ક્ષત્રિયોની કરણી સેનાને હિસાબનું કલંક !

ચેરીટી કમિશનર તંત્ર દ્વારા હિસાબનો રીપોર્ટ ન આપનારા કરણી સેના ટ્રસ્ટને નોટીસ ફટકારી

પૌરાણિક સમયમાં કર્મના આધારે જ્ઞાતિપ્રથા આવી હતી ત્યારે ક્ષત્રીયોનો ધર્મ સમાજને થતા અન્યાયને દૂર કરવાનો હતો ક્ષત્રિયો ધાર્મિક સામાજીક, આર્થિક કે રાજકીય અન્યાય સામે પોતાના પ્રાણની આહુતિ આપતા પણ અચકાતા ન હતા ક્ષત્રિયોના આવા શ્રેષ્ઠ કર્મો તેમને સમાજમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવતું હતુ તેના કારણે જ આઝાદી બાદ પણ ક્ષત્રિયોના આન, માન અને શાન જળવાય રહેવા પામી હતી. ક્ષત્રિયોની આ આન, બાન અને શાનની રક્ષા કરવા માટે કરણીસેનાની રચના કરવામાં આવી હતી. પરંતુ, કરણી સેનાના રાજેન્દ્રસિંહ શેખાવત ક્ષત્રિયોની આ લાગણીનો ગેરપયોગ કરી રહ્યાનો આક્ષેપ રાજયનાં ચેરીટી કમિશનર તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

સમાજમાં ક્ષત્રિયોની આન, બાન અને શાન જળવાય રહે તે માટે સમાજ સેવા કરવાનો દાવો કરતી કરણી સેનાએ અત્યાર સુધી ચેરીટી કમિશનર તંત્રને હિસાબો આપ્યા નથી જેથી અમદાવાદના ચેરીટી કમિશન વાય.એમ. શુકલે કરણી સેનાને તેમના ટ્રસ્ટને દાનમાં મળેલા નાણાં અને તેના થયેલા ખર્ચ અંગેના ઓડીટ રીપોર્ટ આપવા હુકમ કર્યો છે. આ હુકમમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે કરણી સેના તેના ટ્રસ્ટ ડીડમાં આપેલા નિયમો બહારની કાર્યવાહી કરી રહી છે. જેથી આ મુદે જવાબો રજૂ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરણી સેના ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાંથી ચેરીટી કમિશ્નર તંત્રમાં રજીસ્ટર્ડ કરાવવામાં આવ્યું છે.

ચેરીટી કમિશ્નર તંત્રના સુત્રોએ આ અંગે વધુમાં જણાવ્યું હતુકે રાજયભરમાં નિયમિત પણે વાર્ષિક ઓડીટ રીપોર્ટ ન આપનારા અનેક ટ્રસ્ટો જોવા મળ્યા છે. જેથી દરેક જિલ્લાનાં મદદનીશ ચેરીટી કમિશનરોને આવા ટ્રસ્ટોને ઓળખી કાઢીને જરૂર પડયે તેના ટ્રસ્ટીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. આ અંગે કરણી સેનાના રાજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતુકે ચેરીટી કમિશ્નર તંત્ર દ્વારા માત્ર અમોને જ નહી અનેક ટ્રસ્ટોને નોટીસ પાઠવી છે. આ અંગે નિયમાનુસાર કાર્યવાહી કરીશું અમો રાજપુત સમાજના લોકોને થતા અન્યાય સામે કાર્યવાહી કરવા ઉપરાંત મુશ્કેનાં સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવીએ છીએ અમો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી.

Loading...