Abtak Media Google News

ધોરાજી નગરપાલિકામાં રસ્તા, પાણી, સફાઇ, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળતી ન હોય ત્યારે શહેરના નાગરિકોને ટેકસમાથી મુકિત આપી ટેકસ માફીની માંગ એડવોકેટ ચંદુલાલ પટેલ દ્વારા નગરપાલિકા તંત્ર ઉપરાંત મુખ્યમંત્રીને પણ કરવામાં આવી છે.

લોકો નગરપાલીકા ટેકસ ભરપાઇ કરતા હોય તેઓને રસ્તા, પાણી, સફાઇ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમીક સુવિધાઓ નગરપાલિકાએ પૂરી પાડવી જ જોઇએ તેમાં કોઇ વાંધા નગરપાલિકા કરી શકે નહી. આમ છતાં ધોરાજી શહેરમાં અને નગરપાલિકાની હદમાં તાજેતરમાં જ નવા બનાવેલ તમામ રસ્તાઓ બીલકુલ તુટી ગયેલ છે.

નગરપાલીકાના સતાધીશો દ્વારા ભુગર્ભ ગટર વેરા નિયમ ૨૦૨૦ બનાવી તમામ રહેણાંક તથા દુકાનદારો, હોસ્પિટલો પાસેથી ભુગર્ભ ગટર કનેકશન ચાર્જ વસુલ કરવા ઠરાવ કરેલ છે. જે ખરેખર ખુબ જ જુલ્મી ગણી શકાય કેમ કે ભુગર્ભ ગટર તે નાગરિકોનો બંધારણીય અધિકાર છે. અને નાગરિકો જે કરવેરા ભરે છે તેના વળતર રૂપે સરકાર દ્વારા ભુગર્ભ ગટરની સુવિધા આપવામાં આવેલ છે.

નગરપાલીકા દ્વારા રસ્તાઓની, પાણીની સુવિધાઓ અપાતી નથી તેમજ ભુગર્ભ ગટર પણ વ્યવસ્થીત કરાતી નથી. તેથી જયાં સુધી નગરપાલીકા દ્વારા રોડ, રસ્તા, પાણી અને સફાઇની પ્રાથમીક સુવિધા વ્યવસ્થીત કરવામાં ન આવે કે પ્રજાને તેના બંધારણીય હકક મુજબની સુવિધા ન મળે ત્યાં સુધી ધોરાજી શહેરની પ્રજા પાસેથી ટેકસની વસુલાત નગરપાલિકા દ્વારા ન કરવા એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.