Abtak Media Google News

કલેકટર કચેરીએ ડુંગળી, એરંડા અને કપાસ પી.એમ.ફંડમાં આપી વિરોધ વ્યક્ત કરતા પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ગાંધીનગરના ઇશારે માર મારવામાં આવ્યાનો કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરનો આક્ષેપ

મામલતદાર કચેરીએ રજૂ કરતા ખેડૂત આગેવાન ઢળી પડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

કોરોના વાયરસની મહામારીના કારણે ઉભી થયેલી આર્થિક સમસ્યાને ધ્યાને રાખી સમગ્ર દેશવાસીઓએ પી.એમ. અને સી.એમ. રાહત ફંડમાં કરોડો રૂપિયાનું અનુદાન આપી આર્થિક સહયોગ આપ્યો છે ત્યારે કિશાન સેલના પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન દ્વારા ખેડુતોને ડુંગળી, એરન્ડા અને કપાસનો પોષણક્ષમ ભાવ ન મળતા ત્રણેય જણસ પી.એમ. ફંડમાં આપવા કલેકટર કચેરીએ જઇ નવતર વિરોધ વ્યક્ત કરતા ખેડુત આગેવાનની પોલીસ દ્વારા અટકાયત કરી જામીન મુક્ત કરી ફરી અટકાયતી પગલા માટે ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરી ખાતે લઇ જઇ ચાર પોલીસ અધિકારીઓ દ્વારા માર માર્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા સનસનાટી મચી ગઇ છે.

મુળ ખંભાળીયા તાલુકાના હાજડાપર ગામના વતની અને કિશાન સેલના પ્રમુખ પાલભાઇ રામભાઇ આંબલીયા, દેવભાઇ શામળાભાઇ ગઢવી, પ્રવિણભાઇ પટોડીયા, ચેતનભાઇ ગઢીયા અને ગીરધરભાઇ વાઘેલા ગઇકાલે કલેકટર કચેરીએ ડુંગળી, એરન્ડા અને કપાસ પી.એમ. ફંડમાં આપવા ગયા હતા. અને ખેડુતોને પોષણક્ષમ ભાવ મળ્યો ન હોવાથી ત્રણેય જણ પી.એમ.ફંડમાં આપી દેવાનું કહી કલેકટર કચેરી ખાતે હોબાળો મચાવતા પાંચેયની પ્ર.નગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

પાંચેય ખેડુત આગેવાનના કોંગ્રેસ આગેવાન મહેશભાઇ રાજપૂત જામીન થતા તમામનો જામીન પર પોલીસ દ્વારા જ છુટકારો કરવામાં આવ્યો હતો. સાંજે પ્ર.નગર પોલીસમાંથી ફોન આવ્યો હતો અને તમારા ફિંગર પ્રિન્ટ લેવાના બાકી હોવાથી પ્ર.નગર પોલીસ મથકે આવી જવા કહેવામાં આવતા પાંચેય ખેડુત આગેવાન પ્ર.નગર પોલીસ મથકે ગયા ત્યારે તેઓ સામે ૧૫૧ મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી.

પાંચેય સામે ૧૫૧ મુજબ ધરપકડ કરાયા બાદ મોડી સાંજે અન્ય પોલીસ સ્ટાફ પાલભાઈ આંબલીયાને પૂછપરછ માટે કમિશનર કચેરી ખાતે લઇ ગયા ત્યારે રસ્તામાં તેની પાસેથી મોબાઇલ, કારની ચાવી અને પાકીટ લઇ લીધા બાદ લીંબડા ખાતે ઉભા રાખી માર મારવામાં આવ્યાનો પાલભાઇ આંબલીયાએ આક્ષેપ કર્યો છે.

Screenshot 20200521 133146

પાલભાઇ આંબલીયાને પશ્ર્ચિમ ઝોન મામલતદાર કચેરી ખાતે રજૂ કરાયા ત્યારે ત્યાં તેઓ ઢળી પડયા હતા અને ત્યાંથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે શહેર કોંગ્રેસ આગેવાન અશોકભાઇ ડાંગર અને મહેશભાઇ રાજપૂત દ્વારા શહેર પોલીસ ગાંધીનગરના ઇશારે કામ કરતી હોવાનો આક્ષેપ કરી આંદોલન કરવાની ચીમકી ઉચારી છે.

ખેડુત આગેવાન પાલભાઇ આંબલીયાને માર માર્યાની ઘટના અંગે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ આવી કોઇ ઘટના તેમના ધ્યાને આવી ન હોવાનું કહી કોંગ્રેસ દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવશે તો તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.