કોહલી બન્યો ‘વામણો’આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પછડાટ

195

૯૦૬ પોઈન્ટ સાથે વિરાટ બીજા ક્રમે: ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટિવ સ્મિથ પ્રથમ ક્રમ પર

ન્યુઝીલેન્ડ સામેના કંગાળ પ્રદર્શનથી ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીને ઘણુ નુકસાન પહોંચ્યું હોય તેવુ લાગી રહ્યું છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમનો ચાર્જ ભોગવી રહેલા કોહલી ૯૦૬ પોઈન્ટ સાથે રેન્કિંગમાં બીજા ક્રમે આવી પહોંચ્યો છે અને સ્ટિવ સ્મિથ પ્રથમ ક્રમ પર આવી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. જયારે બોલીંગ વિભાગમાં ટોપ-૧૦ માંથી ૯માં ક્રમ પર જ એક માત્ર આર.અશ્ર્વિનને સ્થાન મળ્યું છે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનું બેટિંગ પ્રદર્શન કંગાળ રહ્યું છે. જેના કારણે ટીમને તો નુકસાન થઈ રહ્યું છે પરંતુ કોહલીને પણ રેન્કિંગમાં મોટુ નુકસાન થયું છે. ભારતીય સુકાનીએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોનોમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કોહલી ફક્ત ૨૧ રન જ નોંધાવી શક્યો હતો. જેમાં ભારતને ૧૦ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

કોહલી હવે બીજા સ્થાને આવી ગયો છે અને તે ૯૦૬ પોઈન્ટ ધરાવે છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-૧૦માં કોહલી ઉપરાંત ઉપસુકાની અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલનો સમાવેશ થાય છે. રહાણે આઠમાં ક્રમે છે. જ્યારે પૂજારા નવમાં અને અગ્રવાલ ૧૦મા ક્રમાંકે છે. રહાણેએ પ્રથમ ટેસ્ટમાં ૭૫ રન નોંધાવ્યા હતા જેના કારણે તેને એક સ્થાનનો ફાયદો થયો છે. જ્યારે ૯૨ રન નોંધાવનારો અગ્રવાલ કારકિર્દીના સર્વોચ્ચ ક્રમાંકે પહોંચી ગયો છે. ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારાને બે સ્થાનનું નુકસાન થયું છે. પૂજારા બંને દાવમાં કુલ મળીને ૧૧ રન જ નોંધાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર સ્ટિવ સ્મિથ આઠમી વખત ટોચના સ્થાને આવી ગયો છે. સ્મિથ ૨૦૧૫મા પ્રથમ વખત નંબર-૧ના સ્થાને પહોંચ્યો હતો. કોહલી અને સ્મિથ સિવાય ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમ્સન થોડા દિવસ માટે નંબર-૧ બન્યો હતો. વિલિયમ્સન ડિસેમ્બર ૨૦૧૫મા આઠ દિવસ માટે ટોચના સ્થાને આવ્યો હતો.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ બોલીંગમાં ભારત તરફથી એક માત્ર આર અશ્વિન ૯મા ક્રમ પર

બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે નવમાં સ્થાને આવી ગયો છે.  જોકે, અશ્વિન ટોપ-૧૦મા સામેલ એકમાત્ર ભારતીય છે.  તેણે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં ૯૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપનારો ઈશાન્ત શર્મા એક સ્થાનના ફાયદા સાથે ૧૭મા સ્થાને આવી ગયો છે. જ્યારે ભારત સામે પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ઝડપી બોલર ટિમ સાઉધી અ ને ટ્રેન્ટ બોલ્ટને ફાયદો થયો છે. સાઉધી આઠ ક્રમના કૂદકા સાથે છઠ્ઠા સ્થાને આવ્યો છે જ્યારે બોલ્ટ સંયુક્ત રીતે ૧૩મા ક્રમાંકે છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ ભારત ૩૬૦ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ૨૯૬ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આઠ ટેસ્ટ રમ્યું છે અને તેમાંથી સાતમાં તેનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડ સામે ૧૦ વિકેટે પરાજય ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેનો પ્રથમ પરાજય હતો.

Loading...