Abtak Media Google News

વોર્ડ નં.૮નાં કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ અધેરા, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી એક સંયુકત યાદીમાં જણાવે છે કે, લક્ષ્મીનગર નાલાથી નાના મવા રોડ પર ખૂબજ વિકાસ થયેલ છે. અને રહેણાંક વેપારી વિસ્તાર પણ ખૂબજ છે. રોજ હજારો લોકો નાના મવા તરફથી લક્ષ્મીનગર નાલા નીચેથી આવન જાવન કરે છે. આ નાલુ ખૂબજ નાનું હોવાથી ટ્રાફીકની સમસ્યા તેમજ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાના કારણે આવન-જાવન માટે લોકોને ખૂબજ હાલાકી ભોગવવી પડે છે. હૈયાત નાલાની જગ્યાએ વ્યવસ્થિત અન્ડર બ્રીજ બને તે માટે વોર્ડના કોર્પોરેટર અને પદાધિકારીઓ પ્રયત્નશીલ હતા. ચાલુ વર્ષે પણ લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અન્ડર બ્રિજ બને તે માટે બજેટ જોગવાઈ કરવામાં આવેલ. જેના અનુસંધાને રેલવે વિભાગ તરફથી અન્ડર બ્રિજ બનાવવા માટે પ્રાથમિકચાર્જ પેટે રૂ.૨૯,૦૫.૭૧૬ ભરવા કોર્પોરેશનને જણાવેલ જેના અનુસંધાને આજરોજ સ્થાયી સમિતિ દ્વારા લક્ષ્મીનગર અન્ડર બ્રીજ બનાવવા માટે પ્રાથમિક ચાર્જ પેટે ભરવાની થતી રકમ ચૂકવવાનું મંજૂર કરવામાં આવેલ છે. ભવિષ્યમાં આ બ્રિજ બનતા નાના મવા મેઈન રોડ પર વસતા શહેરીજનોની હાલાકીમાં ખૂબજ રાહત મળશે તેમ અંતમાં કોર્પોરેટરએ જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.