર આવતા રહ્યા છે. જેથી જ પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ રાજય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર હોવાનું જાહેરમાં સ્વીકાર્યું હતુ. તાજેતરમાં મધ્યપ્રદેશમાં ૫૪૦ કરોડના રૂા.ખર્ચે ૪.૫ લાખ ટોઈલેટ માત્ર કાગળ પર બન્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેથી જ કહી શકાય કે લાલુ ઘાસચારો ખાઈ ગયા હતા તો આજનાં નેતાઓ ‘છી’ ખાઈ રહ્યા છે.

દેશના કરોડો ગરીબ પરિવારોને જાહેરમાં કુદરતી હાજતે જઈને દરરોજ શરમજનક સ્થિતિમાં મૂકાવવું ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ એક મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકી હતી આ યોજના હેઠળ જે પરિવારોને તેમના ઘરમાં ટોઈલેટ ન હોય તેમને સરકારી તંત્ર દ્વારા ટોઈલેટ બનાવી આપવામાં આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારીઓએ આ લોકહિત વાળી યોજનામાં પણ ભ્રષ્ટાચાર આચરવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. તાજેતરમાં મધ્યપ્રદેશમાં આ યોજના હેઠળ લાખો ટોઈલેટો માત્ર કાગળ પર બનાવીને ભ્રષ્ટાચારીઓ કરોડો રૂા. ખાઈ ગયાના કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. ગુજરાતમાં પણ અનેક સ્થાનો પર આ યોજના હેઠળ નેતાઓએ માત્ર કાગળ પર ટોઈલેટો બનાવીને કરોડો રૂા. ખાઈ લીધાના આક્ષેપો સમયાંતરે થતા રહે છે.

સ્વચ્છ ભારત યોજના હેઠળ મધ્યપ્રદેશમાં રૂા.૫૪૦ કરોડનું શૌચાલય કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેી તપાસમાં બહાર આવ્યું છે કે, આ ખર્ચે બનાવેલા ૪.૫  લાખ શૌચાલયો ફક્ત કાગળ પૂરતા મર્યાદિત છે, તે જમીન પર બાંધવામાં આવ્યા નથી. આ અંગે વહીવટી તંત્રએ દાવો કર્યો છે કે તેમાં દરેક શૌચાલયનો જીપીએસ-ટેગ કરેલો ફોટો પણ છે. જો કે, સરકારે આરોપીને દરેક શૌચાલયમાં ખર્ચ કરેલા નાણા પરત વસુલવાનો આદેશ આપ્યો છે. શૌચાલયોનું નિર્માણ  વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ દરમિયાન યાનું બહાર આવ્યું હતું. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે આ શૌચાલયો ફક્ત કાગળ પૂરતા મર્યાદિત છે. આ સ્વચ્છ શૌચાલય બાંધવાના પુરાવા રૂપે લીધેલા ફોટોગ્રાફ્સ બીજા કોઈ સ્થાનના હતા.

બેન્ડલની લક્કડજામ પંચાયતના કેટલાક ગ્રામજનોએ અધિકારીઓનો સંપર્ક કર્યો અને ફરિયાદ કરી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું. ચાર સ્વચ્છ લાભાર્થીઓએ રજૂઆત કરી હતી કે તેઓને ખબર નથી કે તેમના નામે શૌચાલયો બનાવવામાં આવ્યા છે. પરંતુ સરકારી દસ્તાવેજોમાં એમ જ જણાવાયું નથી કે તેઓના ઘરોમાં શૌચાલય છે. પણ શૌચાલયોની સામે તેઓના ફોટોગ્રાફ્સ પણ છે. તપાસમાં બહાર આવ્યું છે કે તમામ ફોટોગ્રાફ્સ પડોશી ઘરના હતા. બેતુલ પંચાયતના સીઈઓ એમ.એલ. ત્યાગીએ આ અંગે જણાવ્યું હતું કે, ’આ શૌચાલયો અને અન્ય અસંગતતાઓ માટે આરોપી પાસેથી ૭ લાખ રૂપિયા વસૂલવામાં આવશે. આરોપીઓ પાસેી પુન: પ્રાપ્તિ હુકમ સામે અપીલ કરી હતી, પરંતુ દંડ માન્ય રાખવામાં આવ્યો છે. એકવાર પુન: પ્રાપ્તિ થઈ ગયા પછી, અમે આઈપીસી હેઠળ કાર્યવાહી કરીશું. પંચાયતમાં થઈ રહેલા તમામ કામોની તપાસનો આદેશ મેં આપ્યો છે.

એક અધિકારીએ આ અંગે કહ્યું હતું કે, જેનાી આ કેસની તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ ત્યારે તે પ્રકાશમાં આવ્યું કે સાડા ચાર લાખ શૌચાલયો છે જે ફક્ત કાગળ પર જ છે. નાણાકીય રીતે, આશરે ૫૪૦ કરોડના શૌચાલયો બનાવવામાં આવ્યા નથી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના અજિત તિવારીએ જણાવ્યું હતું કે, ૨૦૧૨માં એક સર્વે કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત રાજ્યમાં ગરીબી રેખાની ઉપર આશરે ૨ લાખ ઘરોનો પર્દાફાશ થયો હતો જ્યાં શૌચાલયો ન હતા. આ મકાનોમાં શૌચાલયો બનાવવાનું કામ ૨ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થયું હતું. પરંતુ, આ શૌચાલયો ખરેખર બાંધવામાં આવ્યા છે અને ૧૦૦ ટકા સુધી કામ પૂર્ણ થઈ ગયું છે તેની ખાતરી કરવા માટે, અમે એક સર્વેક્ષણ હાથ ધર્યું અને ૨૧ હજાર સ્વયંસેવકોએ કરેલા સર્વે દરમિયાન લગભગ સાડા ચાર લાખ શૌચાલયો ન બન્યાનો પર્દાફાશ વા પામ્યો હતો.

ઉપરથી પહોંચાડાતો ૧ રૂ. નીચે ૧૫ પૈસામાં પહોંચે છે: સ્વ. રાજીવ ગાંધી

ભારતમાં આઝાદીકાળ બાદ ભ્રષ્ટાચારનો ભોરીંગ સતત બેકાબુ બનતો રહ્યો છે. એક સમયે પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીએ પણ એક જાહેરસભામાં સ્વીકાર્યું હતું કે, કેન્દ્ર સરકારમાંથી નીકળતા એક રૂપિયો ઉપરથી લઈને નીચે તમામ સ્તરે વ્યાપેલા ભ્રષ્ટ્રાચારના કારણે સતત ગેરવહીવટ ઈને જનતા સુધી પહોંચતા માત્ર ૧૫ પૈસાનો થઈ જાય છે. એટલે કે, કોઈપણ યોજના પાછળ કેન્દ્ર સરકાર એક રૂપિયાનો ખર્ચ કરે તેનો જનતાને માત્ર ૧૫ પૈસા જેટલો લાભ મળે છે. જેથી આવી યોજના માટે વપરાતા ૮૫ પૈસાઓ વચ્ચેથી વચેટીયાઓ ઓહીયા કરી જાય છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના આવા જાહેરમાં સ્વીકાર પરથી જ ખ્યાલ આવી જાય છે કે તેઓ બધુ જાણતા હોવા છતાં ભ્રષ્ટાચારને ડામવા માટે નિષ્ફળ નીવડી રહ્યાં છે. રાજીવ ગાંધીના વડાપ્રધાનપદના સમયગાળા બાદ પણ વિવિધ સરકારોમાં સુખરામનું ટેલીકોમકાંડ, લાલુનો ઘાસચારાકાંડ, કોફીનાકાંડ, કોલસા કાંડ, રાજાનું ટેલીકોમ સ્પેકટ્રમ કાંડ સહિતના કરોડો, અબજો રૂપિયાના કૌભાંડનો પ્રકાશમાં આવતા રહ્યાં છે અને વર્ષો સુધી તેની તપાસો ચાલતી રહી છે, જેથી જ કહી શકાય કે ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાવો અશક્ય છે.

‘વહીવટી’ ભ્રષ્ટાચારનો ભોરીંગ નડી રહ્યાનો મુખ્યમંત્રીનો એકરાર!

આપણા દેશમાં સરકારી તંત્રમાં બેઠેલા બાબુઓ ભ્રષ્ટાચાર આચરવામાં એટલા બધા નિષ્ણાંત થઈ ગયા છે કે, પ્રમાણિક નેતાઓ તેને રોકવા અનેક પ્રયાસો કરે છતાં તેઓ બિન્ધાસ્ત ભ્રષ્ટાચાર આચરતા રહે છે. જેથી જ ગુજરાતમાં પારદર્શક વહીવટ આપવાનો સતત પ્રયાસ કરી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં નિખાલસપણે આ ‘વહીવટી’ ભ્રષ્ટાચારની કબુલાત આપી હતી. વિજયભાઈએ મહેસુલ વિભાગમાં લાંબા સમયથી સૌથી વધારે ભ્રષ્ટાચાર થઈ રહ્યાંનું કબુલ્યું હતું. આમ, લાંબા સમયથી ભ્રષ્ટાચાર આચરીને બેફામ બની ગયેલા ભ્રષ્ટાચારી તત્ત્વોના કારણે કોઈપણ પ્રમાણિક નેતા જેને ડામવાનો પ્રયાસ કરે તો ભ્રષ્ટાચારીઓની આખી લોબી આવા નેતાઓને પછાડવા માટે પ્રયાસો શરૂ કરી દે છે. દેશભરમાં આ ભ્રષ્ટાચારી લોબી એટલી પાવરફુલ બની ગઈ છે કે તે ગમે તેવી પ્રમાણિક સરકારને ઉલાવવા માટે પણ સક્ષમ ગણાય છે.

Loading...